આ ભાવનાની નહીં પરંતુ નામનાની વાત છે

23 November, 2025 12:48 PM IST  |  Mumbai | Hiten Anandpara

કેટલીય વાતમાં દમ ન હોય છતાં એની ચર્ચા ચોમેર થયા કરે. પ્રિયંકા ચોપડાએ ફિલ્મમાં જે ડ્રેસ પહેર્યો છે એની એટલી ચર્ચા થાય કે તેનો અભિનય ભુલાઈ જાય. ભારતમાં છાશવારે ચૂંટણીનો માહોલ જામ્યા જ કરે છે. બિહાર વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

નામના કોને ન ગમે? છાપામાં ખૂણેખાંચરે પણ આપણું નામ છપાય તો વહાલું લાગવાનું. જોકે સોશ્યલ મીડિયાના વર્ચસ્વને કારણે આ રોમાંચમાં થોડી ઓટ આવી છે. હવે તો અડધી-પોણી રાતે પણ પોસ્ટ મૂકીને આપણી હયાતી પુરવાર કરી શકવા સક્ષમ છીએ. રમેશ પારેખ શોધ આદરે છે...

વાત છે ને વાત માટે એક પણ મુદ્દો નથી

એક માણસ છે, અરીસા છે ને બે આંખો નથી

હોવું ઉર્ફે શોધ પોતાના અડધિયાની, રમેશ

કોણ એવો શખ્સ છે કે જે સ્વયં અડધો નથી?

કેટલીય વાતમાં દમ ન હોય છતાં એની ચર્ચા ચોમેર થયા કરે. પ્રિયંકા ચોપડાએ ફિલ્મમાં જે ડ્રેસ પહેર્યો છે એની એટલી ચર્ચા થાય કે તેનો અભિનય ભુલાઈ જાય. ભારતમાં છાશવારે ચૂંટણીનો માહોલ જામ્યા જ કરે છે. બિહાર વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ. હવે બંગાળ, તામિલનાડુ વગેરે રાજ્યોમાં ચૂંટણીની વાતોનો માહોલ જામશે. આ બધી રમમાણ અને સત્તા માટેનું રમખાણ જોઈએ તો થાય કે એક દેશ - એક ચૂંટણીનો સિદ્ધાંત સત્વરે લાગુ થવો જોઈએ. કોઈની નાવ ડૂબે કે તરે એ જોવા-જાણવામાં બધાની શક્તિ ખર્ચાય છે. પાઈની પેદાશ નહીં ને ઘડીની ફુરસદ નહીં. આદિલ મન્સૂરી અસમંજસ વ્યક્ત કરે છે...  

જે વાત કહેવી છે શબ્દોથી જિરવાય નહીં

પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

જિરવાય નહીં એવા ઘણાય ઘાવો દેશ વેઠતો રહ્યો છે. આતંકવાદની ફૅક્ટરી તો ચાલ્યા જ કરે છે. એ ઉપરાંત નક્સલવાદને કારણે દેશને જબરદસ્ત જાનહાનિ અને ધનહાનિ થતી રહી છે. પશ્ચિમ બંગાળમાં ૧૯૬૭માં નક્સલવાદની શરૂઆત થઈ હતી. એ પછી તો ઘણાં રાજ્યોમાં એ ફેલાયો. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં એનાં મૂળ ઊંડાં ઊતર્યાં. સત્તા સામે વિદ્રોહની ભાવના સાથે શરૂ થયેલી ચળવળ ધીરે-ધીરે દેશદ્રોહમાં પલટાતી ગઈ. ૧૮ નવેમ્બરે શાતિર નક્સલી કમાન્ડર માડવી હિડમા ઠાર થયો. આ સાથે જ નક્સલી ચળવળ પર એક મોટો ઘા થયો છે. વિચારધારા ખોટી હોય તો આચારધારા ખોટી જ પડવાની. હેમેન શાહ ચિંતનલક્ષી વાત કરે છે...

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે

અંતે બહારના જ ક્લેવરની વાત છે

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર

ટીપાની વાત એ જ સમંદરની વાત છે

આ વિશ્વ કણથી લઈને કણ-કણ સુધી વિસ્તર્યું છે. એ અસીમ છે, અમાપ છે. સ્વીકારવાની સાથે એને સમજવાનું પણ છે. ઋષિઓ, વૈજ્ઞાનિકો, ચિંતકો પોતપોતાના દૃષ્ટિકોણથી વૈકુંઠનું વિસ્મય સમજવાનો પ્રયાસ કરતા રહે છે. જે ઊંડા ઊતરે છે તેમને સંસારનાં રાગદ્વેષ, માન-અપમાન વગેરે ક્ષુલ્લક લાગવા માંડે છે. હિમાંશુ ભટ્ટ જીવનધારાને સમજવાનો પ્રયાસ કરે છે...

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે

મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા

આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

જો ઉલ્લેખનીય ઘટનાની વાત કરવી હોય તો ગુજરાતી ફિલ્મ ‘લાલો...’ ખાસ્સી લોકપ્રિય થઈ છે. યુવા પ્રતિભાઓ પોતાનું કૌવત દેખાડે એ જરૂરી છે. નાટક અને ફિલ્મ આ બે એવાં સક્ષમ માધ્યમ છે જે માતૃભાષાના સંવર્ધનમાં ઉપયોગી નીવડી શકે. જોકે અનેક ગુજરાતી ફિલ્મોમાં કલાકારોના ખોટા ઉચ્ચાર સાંભળીને મોટા ધ્રાસ્કા પડે છે. ચોટદાર સંવાદ પણ ખોટા બોલાય તો એ કઠવાના. કોઈ પણ ક્ષેત્ર હોય, સાધન સાથે સાધના પણ અનિવાર્ય હોય છે. ખલીલ ધનતેજવી પ્રારંભ પછી પ્રગતિના પંથે જવા માટે નિર્દેશ કરે છે... 

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા

પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે

બન્ને જણને એકસરખી આંચમાં તપવું પડે

બન્ને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે

લાસ્ટ લાઇન

કલ્યાણ ઝંખું અન્યનું, એ પ્રાર્થનાની વાત છે

આગળ વધીને જો કહું, તો સાધનાની વાત છે

પાણી ભરેલાં પાત્ર બે બાજુ ખભા પર ઊંચકી

ચિંતા કરે છે ઝાડની, એ ચાહનાની વાત છે

સાચી મદદમાં નહીં, કરોડો આમ દેશે દાનમાં

આ ભાવનાની નહીં, પરંતુ નામનાની વાત છે

ચાહત હૃદયનું આંતરિક સૌંદર્ય છે, સન્માન છે

સમજાય તો પૂજા, નહીંતર વાસનાની વાત છે

મંદિર સમાણાં બાલમંદિરો જગતમાં વિસ્તરે

ભગવાન સાથોસાથ માણસ-સ્થાપનાની વાત છે

- રતિલાલ સોલંકી

ગઝલ સંગ્રહઃ પછી બેસું ગઝલ લખવા

columnists hiten anandpara gujarati inflluencer gujarati community news gujaratis of mumbai gujarati mid day