દેખાડાનો ખર્ચ કરવા કરતાં ભવિષ્ય માટે રોકાણ કરવાનું શીખવું જોઈએ

10 March, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અણધાર્યા અને અનલિમિટેડ ખર્ચની સામે આવક ઓછી હોવાથી ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી હોવી બહુ જરૂરી છે

કલ્યાણમાં રહેતા પ્રશાંત શાહનો કૉર્પોરેટ ગિફ્ટિંગનો બિઝનેસ છે અને સાથે તેઓ થૅલેસેમિયા પ્રત્યે જાગરૂકતા ફેલાવનારી ઝુંબેશ સાથે જોડાયેલા છે.

ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલ અને ડિજિટલ યુગમાં યુવાનોની ખર્ચ કરવાની પદ્ધતિમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે યુટ્યુબના વ્લૉગ્સ, ઇન્ફ્લુઅન્સર કલ્ચરની અસર હેઠળ યુવાનો અજાણતાં જ એક એવા ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે જ્યાં જરૂરિયાત કરતાં દેખાવ વધુ મહત્ત્વનો બની ગયો છે.

બ્રૅન્ડેડ કપડાં, લેટેસ્ટ ગૅજેટ્સ અને લક્ઝરી ટ્રાવેલના ફોટો જોઈને યુવાનોમાં ફિયર ઑફ મિસિંગ આઉટ એટલે કે બધા કરતાં પાછળ રહી જવાનો ડર પેદા થઈ રહ્યો છે, પરિણામે ઇમ્પલ્સ બાઇંગ એટલે કે વિચાર્યા વગર ખરીદી કરવાનું પ્રમાણ બહુ વધ્યું છે. માત્ર સોશ્યલ મીડિયા પર સારા દેખાવા માટે કે ટ્રેન્ડમાં રહેવા માટે યુવાનો પોતાની બચત કે આવકનો વિચાર કર્યા વગર મોંઘી રેસ્ટોરાં અને ફૅશન પાછળ આંધળો ખર્ચ કરી રહ્યા છે.

સમયની માગ છે કે યુવાનો માત્ર ખર્ચ કરવાને બદલે સંપત્તિસર્જન પર ધ્યાન આપે. અણધાર્યા અને અનલિમિટેડ ખર્ચની સામે આવક ઓછી હોવાથી ફાઇનૅન્શિયલ સિક્યૉરિટી હોવી બહુ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફન્ડ, સ્ટૉક માર્કેટ કે પ્રૉપર્ટીમાં નાનું પણ નિયમિત રોકાણ ભવિષ્યમાં આર્થિક સ્થિરતા આપે છે. આકસ્મિક બીમારી કે દુર્ઘટના સમયે પરિવાર પર આર્થિક બોજ ન પડે એ માટે યોગ્ય હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સ હોવું ખૂબ જરૂરી છે. અચાનક આવી પડતી મુશ્કેલીઓ માટે હંમેશાં થોડી બચત અલગ રાખવી જોઈએ. આ બાબતો પર યુવા પેઢીએ વિચારવાની બહુ જરૂર છે.

આજનો યુવાન માત્ર પોતાના માટે જ નહીં, સમાજ માટે પણ કંઈક કરે એ અપેક્ષિત છે. શિક્ષણ, પર્યાવરણ કે ગરીબકલ્યાણ જેવાં કાર્યોમાં યોગદાન આપવાથી માત્ર આત્મસંતોષ નથી મળતો, સમાજમાં એક અલગ પ્રતિષ્ઠા પણ મળે છે. આજના ગ્રાહકો પણ એવી જ વ્યક્તિ કે વ્યવસાય પર ભરોસો કરે છે જે સામાજિક જવાબદારી નિભાવતા હોય. આનાથી નેટવર્કિંગ વધે છે અને ભવિષ્યમાં વ્યવસાયિક તકો પણ ઊભી થાય છે.

સોશ્યલ મીડિયાની માયાવી દુનિયામાં કલાકો બગાડવાને બદલે વાંચનની ટેવ કેળવવી જોઈએ. મહાનુભાવોનાં જીવનચરિત્રો, નાણાકીય સાક્ષરતાનાં પુસ્તકો અને ગંભીર સામયિકો વાંચવાથી નિર્ણય લેવાની ક્ષમતા અને વૈચારિક પરિપક્વતા આવે છે. પુસ્તકો આપણને ટૂંકા ગાળાના ટ્રેન્ડ્સથી ઉપર ઊઠીને લાંબા ગાળાનાં લક્ષ્યો જોતાં શીખવે છે.

columnists exclusive gujarati mid day