અમુક માહિતીઓ જીવનમાં ગમે એટલી બોરિ‍ંગ લાગે, કામની હોય છે

24 August, 2026 04:59 PM IST  |  Mumbai | Jigisha Jain

ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે જરૂર પડે એટલી જ માહિતી ભેગી કરવી. વધારાનું કશું જોવું-જાણવું તેમને ગમતું નથી. જોકે ક્યારેક જીવનમાં ફક્ત ‘ખબર હોવું’ પણ ખૂબ જ કામનું પુરવાર થાય છે. જોકે એ માહિતી ક્યાંથી મળી રહી છે એ સોર્સ ચકાસી લેવો પણ એટલો જ જરૂરી છે

જિગીષા જૈન

હું છેલ્લાં ૧૪ વર્ષથી હેલ્થના જુદા-જુદા વિષયો પર લેખો લખું છું. આટલાં વર્ષોમાં લગભગ ૪૦૦૦ લેખ લખી ચૂકી છું. ૧૮ વર્ષની ઉંમરે મેં વિચારેલું કે મારે પત્રકાર બનવું છે કારણ કે મારે સમાજને કશુંક આપવું હતું, લોકો માટે કામ કરવું હતું. અઢળક પ્રૉબ્લેમ્સ વચ્ચે મને જે તકો મળતી ગઈ એમાં હેલ્થ પર લખવું મને મારા ઉદ્દેશની નજીક લાગ્યું અને એટલે બીજા પ્રકારના વિષયો સાથે આજે પણ ‘હેલ્થ બીટ’ મેં છોડી નથી. એકનું એક પ્રકારનું કામ કંટાળો પણ આપે, પરંતુ પછી વચ્ચે બે-ચાર બીજા વિષયો પર કામ કરીને મેલ કરવત મોચીના મોચી જેવું કરી લઈએ. 
પત્રકાર બનવાનું ઘેલું હોય એની પાછળનો ઉદ્દેશ લૉજિકલ હતો, પરંતુ મારા મનમાં આ બીજ તો નાનપણથી જ વવાયાં હતાં. હું જ્યાં જન્મી અને મોટી થઈ એ રાજકોટ શહેરમાં એક સમયે ૧૬ છાપાં હતાં જે પાછળથી ૬૦ જેટલાં વધ્યાં હતાં. એક શહેર અને આટલાં અધધધ છાપાંઓ! બીજાં શહેરોથી અલગ રાજકોટમાં સવાર અને સાંજનાં એમ બે ટાંકનાં છાપાં મળતાં. એક સમયે મારા ઘરે ઍવરેજ પાંચ છાપાં આવતાં. ઘરના દરેક સભ્યને છાપું વાંચવાની ટેવ, એ પણ દિવસના બે ટાઇમ. મારાં ૪ ચોપડી ભણેલાં બા પણ છાપું વાંચે અને એ પણ ધર્મગ્રંથની જેમ એક-એક લીટી વાંચી જાય. છાપામાં લખ્યું છે એ ભગવાનના મોઢેથી બોલાયેલું હોય એટલું બધું તેમને સત્ય લાગતું. છાપામાં સૂચવેલા દરેક ઘરગથ્થુ ઉપચાર તેમણે અપનાવેલા છે. આપણે કહીએ કે આ કામ કરશે? તો કહેશે અરે, છાપામાં આવ્યું હોય તો સાચું જ હોયને! મીડિયા પર અને પત્રકારો પર વિશ્વાસનું આનાથી વધુ કોઈ મોટું ઉદાહરણ મારે જોવાની જરૂર નહોતી. એનો પ્રભાવ હું સમજતી હતી અને છાપામાં કામ કરતા લોકો પ્રત્યેનું માન હું બાળપણથી જ અનુભવી શકતી હતી. આજે જ્યારે હું કામ કરું છું ત્યારે મારી બા જેવો ભાવ બધા લોકોમાં જોવા મળતો નથી, પણ એ ભાવ અમે પત્રકારો ફરી ઊભો કરી શકીએ છીએ એ વિશ્વાસે હું કામ કરું છું. 
પહેલું સુખ તે જાતે નર્યા એમ કહેવાય. હેલ્થ-ફીચર્સ લખતાં-લખતાં ઘણી વાર હું વિચારું તો લાગે કે એ સુખને સૌ પામી શકે એના મૂળભૂત પ્રયત્નો એ જ અમારું કામ. હેલ્થ ફીચર-રાઇટર તરીકે અમે જે કંઈ પણ લખીએ એમાં છેલ્લે એ લખવું અત્યંત આવશ્યક હોય છે કે ગફલતમાં ન રહો, ડૉક્ટરની મુલાકાત લો કારણ કે અમારું કામ જાગૃતિ ફેલાવવાનું છે. કોઈ રોગનાં લક્ષણો શું હોઈ શકે, એની ગંભીરતા શું હોઈ શકે, એ માટે કેવા ઇલાજ આપણી પાસે ઉપલબ્ધ છે એ અમે કહી શકીએ પણ રોગના નિદાનનું કામ અમારું નથી. અમે ડૉક્ટર નથી પણ સામાન્ય વ્યક્તિ અને ડૉક્ટર વચ્ચેની કડી છીએ. એટલે અમે લોકોને તેમની સાદી ભાષામાં સમજાવીએ છીએ કે જે લક્ષણોને તેઓ અવગણી રહ્યાં છે એને અવગણવા જેવાં નથી અને ડૉક્ટર પાસે જવું જરૂરી છે.
જે માહિતી અમે આપીએ છીએ એ પણ ડૉક્ટરો સાથેની વાતચીત કરીને તેમના નામ અને અવતરણ સાથે જ લખીએ છીએ. મારાં સિનિયર મને કહેતાં કે સામાન્ય રીતે લોકોને હેલ્થ બાબતે ઘણાં કન્ફ્યુઝન હોય છે. બીમારી અચાનક જ આવે છે અને પછી વ્યક્તિ બેબાકળી થઈ જાય છે કે હવે કરવું શું? ઘણાને તો એ પણ નથી ખબર હોતી કે કઈ બીમારીમાં કયા પ્રકારના ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે બીમારી અને ડૉક્ટરો સાથે તેમનો પનારો પડ્યો જ નથી હોતો. ક્યારેક આ નાનકડી મદદ ઘણી જરૂરી સાબિત થાય છે. એટલે આ કામ થકી ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ જરૂર મળે. 
હાલમાં મારી સાથે જ એક ગજબ બનાવ બન્યો. હું અને મારા પતિ નાટક જોવા જતાં હતાં ત્યારે તેમને શેરીનું કૂતરું કરડી ગયું. સહજ રીતે અમે થોડાં હેબતાઈ ગયાં હતાં, પણ બે મિનિટ પછી કળ વળી એટલે મેં કહ્યું કે તાત્કાલિક હૉસ્પિટલ જવું પડશે. મારા પતિએ મને શાંત કરતાં કહ્યું કે મને કંઈ નથી થઈ રહ્યું, સીધું હૉસ્પિટલ જવાની જરૂર નથી, આપણે કાલે જઈ આવીશું. કૂતરું કરડે તો શું થાય એ બાબતે જાગૃતિ ફેલાવવાના અઢળક લેખ હું લખી ચૂકી છું. શેરીનું રખડેલ કૂતરું કરડે તો હડકવા થવાની શક્યતા છે જેમાં માણસનું અકાળ મૃત્યુ થઈ શકે છે એટલે તાત્કાલિક ઇન્જેક્શન લેવું ખૂબ જરૂરી છે. એટલે પતિની અનિચ્છાએ પણ હું તેને હૉસ્પિટલમાં લઈ ગઈ. ઇન્જેક્શન આપીને ઘરે આવ્યા ત્યારે એક વિચારે કંપારી છૂટી ગઈ કે શું થઈ ગયું હોત જો તાત્કાલિક હૉસ્પિટલ ન ગયાં હોત તો!
હડકવા કે રેબીઝ વિશે આટઆટલી જાગૃતિ પછી પણ મારા જ ઘરમાં એનો અભાવ હતો. મારા પતિ જેવા તો કેટલાય લોકો હશે જેઓ જીવનની આંટીઘૂંટીમાં એટલા વ્યસ્ત હશે કે આવી બાબતોની ખબર હોય જ એવું જરૂરી નથી. હેલ્થ-આર્ટિકલ્સ થોડા બોરિંગ હોય છે. એ વાંચીને ફક્ત માહિતી જ મળે, મજા ન આવે. જોકે આ બનાવ ટાંકવાની અહીં એટલે ઇચ્છા થઈ કે જો તમે એને બોરિંગ સમજીને ન વાંચતા હો તો હવે વાંચજો. એક વ્યક્તિ જ્યારે હડકવા વિશે ટાઇટલ જુએ તો છાપાનું પાનું ઊથલાવી દે છે કે હા ભાઈ, ખબર છે આવો કોઈ રોગ હોય, એમાં શું વાંચવાનું. જોકે જેણે વાંચ્યું છે તેને ખબર છે કે બેદરકારી નહીં થઈ શકે, તાત્કાલિક હૉસ્પિટલ જવું જ પડશે. આમ વ્યક્તિને માહિતી હોવી ખૂબ જરૂરી છે. અમે તો આંગળી ચીંધી. એ પછી એ દિશામાં જોવું અને જવું તો તમારે જ પડેને! અને એનાથી પણ વધારે ડરનો વિષય એ છે કે તમે એ આંગળી જોઈ જ નહીં તો? 
બીજી તકલીફ એ છે કે આજકાલ લોકો ઑથેન્ટિક સોર્સની વૅલ્યુ સમજતા નથી. કશું થાય તો ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયા પર પહોંચી જાય છે. હવે તો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પણ છે. ઘણી વાર એ ખૂબ કામની સાબિત થાય છે તો ઘણી વાર ખૂબ જ ખોટી વાત કરે છે જેને લીધે ભ્રમણા જન્મે છે. મને ગર્વ છે કે હું એક ઑથેન્ટિક સોર્સ- છાપામાં કામ કરું છું અને મને મારું આંગળી ચીંધવાનું પુણ્ય સતત મેળવવું ગમશે. બસ, અમારા વાચકો અમને એ મોકો આપતા રહે. 

છાપું કે સોશ્યલ મીડિયા?

હમણાં રાજ શમાનીની એક રીલ જોઈ જેમાં તેનું કહેવું હતું કે ‘હું જ્ઞાન મેળવવા માટે ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયાનો નહીં, છાપાનો ઉપયોગ કરું છું કારણ કે ઇન્ટરનેટ ઍલ્ગરિધમ પર ચાલે છે, એ તમને એ જ બતાવશે જે તમને ગમે છે. છાપું તમને એના વિશે પણ માહિતી આપશે જેના વિશે તમને કોઈ માહિતી છે જ નહીં. એટલે એ વધુ કામનું છે.’

health tips social media ai artificial intelligence columnists exclusive gujarati mid day Jigisha Jain