12 May, 2026 12:01 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
મમતા બૅનરજી ચૂંટણી હારી ગયા પછી પણ પોતાની નિષ્ફળતા સ્વીકારી નથી શક્યાં. પહેલાં તો રાજીનામું ન આપ્યું અને હજી સોશ્યલ મીડિયા પ્રોફાઇલમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લખવાને બદલે તેમણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન (૧૫મી, ૧૬મી અને ૧૭મી વિધાનસભા) એવું લખવાનું પસંદ કર્યું છે. જેણે કદી સફળતાનો સ્વાદ ચાખ્યો નથી કે પછી વારંવાર હાર જ મેળવી છે એ લોકો માટે નિષ્ફળતાનો સ્વીકારવાનું કદાચ સહેલું હોય છે અને તેઓ માનસિક રીતે તૈયાર પણ હોય છે, પરંતુ સફળતાના શિખરે બિરાજ્યા પછી જબરદસ્ત પછડાટ મળે ત્યારે હાર પચાવવી મુશ્કેલ બનતી હોય છે. રાજકારણમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં આ શક્ય છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે સફળ થયા પછી મળતી હારને પચાવવા માટે શું કરવું જોઈએ?
ચૂંટણીમાં હાર-જીત થતી રહે, સત્તા આવતી-જતી રહે. આમાં કંઈ નવું નથી. જોકે ૧૫ વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનપદે રહીને સત્તા ભોગવ્યા બાદ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો થતાં મમતા બૅનરજીને એ પચી નથી. અહીં મુદ્દો કોઈ એક નેતાની ટીકા કરવાનો નહીં પણ સફળતા પછી મળતી નિષ્ફળતાની માનસિક સ્થિતિ સમજવાનો છે. આ એક માનવસહજ સ્વભાવ છે કે વ્યક્તિએ લાંબા સમય સુધી સફળતા ભોગવી હોય અને પછી એક દિવસ ધાર્યા મુજબ પરિણામ ન મળે ત્યારે એનો સ્વીકાર કરવો તેના માટે ખૂબ અઘરો બની જતો હોય છે. આવું ફક્ત રાજકારણમાં થાય એવું નથી. આ પડકાર દરેક ક્ષેત્રના લોકો માટે સરખો જ છે. જો કોઈ વિદ્યાર્થી હંમેશાં ક્લાસમાં ફર્સ્ટ રૅન્ક લાવતો હોય, પણ જ્યારે અન્ય વિદ્યાર્થી તેનાથી આગળ નીકળી જાય તો તેને એ હાર સ્વીકારવી ખૂબ અઘરી લાગતી હોય છે. કૉર્પોરેટ જગતમાં પણ એવું થતું હોય કે લાંબા સમય સુધી ઉચ્ચ પદે રહ્યા બાદ કોઈને અચાનક હટાવી દેવામાં આવે ત્યારે તેમના માટે એ આઘાત જીરવવો અઘરો બની જાય છે. આપણને બધાને જ ખબર છે કે હાર-જીત સિક્કાની બે બાજુ છે, પણ એમ છતાં નિષ્ફળતાને સ્વીકારવાની વાત આવે ત્યારે આપણે એને સ્વીકારી શકતા નથી. એવામાં આપણે ખરેખર એ વસ્તુ પર મનોમંથન કરવાની જરૂર છે કે સફળ થયા પછી મળતી હારને પચાવવા માટે શું કરવું જોઈએ?
લાંબી સફળતાનો માનસિક નશો
લાંબી સફળતા પછી જીવનમાં હાર મળે ત્યારે એનો સ્વીકાર કરવો કેમ અઘરો બની જતો હોય છે? એની સાથે જોડાયેલાં વિવિધ પાસાંઓ વિશે વાત કરતાં ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘સફળતા મળતાં જ મગજમાં ડોપમીન નામના કેમિકલનો ઊભરો આવે છે. આ એ જ કેમિકલ છે જે કોઈ પણ ઍડિક્શન વખતે રિલીઝ થાય છે. એ તમને ટૉપ ઑફ ધ વર્લ્ડ હોવાનો અહેસાસ કરાવે છે. આ અવસ્થામાં વ્યક્તિને લાગે છે કે બધું જ તેના કન્ટ્રોલમાં છે અને તે અનબીટેબલ (અજેય) છે. સત્તા અને સફળતા એક પ્રકારનું ઇન્ટૉક્સિકેશન પેદા કરે છે જે માણસની નિર્ણયશક્તિને ધૂંધળી કરી નાખે છે. વ્યક્તિ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે અને તેને એવું લાગવા માંડે છે કે તેના જેવું પાવરફુલ કે હોશિયાર બીજું કોઈ નથી. આ એક પ્રકારનો માનસિક ભ્રમ છે જે તેને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. જ્યારે આ નશો ઊતરે છે એટલે કે હાર મળે છે ત્યારે એ પછડાટ ખૂબ જ પીડાદાયક હોય છે. આસમાન પરથી સીધા જમીન પર પટકાવાની આ ક્રિયાને સાઇકોલૉજીમાં કૉગ્નિટિવ ડિસોનન્સ કહેવાય છે. તમારી આંખ ખૂલે છે અને તમને દેખાય છે કે દુનિયા તમારા વગર પણ ચાલી શકે છે અને તમારાથી પણ વધુ સક્ષમ લોકો અસ્તિત્વ ધરાવે છે. જેમ કોઈ નશો છોડતી વખતે વ્યક્તિને તકલીફ થાય એમ સફળતા ગયા પછી જે ફીલિંગ આવે છે એ જરાય સુખદ નથી હોતી. એ બેચેની, ક્રોધ અને અસ્વીકાર લઈને આવે છે. સફળતાના લાંબા ગાળા દરમ્યાન વ્યક્તિને પોતાની પોઝિશન સાથે એક પ્રકારનું ગાઢ અટૅચમેન્ટ એટલે કે આસક્તિ થઈ જાય છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું સૌથી મોટું કારણ ભાવનાત્મક અસ્થિરતા છે અને આ અસ્થિરતાનું મૂળ આ આસક્તિમાં જ રહેલું છે. આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં પણ એટલે જ અટૅચમેન્ટથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે, કારણ કે આસક્તિ હંમેશાં પીડાને જન્મ આપે છે. જ્યારે તમે તમારા હોદ્દા કે સત્તા સાથે એટલી હદે જોડાઈ જાઓ છો કે એ જ તમારી ઓળખ બની જાય, ત્યારે એનાથી વિખૂટા પડવાનો સમય અત્યંત કષ્ટદાયક બની જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ શોકનો અનુભવ કરે છે અને ભાવનાત્મક રીતે પડી ભાંગે છે. આ પછડાટ એટલી તીવ્ર હોય છે કે વ્યક્તિ પોતાની જાત પર જ પ્રશ્નો કરવા લાગે છે કે મેં એવું તો શું ખોટું કર્યું? મારામાં ક્યાં ખામી રહી ગઈ? આ સતત ચાલતું મનોમંથન તેના સેલ્ફ-ડાઉટને વધારે છે જેની સીધી અસર તેના આત્મવિશ્વાસ પર પડે છે. જ્યારે હોદ્દો છીનવાય છે ત્યારે તે વ્યક્તિને માત્ર સત્તાની હાર નથી લાગતી, પણ એક એવી આઇડેન્ટિટી ક્રાઇસિસ લાગે છે જેમાં તેને પોતાનું અસ્તિત્વ જ જોખમમાં જણાતું હોય છે.’
હાર પછીનું માનસિક યુદ્ધ
કોઈ વ્યક્તિ જ્યારે સતત સફળતાના શિખરે રહે છે ત્યારે નિષ્ફળતાનો સામનો કરવો એ માત્ર એક હાર નથી રહેતી, એક માનસિક યુદ્ધ બની જાય છે. એ વિશે સમજાવતાં લીડરશિપ કોચ રાહુલ શાહ કહે છે, ‘કોઈ પણ મોટી નિષ્ફળતા કે અણધાર્યા આંચકા પછીની પહેલી પ્રતિક્રિયા હંમેશાં શૉકની હોય છે. આ આઘાત અનુભવવો એ માનવસ્વભાવ મુજબ અત્યંત કુદરતી છે, પરંતુ મહત્ત્વનું એ છે કે વ્યક્તિ એમાંથી કેવી રીતે બહાર આવે છે. પરાજય પછીની સાચી સફર આઘાતથી શરૂ થઈને સ્વીકાર અને આત્મચિંતન સુધી પહોંચવી જોઈએ. સ્વીકારમાં કેટલો સમય લાગશે એનો સંપૂર્ણ આધાર વ્યક્તિની ભાવનાત્મક પરિપક્વતા અને તેની આસપાસ રહેલી સપોર્ટ-સિસ્ટમ પર હોય છે. જે લોકો માનસિક રીતે મજબૂત હોય છે તેઓ સમય જતાં પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી શકે છે, જે તેમને સમજાવે છે કે ‘આ એક હાર મારું અસ્તિત્વ નક્કી નથી કરતી, મારે હજી મારી જાત પર કામ કરવાની જરૂર છે.’ આ પ્રક્રિયા અઘરી લાગવાનું એક મુખ્ય કારણ એ છે કે સફળતા હંમેશાં એક પ્રકારની નિશ્ચિતતા ઊભી કરે છે. કોઈ વ્યક્તિ જ્યારે એક જ પદ્ધતિથી વારંવાર સફળ થાય છે ત્યારે તે માત્ર પોતાની ક્ષમતા પર જ નહીં, પોતાના જજમેન્ટ અને દુનિયાને જોવાની પોતાની દૃષ્ટિ પર પણ અતૂટ વિશ્વાસ કરવા લાગે છે. તે એક એવા ફ્લોમાં હોય છે જ્યાં તેને બધું જ બરાબર લાગે છે, પરંતુ અચાનક મળેલી નિષ્ફળતા આ નિશ્ચિતતાના પાયા હચમચાવી નાખે છે. આ પળે માણસનું મન સૌથી પહેલાં બહારનાં કારણો કે બહાનાં શોધવાનો પ્રયત્ન કરે છે, કારણ કે માનવીની મૂળભૂત વૃત્તિ આત્મચિંતનની નહીં પણ સેલ્ફ-પ્રોટેક્શન (સ્વબચાવ)ની હોય છે. પોતાની ભૂલ સ્વીકારવા કરતાં બીજા પર દોષારોપણ કરવું મન માટે વધુ સરળ હોય છે. આ સંઘર્ષમાં સૌથી પીડાદાયક પાસું સેલ્ફ-ઇમેજ કરતાં પણ વધુ પબ્લિક-ઇમેજનું હોય છે. ઘણા લીડર્સ માટે સત્તા ગુમાવવાનું દુખ એટલું મોટું નથી હોતું જેટલું દુખ લોકોની નજરમાં પોતાની છબિ ગુમાવવાનું હોય છે. લોકો હવે મારા વિશે શું વિચારશે? એ પ્રશ્ન તેમને અંદરથી કોરી ખાય છે. નેતૃત્વનું પદ ગુમાવવું એ એક ગંભીર આઇડેન્ટિટી ક્રાઇસિસ (ઓળખનું સંકટ) ઊભી કરે છે. જે વ્યક્તિ વર્ષો સુધી એક ઉચ્ચ હોદ્દા પર રહી હોય તે અચાનક પોતાની જાતને પ્રશ્ન કરવા લાગે છે કે હું વાસ્તવમાં કોણ છું અને અત્યાર સુધી મેં મારી જાતને શું માની હતી? આ પરાજય તેને પોતાના હોદ્દા અને પોતાના અસ્તિત્વ વચ્ચેનો તફાવત સમજવા માટે મજબૂર કરે છે.’
સ્વીકાર અને કૃતજ્ઞતાની શક્તિ
નિષ્ફળતાને કયા અભિગમ સાથે હૅન્ડલ કરી શકાય એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘આપણે એ સ્વીકાર કેળવતા જ નથી કે જે વસ્તુ આજે આપણી પાસે છે તે કોઈક દિવસ દૂર પણ થવાની છે. વાસ્તવમાં કંઈ જ કાયમી નથી, બધું જ ક્ષણભંગુર છે. જે વ્યક્તિ આ સત્યને સમજી લે છે તેને નિષ્ફળતાનો આઘાત આટલો પીડાદાયક નથી લાગતો. આપણા ગ્રંથોમાં લખાયેલી આ વાતને જીવનમાં ઉતારવી મોટા ભાગના લોકો માટે અઘરી હોય છે. આ માટે એક પ્રૅક્ટિસ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને એ છે કૃતજ્ઞતા. જ્યારે પણ તમે જીવનમાં સફળતાના શિખરે હો ત્યારે સૌથી પહેલાં કૃતજ્ઞતાનો ભાવ કેળવો. એ વાતનો આભાર માનો કે તમને આ તક મળી છે. ભલે એમાં તમારી મહેનત અને આવડત હોય, પણ સાથે કુદરતની મહેરબાની પણ છે. આ વિચાર તમારી એ ગેરસમજને તોડી નાખે છે કે ‘બધું જ મારી આવડતથી થયું છે.’ જ્યારે તમે સફળતાનું શ્રેય કુદરતને આપો છો ત્યારે તમારામાં એ સ્વીકારભાવ જાગે છે કે પરિણામના અમુક ટકા મારા હાથમાં નથી અને એ કારણોસર હું હારી પણ શકું છું. કૃતજ્ઞતાનો આ ભાવ તમને ગ્રાઉન્ડેડ એટલે કે જમીન સાથે જોડી રાખે છે અને વિનમ્ર બનાવે છે. એનાથી અહંકાર અને ગર્વ ઓછા થાય છે, જેના પરિણામે તમે સફળતાના નશામાં હોવા છતાં રિયલિટી ચેક સાથે જોડાયેલા રહો છો. જો તમે પહેલેથી જ વાસ્તવિકતા અને માનસિક તૈયારી સાથે જોડાયેલા હો તો જ્યારે પછડાટનો સમય આવે ત્યારે એટલો મોટો ધ્રાસકો નથી લાગતો.’
નિષ્ફળતા માટે ગ્રોથ માઇન્ડસેટ
નિષ્ફળતા પચાવવા માટે કયા પ્રકારનું માઇન્ડસેટ રાખવું જરૂરી છે એ સમજાવતાં રાહુલ શાહ કહે છે, ‘જે લીડર્સ નિષ્ફળતાને સારી રીતે હૅન્ડલ કરી જાણે છે તેમનામાં એક પાયાનો ગુણ હોય છે. તેઓ પ્રચંડ સફળતા પછી પણ હંમેશાં શીખવા માટે તત્પર રહે છે. પ્રખ્યાત અમેરિકન સાઇકોલૉજિસ્ટ અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર કેરોલ ડ્વેકના પ્રખ્યાત પુસ્તક ‘માઇન્ડસેટ’ મુજબ લીડર્સમાં બે પ્રકારનાં માઇન્ડસેટ જોવા મળે છે : ફિક્સ્ડ માઇન્ડસેટ અને ગ્રોથ માઇન્ડસેટ. ફિક્સ્ડ માઇન્ડસેટ ધરાવતી વ્યક્તિ નિષ્ફળતાને એક અપમાન કે બદનામી તરીકે જુએ છે, જ્યારે ગ્રોથ માઇન્ડસેટ ધરાવતી વ્યક્તિ એને એક ફીડબૅક (પ્રતિસાદ) તરીકે સ્વીકારે છે. જે લીડર્સ લાંબો સમય સત્તા અને પ્રભુત્વ જાળવી રાખે છે તેઓ હંમેશાં ફીડબૅક માટે ખુલ્લા હોય છે અને નિયમિત આત્મચિંતન પાછળ સમય વિતાવે છે. વાસ્તવમાં આ આત્મચિંતન અને પ્રતિસાદ સ્વીકારવાની ક્ષમતા જ સફળતાના સાચા માપદંડ છે. જે લીડર્સ એ સિદ્ધાંતમાં માને છે કે સફળતા પહેલાંની વિનમ્રતા તમને સતત શીખતા રાખે છે અને સફળતા મળ્યા પછીની વિનમ્રતા તમને જમીન સાથે જોડી રાખે છે તેઓ હાર કે જીત મળે એ પહેલાં જ પોતાની અંદર એક મજબૂત આંતરિક શક્તિ ઊભી કરી લેતા હોય છે. એક કહેવત છે કે ‘નેતૃત્વની સાચી કસોટી વિજયમાં નહીં, પરાજયમાં થતી હોય છે.’
આટલું સમજાય તો વાત બની જાય
સફળતા અને નિષ્ફળતાને લઈને બન્ને એક્સપર્ટનું માનવું છે કે ‘જ્યારે જીવનમાં મોટી નિષ્ફળતા મળે ત્યારે સૌથી પહેલાં પોતાની લાગણીઓને દબાવવાને બદલે એને સ્વીકારવી જરૂરી છે. હાર પછી તરત જ પોતાને સાબિત કરવાની ઉતાવળ કરવાને બદલે થોડો સમય આત્મચિંતન માટે આપવો જોઈએ. પોતાની ઓળખને માત્ર હોદ્દા, સફળતા કે લોકોની પ્રશંસા સાથે ન જોડતાં વ્યક્તિ તરીકે પોતાની અંદરની કિંમત સમજવી જરૂરી છે. સાથે જ વિશ્વાસુ લોકો સાથે વાતચીત, નિયમિત રૂટીન અને નવી વસ્તુઓ શીખવાની માનસિકતા વ્યક્તિને ફરી સ્થિર બનવામાં મદદ કરે છે. જીવનમાં સફળતા અને નિષ્ફળતા બન્ને અસ્થાયી છે એ સ્વીકાર જ માનસિક પરિપક્વતાની સાચી શરૂઆત છે. આપણે સામાન્ય રીતે નિષ્ફળતા સાથે કેવી રીતે ડીલ કરવું એ વિશે વધુ વાત કરીએ છીએ, પરંતુ સફળતાને કેવી રીતે હૅન્ડલ કરવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. સતત મળતી સફળતા વ્યક્તિમાં આત્મવિશ્વાસની સાથે-સાથે એક અદૃશ્ય અહંકાર પણ જન્માવી શકે છે. એવામાં સફળતા વચ્ચે પણ આત્મચિંતન, વિનમ્રતા અને રિયલિટી ચેક જાળવી રાખવો ખૂબ જરૂરી બની જાય છે. જે વ્યક્તિ સફળતાને પોતાની કાયમી ઓળખ નહીં પણ જીવનના એક તબક્કા તરીકે જોવાનું શીખે છે તે નિષ્ફળતા આવે ત્યારે સંપૂર્ણ રીતે તૂટી પડતી નથી. એટલે જ જીવનમાં માત્ર જીતવાની નહીં, જીતને પચાવવાની કળા પણ એટલી જ જરૂરી છે.’