કહો જોઈએ, રણવીર સિંહને જોઈને આપણે કેમ ખુશ થઈએ છીએ?

24 October, 2021 12:20 PM IST  |  Mumbai | Bhavya Gandhi

હૅપીનેસ, એનર્જી અને પૉઝિટિવિટી હંમેશાં સૌકોઈને આકર્ષે, બધાની વચ્ચે ધ્યાન ખેંચે અને અંદરથી સામેની વ્યક્તિને પણ ખુશ કરે. આ વાત રણવીર સિંહને જોઈને આપણને બધાને પણ સમજાવી જોઈએ

કહો જોઈએ, રણવીર સિંહને જોઈને આપણે કેમ ખુશ થઈએ છીએ?

હૅપીનેસ, એનર્જી અને પૉઝિટિવિટી હંમેશાં સૌકોઈને આકર્ષે, બધાની વચ્ચે ધ્યાન ખેંચે અને અંદરથી સામેની વ્યક્તિને પણ ખુશ કરે. આ વાત રણવીર સિંહને જોઈને આપણને બધાને પણ સમજાવી જોઈએ

એવું નથી કે આ કંઈ આજકાલની વાત હોય. તમે રણવીર સિંહને કોઈ પણ જગ્યાએ જોઈ લો. ફંક્શન હોય કે ફિલ્મ, ઇવેન્ટ હોય કે ઇન્ટરવ્યુ - રણવીર સિંહની એનર્જી તમને અટ્રૅક્ટ કરે જ કરે અને એનું કારણ પણ છે. તે હંમેશાં પૉઝિટિવ રહ્યો છે. તમને ક્યાંય તેનામાં કોઈ જાતની નેગેટિવિટી દેખાય નહીં. જરા પણ નકારાત્મકતા જોવા મળે નહીં. તે પત્રકારો સામે આવે ત્યારે તેના જે વાઇબ્સ હોય એ જ વાઇબ્સ તમને ઇન્ટરવ્યુ દરમ્યાન જોવા મળે. તમે તેને ફિલ્મસિટીમાં મળો ત્યારે તે જે રીતે તમને મળે એવી જ ઉષ્મા તેનામાં ત્યારે પણ અકબંધ હોય જ્યારે તે શૂટિંગ કરતો હોય. તમે જો મૂડલેસ હો કે પછી જો તમે નેગેટિવ હો તો રણવીરને મળ્યા પછી તમારી એ નેગેટિવિટી સાવ નીકળી જાય. તમારામાં તે એનર્જી ભરી દે, એવું જગાડી અંદર કે તમને પણ બધું સારું લાગવા માંડે અને સારું જ થશે એવી ભાવના પણ તમારા મનમાં આવી જાય.
સાયન્સ કહે છે કે ચૉકલેટ, સ્ટ્રૉબેરી જેવી વરાઇટી તમારા બ્રેઇનમાં ડોપામાઇન જન્માવે છે જે તમને ફ્રેશ, સેન્સેટિવ, રોમૅન્ટિક બનાવે છે, હૅપીનેસ આપે છે, મોટિવેટેડ ફીલ કરાવે છે. જોકે હું કહીશ કે સાયન્સ અહીં થોડું અધૂરું છે. એણે કહેવું જોઈએ કે સ્ટ્રૉબેરી, ચૉકલેટ કે પછી રણવીર સિંહને જોવાથી ડોપામાઇન જન્મે અને તમે મોટિવેટેડ ફીલ કરો, હૅપીનેસ આપવાનું શીખો. બને કે આ વાત કોઈને વધારે પડતી લાગે. એમ છતાં હું કહીશ કે આ હકીકત છે. રણવીર સિંહ જેવા બનવામાં જરા પણ ખોટું નથી. અરે, તેની નકલ કરવામાં પણ અક્કલ વાપરી કહેવાશે. શું કામ એનો જવાબ પણ રણવીર સિંહે એક વાર આપેલા જવાબમાંથી ખબર પડી જશે.
રણવીરે એક વાર કહ્યું હતું કે ‘હું જાતને ખુશ રાખું છું. હું ક્યારેય એવું માનતો જ નથી કે મારી આસપાસ હૅપીનેસ છે જ નહીં. જો એ ન હોય તો પણ હું હૅપીનેસ સાથે રહું છું. એકધારા ખુશ રહેવાની આદત પાળું છું અને એ આદતને લીધે હવે એવું બન્યું છે કે હું સાચે જ ખુશ હોઉં છું.’
બહુ વખત પહેલાં તેણે આ વાત કહી હતી અને એ પછી તો તેની આસપાસના અનેક લોકોએ પણ એ ટ્રાય કરી અને એમાંથી જૂજ પાર પણ પડ્યા. તે લોકો આજે એવી જ રીતે રહે છે જાણે કે જગતમાં દુઃખ છે જ નહીં અને એવું ધારવું ખોટું પણ નથી. સુખ મૃગજળ છે એવું કહેનારાઓને ખોટા પાડવા હોય તો ધારવું જોઈએ કે દુઃખ પણ મૃગજળ છે. સુખને શું કામ મૃગજળ બનાવીએ? દુઃખને મૃગજળ ગણીએ અને એને જ દૂર રાખીએ આપણાથી જેથી એને શોધવાનો પણ પ્રયાસ ન કરવો પડે અને ધારો કે એવું બની જાય તો આપણે દુઃખ માટે ટળવળતા હોવા જોઈએ. કહેવું પડે આપણે કે કોઈ આવીને મને દુઃખી કરો અને કોઈ એ પ્રયાસ કરે તો પણ એનો સહેજ પણ અનુભવ આપણને ન થાય.
રણવીર સિંહ એ જ કરે છે. તેને કોઈ વાત દુઃખી નથી કરતી, તેને કોઈ વાત પીડા પણ નથી આપતી અને એવું જ મને-તમને, આપણને થવું જોઈએ. જોકે એવું થશે ત્યારે જ્યારે આપણે જાતને સતત સંદેશો આપતા રહીશું કે આપણે સુખી છીએ.
વાત કોઈના ગળે ન ઊતરે એવું બની શકે અને બની શકે કે કોઈને આવાં કાલ્પનિક ખ્વાબોમાં રહેવું પણ ન ગમે. જોકે ખુશ રહેવા માટે, પૉઝિટિવ રહેવા માટે આવું વિચારવું કે પછી આવી વિચારધારા કેળવવી જરા પણ ખોટી નથી. રહેવું ખુશ છે તો પછી અત્યારથી જાતને ખુશ રાખવાની કોશિશ કરવાની છે અને એ આદત કેળવવાની છે.
રણવીર સિંહે આની શરૂઆત કેવી રીતે કરી હતી એ જાણશો તો તમને નવાઈ લાગશે. તેણે પોતે કહ્યું છે કે તે જ્યારે મુંબઈ આવ્યો અને સ્ટ્રગલની શરૂઆત કરી ત્યારે પણ આવો જ હતો - ખુશ અને પૉઝિટિવ. તે દરરોજ પોતાની જાતને એક જ મેસેજ આપતો કે આઇ ઍમ ધ મોસ્ટ હૅપીએસ્ટ પર્સન ઑફ ધ યર. આ મેસેજની સીધી અસર એ થતી કે તેને પોતાને એવું મનમાં સ્ટોર થઈ ગયું કે તે ખરેખર હૅપી પર્સન છે, જેને લીધે તેને કોઈની ના પણ અસર નહોતી કરતી અને રિજેક્શન પણ તેને ડિસ્ટર્બ નહોતું કરતું. સિમ્પલ છે કે તે બધી ઘટનાને લાઇફની એક પ્રોસેસ તરીકે જોઈને જાતને ફરીથી એ જ મેસેજ આપતો કે પોતે જગતની સૌથી ખુશ વ્યક્તિ છે.
રણવીરના પગમાં જે તાકાત છે, શરીરમાં જે ઊર્જા છે એ ઊર્જા આ પૉઝિટિવિટીની છે અને એક વાત યાદ રાખજો, હકારાત્મકતા જ જીવનનો હેતુ હોવો જોઈએ. 
રણવીર કંઈ પણ કરી શકે છે. એ પોતાના ગેમ-શોમાં છોકરીની જેમ કપડાં પહેરીને ‘લડકી, શહર કી લડકી...’ ગીત પર ઠૂમકા પણ લગાવે છે અને મારવાડી પરિવારની વહુ સાથે ઘુમ્મર ડાન્સ પણ કરી લે છે. એનું કારણ શું છે ખબર છે? તે પોતાની જાતને સતત ખુશ માને છે અને જે ખુશ હોય તેને ક્યારેય કોઈ સંકોચ હોય નહીં. સંકોચ ન હોય, શરમ ન હોય કે પછી કોઈ વિચાર પણ મનમાં ન આવતો હોય કે પોતે કેવો લાગશે? 
તમે સારા જ લાગતા હો જો તમને ખબર હોય કે તમે ખુશ છો. તમે સારા જ દેખાઓ જો તમને ખબર હોય કે તમે સુખી છો અને તમારી જાણ ખાતર, આગળ કહ્યું એમ, સુખ મૃગજળ નથી જ નથી જો તમે દુઃખને મૃગજળ બનાવીને રાખશો તો. સુખના મૃગજળ પાછળ ભાગીને દુઃખી થવા કરતાં બહેતર છે કે દુઃખને મૃગજળ બનાવો અને સુખની શીતળ છાયામાં દુઃખથી દૂર રહેવાના પ્રયાસ કરો. દુઃખની બાબતમાં મારા એક ગમતા લેખકે બહુ સરસ વાત કહી હતી.
ધાર્યું થાય એ સુખ અને ધાર્યું ન થાય એ દુઃખ. 
તમે તમારું ધાર્યું કરી શકતા હો, તમારી ઇચ્છા મુજબનું જીવન જીવી શકતા હો અને તમારી ઇચ્છા મુજબ આગળ વધી શકતા હો તો એનાથી મોટું સુખ બીજું કોઈ હોઈ જ ન શકે. બીજા પાસે ધાર્યું કરાવવું નથી અને બીજાને આપણે ચીંધીએ એ માર્ગે ચલાવવા નથી. યાદ રાખજો, દરેક પાસે પોતાની ફૂટ હશે અને એ તમને માપવાનું કામ પોતાની ફૂટથી જ કરશે. છો માપે, તેના માપને અનુસરવું ન હોય તો તમારે સુખી થવું પડશે અને જાતને પણ સમજાવવી પડશે કે તમે સુખી છો. જે સમયે તમે જાતને સુખી કરીને રાખશો એ સમયે તમને દુઃખી કરવાનું કામ લગભગ અસંભવ થઈ જશે. કુદરત પણ તમને દુઃખી નહીં કરી શકે અને જો એવું હોય તો પછી માણસની શી વિસાત છે કે એ તમને દુઃખી કરી શકે.
રણવીર સિંહને મળ્યા પછી, તેને સ્ક્રીન પર પણ જોયા પછી જે હૅપીનેસ ફીલ થાય છે એની પાછળનું કારણ એટલું જ કે તે પોતે ખુશ છે, તે પોતે સુખી છે અને તેનું સુખ તેનામાંથી છલકાઈને સામેવાળાને, ઑડિયન્સ સુધ્ધાંને તૃપ્ત કરે છે. આ જે તૃપ્તિ છે એ તૃપ્તિ હકીકતમાં તેની છે, પણ એમ છતાં એ આપણને ખુશ કરવાનું કામ કરી જાય છે. જરા વિચારો કે આ જ કામ આપણે શરૂ કરી દઈએ તો કેવું બને? તમારી હૅપીનેસ તમારી જ ફૅમિલીને તૃપ્ત કરશે અને એ તૃપ્તિ તેમની સાઇડથી પણ આગળ વધશે. 

રણવીર સિંહને મળ્યા પછી, તેને સ્ક્રીન પર પણ જોયા પછી જે હૅપીનેસ ફીલ થાય છે, જે ખુશી મળે છે એની પાછળનું કારણ એટલું જ કે તે પોતે ખુશ છે, તે પોતે સુખી છે અને તેનું સુખ તેનામાંથી છલકાઈને સામેવાળાને પણ તૃપ્ત કરે છે. વિચારો જરા, તમે પોતે ખુશ હો તો એ તમારા સરાઉન્ડને કેવું તૃપ્ત કરે?

columnists Bhavya Gandhi