08 September, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમતા ગોરડિયા
આપણા પૂર્વજો અને આપણાં માતા-પિતા જે રીતે સાદગી, શાંતિ અને ભક્તિભાવથી તહેવારો તથા ધાર્મિક રીતિ-રિવાજો મનાવતાં હતાં એમાં આજે ઘણી દેખાદેખી અને હોડ આવી ગઈ છે. પહેલાંના જમાનામાં બધા લોકો ભેગા મળીને રાત્રે જાગતા અને તહેવારો માટેની બધી તૈયારીઓ તથા ડેકોરેશન સાથે મળીને કરતા હતા. હવે લોકો પાસે સમય નથી. જો આપણે પણ એ જ પરંપરા અને રીતને અનુસરીએ તો તહેવારો ખૂબ જ સારી રીતે અને આનંદપૂર્વક ઊજવી શકીએ. આજે સમાજમાં વ્યક્તિગત હૂંફ ઘટી રહી છે અને વર્ચ્યુઅલ વિશ્વમાં જ લોકો રચ્યાપચ્યા રહે છે ત્યારે તહેવારોના બહાને પણ થોડાક પ્રત્યક્ષ સંપર્કમાં આવીને ઉજવણીની તૈયારીઓમાં લાગે તો ખરેખર બહુ જ ઉત્કૃષ્ટ લાભ સમાજને થશે.
શ્રાવણથી શરૂ થતા આપણા તહેવારોનું વૈવિધ્ય પણ કેટલું મજાનું છે. ભગવાન શિવની આરાધના કરતાં-કરતાં રક્ષાબંધન, જન્માષ્ટમી એમ દરેકની રીત ન્યારી. હવે ગણેશ ચતુર્થી આવશે. એ પછી પિતૃઓનું સ્મરણ અને પછી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની રંગત જામશે. બહુ જ વ્યવસ્થિત રીતે તહેવારોનું ડિઝાઇનિંગ આપણા પૂર્વજોએ કર્યું હતું. જોકે આજે એનું સ્વરૂપ બહુ જ વિચિત્ર રીતે બદલાઈ રહ્યું છે. જેમ કે ગણપતિ પહેલાં જ બાપ્પાની પધરામણી કરી દેવી એ યોગ્ય લાગે છે? હજી તો જન્માષ્ટમીની ઉજવણી ન થઈ હોય ત્યાં ગણપતિદાદાને લઈ આવીએ. હકીકતમાં તહેવારની તિથિઓનું પણ કંઈક મહત્ત્વ છે એ વાત આજના ઉત્સવ-આયોજકો ભૂલતા જાય છે. ઉજવણીમાં પવિત્રતા કે દિવ્યતાનો ભાવ નથી, પણ કન્વીનિયન્સ અને ક્રાઉડને ભેગા કરવાનો ભાવ છે. તહેવારોને સાત્ત્વિક રીતે ઊજવવાની વીસરાતી રીત ભારતીય સંસ્કૃતિના જતન અને ભવિષ્યની પેઢી માટે બહુ જોખમી પુરવાર થવાનું છે. એક સામાન્ય વ્યક્તિ તરીકે કહીશ કે ઉજવણીની આ રીતમાં આપણે સભાન થવું જોઈએ. આપણે વિરોધ નોંધાવીને પરંપરાનું સાચી રીતે પાલન થાય એવા પ્રયાસો કરવા જોઈએ અને કરાવડાવવા જોઈએ.
ઉજવણી કોઈ માટે પજવણી ન બને એનું ધ્યાન પણ રાખવાનું હવે લોકો ભૂલતા જાય છે. ગણપતિદાદાના આગમનના ઘણા દિવસો પહેલાંથી જ જ્યાં-ત્યાં પંડાલ બાંધી દેવામાં આવે છે. એને કારણે સામાન્ય જનતાને શું અગવડ પડશે એની પણ કોઈ ચિંતા રહેતી નથી. વૃદ્ધ વડીલો, દરદીઓ અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે. એમ છતાં કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર લાઉડસ્પીકરનો અવાજ ખૂબ મોટો રાખવામાં આવે છે. આપણી સંસ્કૃતિએ આપણને આ રીતે તહેવારો ઊજવવાનું ક્યારેય શીખવ્યું નથી તો પછી આ બધું આવ્યું ક્યાંથી? આપણે આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. પ્રભુ પણ આપણને ઘણી રીતે સમજાવી રહ્યા છે કે આ બધું બંધ કરીને પ્રેમ અને શ્રદ્ધાથી મારું નામ લો, ભેગા મળીને શાંતિપૂર્વક તહેવારો ઊજવો અને ભક્તિનો આનંદ માણો.
હમણાં જ ભુલેશ્વરમાં ગણપતિદાદાના આગમન સમયે એક દુઃખદ ઘટના બની. આવી ઘટનાઓમાંથી આપણે કંઈક બોધ લેવાની જરૂર છે. પ્રભુનું શાંતિપૂર્વક આગમન કરાવો, ભક્તિપૂર્વક સેવા કરો. ખરેખર વિચારવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ.
હવે સમય છે ચેતી જવાનો અને આપણી પરંપરા તથા સંસ્કૃતિ તરફ પાછા વળવાનો. તહેવારો દેખાદેખીથી નહીં પરંતુ પ્રેમ, ભક્તિ, શાંતિ અને એકતાથી ઊજવીએ. નહીં તો આવનારા સમયમાં આપણે ક્યાં પહોંચી જઈશું એની કલ્પના કરવી મુશ્કેલ છે. પ્રભુ આપણને સદ્બુદ્ધિ આપે અને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.