09 January, 2026 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. મેહુલ ભટ્ટ ફૅમિલી-ફિઝિશ્યન છે અને છેલ્લાં ૨૫ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહ્યા છે
માત્ર મુંબઈમાં જ નહીં, દેશભરમાં હવે ફૅમિલી-ફિઝિશ્યનનું ચલણ ઘટી રહ્યું છે. એક સમયે ફૅમિલી-ફિઝિશ્યનની જે વૅલ્યુ હતી એ હવે ખૂબ જ ઓછી થઈ ગઈ છે જે ફૅમિલી-ફિઝિશ્યન માટે જ નહીં, પેશન્ટ્સ માટે પણ સારી બાબત ન કહી શકાય. એનું કારણ એ છે કે ફૅમિલી-ફિઝિશ્યન તેમના પેશન્ટ્સની અને તેમની ફૅમિલીની હૅલ્થ-હિસ્ટરી વિશે જેટલું જાણતા હોય એટલું બીજા કોઈ જાણતા હોતા નથી. મારી જ વાત કરું તો હું ફૅમિલી-ફિઝિશ્યનના ક્ષેત્રે ત્રીજી પેઢી છું. મારા દાદા, મારા પિતા અને હું એમ અમે ત્રણે ફૅમિલી-ફિઝિશ્યન છીએ અને અમારી પાસે ત્રણ-ત્રણ પેઢીના પેશન્ટ્સ છે જેમની આખી ફૅમિલીની હેલ્થ-હિસ્ટરી અમારી પાસે છે. એટલે જેવા તેઓ કોઈ શારીરિક સમસ્યા કે માંદગીની ફરિયાદ લઈને આવે એટલે અમે તેમને તરત એ માંદગી થવાનું કારણ અને ઇલાજ જણાવી શકીએ છીએ.
જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં મેં ઘણો બદલાવ જોયો છે. મેડિક્લેમ, આર્થિક સધ્ધરતામાં વધારો અને ગૂગલબાબાના આગમન બાદ ઘણા પેશન્ટો ગેરમાર્ગે જઈ રહ્યા છે. તેઓ જાતે જ નિર્ણય લેતા થઈ ગયા છે કે તેમણે કયા ડૉક્ટર પાસે જવું જોઈએ. સ્વનિર્ણય લેવો ખોટો નથી, પરંતુ ઘણી વખત ખોટો નિર્ણય લેવાઈ જાય તો આખી ટ્રીટમેન્ટ ઊંધી પડી જતી હોય છે. જેમ કે કોઈકને કમરમાં કે પગમાં દુખાવો હોય તો તે એમ વિચારે કે હું ઑર્થોપેડિક ડૉક્ટર પાસે જઈશ તો મને સારું થઈ જશે. ત્યાં રિપોર્ટ કાઢવામાં આવે ત્યારે એમાં હાડકાંને સંબધિત કોઈ સમસ્યા દેખાતી નથી. એટલે રિપોર્ટ જોઈને તેમને અન્ય ડૉક્ટરની સલાહ લેવા માટે કહેવામાં આવે. આમ છેલ્લે પેશન્ટ અલગ-અલગ ડૉક્ટરો પાસે ફરી-ફરીને અમારી પાસે રિપોર્ટની ફાઇલો લઈને આવે છે અને ઇલાજ પૂછે છે ત્યારે ખબર પડે છે કે દુખાવો થવા પાછળનું કારણ કંઈક બીજું જ હતું. જોકે ત્યાં સુધીમાં તો તેઓ કેટલાય પૈસા ખર્ચી નાખે છે. દુખાવો થવા પાછળ ઘણાં કારણો હોય છે, પણ લોકો પહેલાં ફૅમિલી-ફિઝિશ્યન પાસે જવા કરતાં સીધા સ્પેશ્યલિસ્ટ પાસે જ પહોંચી જતા હોય છે. અમુક ગંભીર કેસમાં સ્પેશ્યલિસ્ટ પાસે જવું જરૂરી બને છે, પરંતુ સામાન્ય વસ્તુમાં સ્પેશ્યલિસ્ટ સુધી પહોંચી જવું લોકોને મોંઘું તો પડે જ છે અને સાથે સારવાર પણ પાછળ ઠેલાય છે.
હવે કેટલીક કૉર્પોરેટ ઑફિસોમાં પણ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર્સ સાથે સીધો કૉન્ટૅક્ટ હોય છે. એટલે જો કોઈ કર્મચારીનું સતત માથું દુઃખતું હોય તો તે એમ જ વિચારે કે ચાલોને સીધા મગજના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરને જ મળી લઈએ. કોઈને રિસ્ક લેવું નથી, પણ અનેક ટેસ્ટ અને રિપોર્ટ બાદ ખબર પડે કે માથું ઍસિડિટીને લીધે દુખતું રહે છે. હું કોઈ સ્પેશ્યલિસ્ટના વિરોધમાં નથી, પરંતુ હું લોકોને ટ્રીટમેન્ટ માટે યોગ્ય માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપું છું. નો ડાઉટ ફૅમિલી-ફિઝિશ્યન ભલે જનરલ ડૉક્ટર છે, પરંતુ તેને દરેક ફીલ્ડનું નૉલેજ હોય છે. તેઓ પેશન્ટને જોઈને કહી શકે છે કે તેને કયા ડૉક્ટર પાસે જવાની જરૂર છે. ફૅમિલી-ફિઝિશ્યન તાજનાં પત્તાંનો બાદશાહ નથી, પરંતુ તે ‘જૅક ઑફ ઑલ’ છે.