શું પ્રેમનું પ્રમાણપત્ર લગ્ન જ છે?

18 August, 2026 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાયેન્ગલ લવ-સ્ટોરી ધરાવતી વેબ-સિરીઝ મુસાફિર કૅફે આપણને સહુને એક સવાલ પૂછે છે સાચો પ્રેમ હોય તો શું લગ્ન જરૂરી છે અને લગ્ન ન હોય તો જવાબદારી જરૂરી નથી?

યોગેશ શાહ

સિર્ફ અહસાસ હૈ યે રુહ સે મહેસૂસ કરો સચ્ચા પ્યાર હમારે લિએ સહી હો યે કિસને કહા? 
જેની કથાની અને ગીતો આજકાલ બહુ ચર્ચામાં છે એ વેબ-સિરીઝ ‘મુસાફિર કૅફે’માં આ સવાલ સુધા નામની યુવતી ચંદરને કરે છે, પરંતુ જવાબ કદાચ આજના દરેક સંબંધે પોતાને આપવાનો છે. સિરીઝના કેટલાક સંવાદો એવા છે જે દ્વારા લેખક સ્પષ્ટ રીતે બતાવવા માગે છે કે પ્રેમની મંજિલ લગ્ન હોય એ જરૂરી નથી. 
ખાસ કરીને સુધાના સંવાદો આ વિચારને સચોટ રીતે વ્યક્ત કરે છે. ‘મને જેમ તારામાં સાચો પ્રેમ મળ્યો એમ તને પણ મળી શકે છે, પરંતુ સાચો પ્રેમ હંમેશાં આપણા માટે યોગ્ય જ હોય એવું કોણે કહ્યું?’ કદાચ આખી સિરીઝનો આ જ કેન્દ્રીય વિચાર છે. અહીં સુધા પ્રેમનો ઇનકાર કરતી નથી. તે માત્ર એટલું જ કહે છે કે પ્રેમ હોવો અને સાથે જીવન જીવવું એ બન્ને એક જ વાત નથી. સિરીઝના દરેક એપિસોડ વિચારપ્રેરક હતા. પહેલાં વિચાર્યું હતું કે સિરીઝ પૂરી થાય પછી લેખકનો દૃષ્ટિકોણ સમજ્યા પછી લખીશ, પણ દિગ્દર્શકે અંતને અધ્યાહાર રાખ્યો. એમાં ઇમોશનલ કૉન્ફ્લિક્ટ ઊભો કર્યો જેથી બીજી સીઝન માટે ઉત્સુકતા રહે. જોકે નવી સીઝન જેટલી લાંબી રાહ જોવી નહોતી તેથી દિવ્ય પ્રકાશ દુબેની ‘મુસાફિર કૅફે’ નવલકથા જેના પરથી આ સિરિયલ બની છે એ જ વાંચવા લઈ લીધી. મૂળ નવલકથા અને સિરીઝની પટકથામાં સ્વાભાવિક જ ફરક છે, પણ લેખકનો મૂળ સંદેશ જળવાઈ રહ્યો છે. 
લેખક તમને વિચારવા મજબૂર કરે છે કે પ્રેમનું પરિણામ લગ્ન જ કેમ હોવું જોઈએ? લગ્ન વગર પ્રેમ ન રહી શકે? લગ્ન સંબંધને નામ આપે છે. પ્રેમ સંબંધને અર્થ આપે છે. પ્રેમ અને લગ્ન હંમેશાં એક જ રસ્તે ચાલે એવું નથી. ક્યારેક પ્રેમ સાથ આપે છે, ક્યારેક સ્મૃતિ બનીને રહી જાય છે; પરંતુ બન્ને સ્થિતિમાં એ માણસને થોડો બદલે તો છે જ. કેટલીક વ્યક્તિઓ આપણા જીવનમાં હંમેશાં રહેવા માટે નહીં પરંતુ આપણને બદલવા માટે જ જાણે આવતી હોય છે. 
સુધાનું પાત્ર વારંવાર આ વિચાર વ્યક્ત કરે છે. ‘મને પ્રેમ સામે વાંધો નથી, પણ લગ્ન મારા માટે અનિવાર્ય નથી. અત્યારે લગ્ન મારા જીવનની યોજનાનો ભાગ નથી.’ સુધાની પ્રાયોરિટી કારકિર્દી અને માતાની જવાબદારી છે. પ્રેમ માટે, અરે હનીમૂન માટે પણ લગ્ન કરવાં જરૂરી નથી. સુધાના આવા નિર્બંધ વિચારોને વેદિકા પિન્ટોએ એવા જ અલ્લડ અભિનયથી જીવંત કર્યા છે. તિતલી જેવા ઊડતા અભિનયથી તકિયાનૂસી ખયાલોને તહસનહસ કરી નાખ્યા છે. આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ કે સાચો પ્રેમ મળે એટલે આગળની મંજિલ લગ્ન જ હોવી જોઈએ, પરંતુ શું પ્રેમ અને લગ્ન ખરેખર એક જ વસ્તુ છે? શું જીવનમાં કોઈને સાચો પ્રેમ કરવો અને એની સાથે આખું જીવન વિતાવવું એ બન્ને બાબત અનિવાર્ય રીતે જોડાયેલી છે?
પ્રેમ લાગણી છે, સાથે જીવવું એ નિર્ણય છે. પ્રેમ આપણા હાથમાં નથી, સાથે જીવવું કે ન જીવવું એનો નિર્ણય આપણા હાથમાં છે. દરેક નિર્ણય સાથે જવાબદારી પણ આવે છે. અહીં પ્રીતિ (મહિમા મકવાણા)ના સંવાદો મર્મસ્પર્શી છે. ચંદરના સ્વપ્ન જેવી મુસાફિર કૅફેને અને ચંદરના મનને પણ સંભાળતી પ્રીતિના વિચારો પણ સુધાથી સાવ જુદા નથી. એ સુધાનો અવકાશ પૂરી રહી છે, પણ સુધાનું સ્થાન લેવા ઇચ્છતી નથી. એથી જ તે કહે છે, ‘મારા માટે અત્યારે જે છે એ પૂરતું છે, આપણા પર કોઈના હોવાની અસર એટલી જ છે જેટલી એના ન હોવાની.’ વળી એક વાર તો પરંપરાને પડકારતાં કહે છે, ‘એવું ક્યાં લખ્યું છે કે આપણે બે વ્યક્તિને અલગ-અલગ લાઇફ સ્ટેજીસમાં પ્રેમ ન કરી શકીએ?’ પરિપક્વ છે તેનો પ્રેમ. પ્રેમ આપણને કોઈના જીવનમાં પ્રવેશવાનો અધિકાર આપે છે, પણ તેના જીવનનો નિર્ણય લેવાનો અધિકાર નથી આપતો (મૂળ નવલકથામાં આ પાત્રનું નામ પમ્મી છે). 
સુધા માટે લગ્ન ન કરવાનો નિર્ણય પ્રેમનો ઇનકાર નથી. તે પોતાની પરિસ્થિતિ અને પોતાની પસંદગીને જાળવી રાખે છે. બીજી તરફ પ્રીતિ પણ પ્રેમને જ મહત્ત્વ આપે છે, લગ્નને પ્રેમનું પ્રમાણપત્ર માનતી નથી. જાણે પેલા ગીતની જેમ કહેતી હોય ‘સિર્ફ અહસાસ હૈ યે, રુહ સે મહસૂસ કરો; પ્યાર કો પ્યાર હી રહને દો, કોઈ નામ ન દો. હમને દેખી હૈ...’
ચંદરની ડાયરીમાં તેની ડ્રીમ કૅફેનું ચિત્ર દોરેલું હતું. રમત-રમતમાં સુધાએ એને ‘મુસાફિર કૅફે’ નામ આપી દીધું. વર્ષો પછી મસૂરીમાં ચંદરનું સ્વપ્ન સાકાર થાય છે. તેની કૅફેમાં અવનવા મુસાફરો આવે છે. વાર્તા કહેનારા આવે છે તો ભૂતકાળનાં જૂનાં પાત્રો નવી વાર્તા બનીને પણ આવે છે. અજાણ્યાઓ પણ આવે છે અને જીવનનો વૈભવ આપીને જાય છે. કદાચ આ જ છે મુસાફરીનો સુંદર પડાવ. પ્રેમને મંજિલ બનાવવાને બદલે એને એવી મુસાફરી બનાવવી જેમાં સપનાં અને જવાબદારી બન્ને સાથે ચાલે.

બાય ધ વે

તમને ખબર છે કે ધર્મવીર ભારતીના અતિચર્ચિત પુસ્તક ‘ગુનાહોં કે દેવતા’નાં મુખ્ય પાત્રોનાં નામ પણ સુધા અને ચંદર હતાં? ‘મુસાફિર કૅફે’ લેખક માટે ઘણી રાતો સુધી ટુકડે-ટુકડે જોયેલું સપનું છે. તારાઓથી ભરેલા આકાશમાં મનથી એક આકૃતિ બનાવી લઈએ છીએ તેમ જ એ ટુકડામાંથી તેમણે એક ચહેરો ઊભો કર્યો છે, પણ આપણે તારાઓ વચ્ચેની ખાલી જગ્યા આપણી રીતે ભરીએ છીએ. તેથી દરેક જણનું આસમાન જુદું હોય છે. કોઈ બે જણને એકસરખું આસમાન દેખાતું નથી તો કોઈ બે જણની મુસાફરી એકસરખી કેવી રીતે હોય?

web series love tips relationships columnists exclusive