આજનાં છોકરા-છોકરીઓને કેમ કોઈ પસંદ નથી આવતું?

03 June, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્વગુણસંપન્ન તમે નથી તો સામેના પાત્રમાં બધું જ તમારી ધારણા મુજબનું હોય એવી અપેક્ષા કેમ રાખી શકાય? આ જ પ્રકારની ઓવર-એક્સ્પેક્ટેશનને કારણે લગ્નનો સમય નીકળી જાય છે

૧૯૧૫માં શરૂ થયેલા લોહાણા જ્ઞાતિના પહેલવહેલા સાપ્તાહિક ‘લોહાણા હિતેચ્છુ’ના વર્તમાન માલિક તુષાર ગણાત્રા પ્રિન્ટિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

આજની પેઢીની પરિવાર-વ્યવસ્થા પ્રત્યેની ઉદાસીનતા મને દુખી કરી રહી છે. આજે એક બહુ જ મોટો વર્ગ એવો છે જે લગ્ન ન કરવાનું નક્કી કરીને બેઠો છે. તમે તેમને જઈને પૂછો તો કહેશે, ‘અંકલ, કોણે કહ્યું લગ્ન કમ્પલ્સરી છે?’ યસ, લગ્ન કમ્પલ્સરી નથી, પરંતુ લગ્ન ન કરવાનાં મજબૂત કારણો તો હોવાં જોઈએને. આજે સમાજ દ્વારા એક વ્યવસ્થા ઊભી થઈ હતી તો એની પાછળ કંઈક કારણ હતું. પરિવાર-વ્યવસ્થા જીવનના દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી હતી. આજે પરિવાર બનાવવા કોઈ ઇચ્છતું નથી અને જેમનો પરિવાર છે તેમને પરિવાર સાથે જામતું નથી. પહેલાં તો લગ્ન જ નથી કરવાં અને ધારો કે કોઈને લગ્ન કરવાં હોય તો પાત્રની પસંદગીમાં જન્મારો કાઢી નાખે છે. હું એવાં-એવાં યુવકો અને યુવતીઓને ઓળખું છું જેમણે ૧૦૦-૧૦૦ પાત્રો જોઈ લીધાં હોય, પણ એ પછીયે કોઈ પસંદ ન આવ્યું હોય. આવું કેવી રીતે બને? તમને દરેકમાં કંઈક ખામી દેખાતી હોય તો કેવી રીતે તમે આગળ વધશો. સર્વગુણસંપન્ન તમે નથી તો સામેના પાત્રમાં બધું જ તમારી ધારણા મુજબનું હોય એવી અપેક્ષા કેમ રાખી શકાય? આ જ પ્રકારની ઓવર-એક્સ્પેક્ટેશનને કારણે લગ્નનો સમય નીકળી જાય છે અને છેલ્લે ઇચ્છા ન હોવા છતાં તેઓ સિંગલ રહી જાય છે.

આવો જ એક બીજો પ્રશ્ન છે કે આજનાં સંતાનોને પેરન્ટ્સ કંઈ કહી જ શકતા નથી. હું એવા પરિવારોને ઓળખું છું જ્યાં લગ્ન પછી દીકરો જ તેની મમ્મીને કહી દે કે તારે મારી વાઇફને કંઈ કહેવાનું નહીં. લગ્ન પછી ફૅમિલી સાથે રહેવું નથી. સાથે રહેતા હોય તો મમ્મી-પપ્પા સાથે વાત કરવી નથી. તેઓ જો વાત કરે તો એ ઇન્ટરફિયરન્સ લાગે છે. એમાં જો મમ્મી-પપ્પાની કોઈ વાત ન ગમે તો છૂટા પડી જવું છે. કપલના આપસમાં અણબનાવો વધતા જાય છે. એક ફૅમિલીમાં ઘરની વહુ ઑફિસ જાય ત્યારે પોતાની રૂમને લૉક કરીને જાય છે અને રહે છે ક્યાં તો સાસુ-સસરાના ઘરમાં. આ બધું જ બહુ અચંબિત કરનારું છે અને જ્યારે આપણે એના મૂળમાં જઈએ ત્યારે સમજાય છે કે આ જનરેશને પોતાની કંપની મોબાઇલમાં શોધી લીધી છે અને હ્યુમન ઇમોશન્સ તેમના માટે ગૌણ થતાં જાય છે. કમ્પૅનિયનશિપની કે કંપનીની જરૂર જ નથી તેમને. બધું જ તેમને સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીમાં મળી જાય છે. સામાજિક દૃષ્ટિએ આ બહુ જ મોટો પડકાર છે જે આવનારા સમયમાં વધુ ઘેરો બનશે. લાગણી માનવ-અસ્તિત્વના મૂળમાં છે. મશીન, મોબાઇલ કે સો‌શ્યલ મીડિયા તમને સમય પસાર કરવામાં મદદ કરશે પણ લાગણીઓનું ઊંડાણ નહીં આપી શકે અને એટલે જ આજની પેઢીને આ સમજાવવું જરૂરી છે કે સંબંધોની વાવણીનો સમય નીકળી જાય એ પહેલાં ચેતી જાઓ.

columnists exclusive gujarati mid day