04 August, 2026 07:59 PM IST | Mumbai | Heena Patel
સાઇબર સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા
એક જમાનો હતો જ્યારે વસ્તુ ખરીદતી વખતે લોકો કિંમત અને ટકાઉપણું જોતા હતા, પણ આજના યુવાનો માટે સૌથી વધુ એસ્થેટિક્સ મૅટર કરે છે. કોઈ પણ વસ્તુ માત્ર કેટલી ઉપયોગી છે એ પૂરતું નથી, એ જોવામાં કેટલી સુંદર, ક્લાસી અને આકર્ષક લાગે છે એ સૌથી વધુ મહત્ત્વનું બની ગયું છે. એસ્થેટિક હોવામાં કોઈ ખરાબી નથી, પણ જો એ વસ્તુ તમને માનસિક પ્રેશર આપતી હોય તો એ ચિંતાની બાબત છે
યંગસ્ટર્સ માટે એસ્થેટિક્સ શબ્દ નવો નથી, પણ તમારે એ સમજવું હોય તો આ રીતે સમજી શકો. રસ્તા પર મળતી સેવપૂરી કે લારીની ભેળનો સ્વાદ અદ્ભુત હોય છે અને પેટ પણ ભરાઈ જાય છે, પણ જેન-ઝી કોઈ ફૅન્સી રેસ્ટોરાંમાં જશે જ્યાં ભેળ કે પાપડી પૂરીને અલગ-અલગ કાચનાં વાસણોમાં કલાત્મક રીતે પીરસવામાં આવતી હોય જેથી ફોટો પાડીને સ્ટોરી મૂકવાની મજા આવી જાય. એક સમય હતો જ્યારે પ્રવાસનો મુખ્ય હેતુ નવી જગ્યાઓ શોધવી, કુદરતને નજીકથી અનુભવવી કે સાહસ કરવું માનવામાં આવતું; પરંતુ હવે ઘણા યુવાનો માટે પ્રવાસની પસંદગીમાં જગ્યા કેટલી સુંદર દેખાય છે, ત્યાંથી મળતો વિઝ્યુઅલ અનુભવ કે સોશ્યલ મીડિયા પર શૅર કરી શકાય એવી પળો પણ મહત્ત્વની બની ગઈ છે. પહાડો વચ્ચેનો ઇન્ફિનિટી પુલ, સુંદર દૃશ્ય સાથેનો નાસ્તો કે ફોટોજેનિક લોકેશન પણ વેકેશનના અનુભવનો એક ભાગ બની ગયાં છે. ફિટનેસની દુનિયામાં પણ આવો જ બદલાવ જોવા મળે છે. કસરત માટે સામાન્ય જિમ પૂરતું હોવા છતાં હવે ઘણા લોકો એવી ફિટનેસ-સ્પેસ પસંદ કરે છે જ્યાં સુંદર ઇન્ટીરિયર, સારી લાઇટિંગ અને પ્રીમિયમ વાતાવરણ હોય. વર્કઆઉટની સાથે જિમનો અનુભવ અને એને સોશ્યલ મીડિયા પર રજૂ કરવાની રીત પણ આ કલ્ચરનો ભાગ બની ગયાં છે. પુસ્તકો વાંચવાની ટેવમાં પણ એસ્થેટિક્સનો એક નવો રંગ ઉમેરાયો છે. પુસ્તક વાંચવા માટે લાઇબ્રેરી કે ઘરનો શાંત ખૂણો પૂરતો હોય છે. છતાં હવે સુંદર બુકસ્ટોર, બુક-કૅફે, કૉફીનો કપ અને ક્લાસિક વાતાવરણ વાંચનના અનુભવને વધુ આકર્ષક બનાવે છે. એવામાં સવાલ એ થાય છે કે આખરે આ એસ્થેટિક્સ પાછળનું આકર્ષણ માત્ર સુંદર દેખાવાની ઇચ્છા છે કે એની પાછળ કોઈ ઊંડી માનસિક પ્રક્રિયા પણ કામ કરે છે? શા માટે આજની પેઢી માટે કોઈ વસ્તુનો અનુભવ એના દેખાવની સાથે એટલો જ જોડાઈ ગયો છે? શું આ ટ્રેન્ડ યુવાનો પર પર્ફેક્ટ દેખાવાનું દબાણ પણ ઊભું કરે છે? આ તમામ પાસાંઓને સમજવા માટે સાઇબર સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા પાસેથી જાણીએ કે એસ્થેટિક્સ પાછળની માનસિકતા કેવી રીતે કામ કરે છે.
એસ્થેટિક્સનો આ ક્રેઝ માત્ર ફૅશન કે સોશ્યલ મીડિયાનો ટ્રેન્ડ નથી. એની પાછળ કેટલીક ઊંડી માનસિક જરૂરિયાતો કામ કરતી હોય છે. સોશ્યલ મીડિયા આ આગમાં ઘી હોમવાનું કામ કરે છે, પરંતુ આ આખી માનસિકતાનાં મૂળ કારણો આપણા મનમાં જ રહેલાં છે. આપણે જ્યારે ૧૭-૧૮ વર્ષના હતા ત્યારે પોતાની ઓળખ શોધવાની પ્રક્રિયા કેટલી અંગત હતી. આપણે કેવા દેખાઈએ છીએ, આપણને શું ગમે છે કે આપણે કેવી વ્યક્તિ છીએ એ સમજવાની સફર અરીસા સામે, ડાયરીનાં પાનાં પર કે થોડા ખાસ મિત્રો વચ્ચે પૂરી થતી હતી. એ સમય દરમ્યાન ભૂલો કરવાની પણ મોકળાશ હતી, કારણ કે દરેક પ્રયોગ આખી દુનિયાની નજર સામે થતો નહોતો. આજની યંગ જનરેશન માટે આ પ્રક્રિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે પોતાની ઓળખ કોઈ પ્રાઇવેટ રૂમમાં નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર શોધવામાં આવે છે. શું પહેરવું, ક્યાં જવું, શું ખરીદવું કે શું પોસ્ટ કરવું આ બધું લાઇક્સ, વ્યુઝ અને કમેન્ટ્સના તરત મળતા પ્રતિસાદથી પ્રભાવિત થવા લાગ્યું છે. પરિણામે પોતાની જાતને હંમેશાં પર્ફેક્ટ દેખાડવાનું એક અદૃશ્ય દબાણ ઊભું થાય છે. આપણામાં પોતાની સરખામણી બીજા સાથે કરવાની વૃત્તિ સ્વાભાવિક છે, પરંતુ સોશ્યલ મીડિયાનાં ઍલ્ગરિધમ્સ આ વૃત્તિને સતત વધુ તીવ્ર બનાવે છે. સ્ક્રીન પર વારંવાર એવી જિંદગીઓ દેખાય છે જે ફિલ્ટર કરેલી, કાળજીપૂર્વક ગોઠવેલી અને માત્ર શ્રેષ્ઠ પળો દર્શાવતી હોય છે. ધીમે-ધીમે યુવાનોને એવું લાગવા લાગે છે કે આ જ સામાન્ય જીવન છે. જ્યારે પોતાની વાસ્તવિક, સામાન્ય અને ક્યારેક અવ્યવસ્થિત જિંદગી તેની સામે ઊભી રહે છે ત્યારે અંદરથી અસંતોષ અને પોતાની જાતને બદલવાનું દબાણ જન્મે છે.
એસ્થેટિક્સનો આ વધતો ક્રેઝ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરી રહ્યો છે. આજના યુવાનો પોતાની સરખામણી કોઈ મિત્રની વાસ્તવિક જિંદગી સાથે નથી કરતા પરંતુ સોશ્યલ મીડિયા પર દેખાતી તેની કાળજીપૂર્વક ગોઠવેલી અને ફિલ્ટર કરેલી રીલ સાથે કરે છે. સામેની વ્યક્તિની શ્રેષ્ઠ પળો અને પોતાની રોજિંદી જિંદગી વચ્ચે થતી આ સતત સરખામણી ચિંતા, અસંતોષ અને પોતાની જાત પ્રત્યેની અપૂર્ણતાની લાગણી વધારી શકે છે. ધીમે-ધીમે આ સરખામણી પર્ફોર્મેટિવ પર્ફેક્શનિઝમમાં બદલાઈ જાય છે. એટલે કે પોતાને ગમે એટલા માટે નહીં, દુનિયાને ગમે એટલા માટે જીવવાની માનસિકતા વિકસે છે. આ સ્થિતિમાં વ્યક્તિનો આત્મવિશ્વાસ પોતાના અનુભવ અને સંતોષ પર નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર મળતા પ્રતિસાદ પર ટકેલો રહે છે. પરિણામે કોઈ પોસ્ટને ધાર્યો પ્રતિસાદ ન મળે કે બીજા લોકોની પર્ફેક્ટ જિંદગી જોઈને પોતાનું જીવન ઓછું લાગવા માંડે તો નિરાશા અને આત્મશંકા ઝડપથી વધે છે. લાંબા ગાળે આ સ્થિતિ વ્યક્તિની ઓળખ પર પણ અસર કરે છે. જ્યારે પોતાની સાચી પસંદ, વિચારો અને વ્યક્તિત્વ કરતાં ઑનલાઇન ઇમેજ વધુ મહત્ત્વની બની જાય ત્યારે ધીમે-ધીમે વ્યક્તિ પોતાની અસલી ઓળખથી દૂર થવા લાગે છે. બહારથી બધું પર્ફેક્ટ દેખાતું હોવા છતાં અંદરથી ખાલીપો, અસલામતી અને હું ખરેખર કોણ છું? જેવા પ્રશ્નો વધુ તીવ્ર બનવા લાગે છે.
૧. અનપોસ્ટેડ લિવિંગનો અનુભવ કરો
જીવનની દરેક સુંદર પળને કૅમેરામાં કેદ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કરવાની જરૂર નથી. કેટલીક ક્ષણો માત્ર પોતાના માટે પણ જીવો. સુંદર સૂર્યાસ્ત હોય કે મનપસંદ વાનગી, દરેક વખતે ફોટો કે પોસ્ટ વિશે વિચારવાને બદલે એ પળને દિલથી માણો. દરેક ખુશી માટે જ્યારે ઑનલાઇન પ્રશંસાની જરૂર ન રહે ત્યારે પોતાની જાત પ્રત્યેનો વિશ્વાસ પણ વધુ મજબૂત બને છે.
૨. એસ્થેટિક્સને પસંદગી રાખો, ઓળખ નહીં
કોઈ ખાસ એસ્થેટિક ટ્રેન્ડ ગમવો એમાં કંઈ ખોટું નથી, પરંતુ એ જ તમારી આખી ઓળખ બની જાય એ યોગ્ય નથી. જેમ મનપસંદ સંગીત તમારી પસંદગી હોઈ શકે, તમારી સંપૂર્ણ ઓળખ નહીં. એવી જ રીતે કોઈ એસ્થેટિક પણ તમારી સ્ટાઇલનો એક ભાગ હોઈ શકે, તમારી કિંમતનો માપદંડ નહીં.
૩. સોશ્યલ મીડિયા બહાર પણ પોતાની કિંમત શોધો
જીવનમાં એવા અનુભવો અને સંબંધો બનાવો જે લાઇક્સ કે કમેન્ટ્સ પર આધારિત ન હોય. નવી સ્કિલ શીખો, કોઈ શોખને સમય આપો, પરિવાર અને મિત્રોને સમય આપો અથવા એવું કંઈ કરો જેને કારણે તમને પોતાની જાત પર ગર્વ થાય. જ્યારે સંતોષ અને આત્મવિશ્વાસનો આધાર વાસ્તવિક જીવનના અનુભવો બનશે ત્યારે સોશ્યલ મીડિયામાં મળતી પ્રશંસા પર નિર્ભરતા આપોઆપ ઘટવા લાગશે.
૧. મૂડ સોશ્યલ મીડિયા પર નિર્ભર થઈ જવો
જો તમારી પોસ્ટને ઓછા લાઇક્સ કે વ્યુઝ મળે અથવા તમારી જિંદગી સોશ્યલ મીડિયા પર દેખાતા કોઈ એસ્થેટિક ટ્રેન્ડ જેવી ન લાગે અને એના કારણે તમારો આખો મૂડ ખરાબ થઈ જાય તો આ પહેલો ચિંતાજનક સંકેત છે.
૨. એસ્થેટિક્સ પસંદગી નહીં, નિયમ બની જવો
કોઈ વસ્તુ તમારી ગોઠવેલી થીમ પ્રમાણે ન હોય તો બેચેની કે ચિંતા થવા લાગે તો એ માત્ર પસંદગી નહીં, ઘેલછા બની ગઈ છે.
૩. એસ્થેટિક્સ માટે વધુ પડતી કિંમત ચૂકવવી
જો સુંદર દેખાવાની કે પર્ફેક્ટ ફીડ બનાવવાની હોડમાં તમે જરૂર કરતાં વધારે પૈસા, સમય અને ઊર્જા ખર્ચવા લાગો અથવા મનની શાંતિ અને ધીરજ ગુમાવવા લાગો તો એ સ્પષ્ટ વૉર્નિંગ સાઇન છે. કોઈ પણ ટ્રેન્ડ એટલો મોંઘો ન પડવો જોઈએ કે એના બદલામાં તમારી શાંતિ જતી રહે.
૪. પોતાની સાચી ઓળખથી દૂર થવું
તમે જ્યારે કોઈ કપડાં, જગ્યા, શોખ કે અનુભવ માત્ર એટલા માટે પસંદ
કરો છો કે એ ફોટોમાં કે સોશ્યલ મીડિયા પર સારો દેખાશે, નહીં કે તમને ખરેખર ગમે છે ત્યારે આ ચિંતાનો વિષય છે.
દેખાવ જ્યારે તમારા સાચા અનુભવ કરતાં વધારે મહત્ત્વનો બની જાય ત્યારે ધીમે-ધીમે તમે તમારી અસલી ઓળખથી દૂર થવા લાગો છો.