તારા માટે ચાંદતારા લઈ આવવાનું કે’નારો પછી તો દહીં પણ લેવા જવાની ના પાડી દે

25 January, 2026 02:51 PM IST  |  Mumbai | Sairam Dave

માળું બેટું એ કેવું કહેવાય, જેટલા જોક પત્ની પર લખાણા છે એટલા જોક પતિ પર નથી લખાયા. જાગો માવડીઓ જાગો...

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

જોક્સ પુલ્લિંગ શબ્દ છે. શું એ જ કારણથી સ્ત્રીઓ કૉમેડિયન થવાનું ટાળતી હશે? જગતભરના હાસ્યસાહિત્ય પર નજર કરો તો એકાદ આંગળીને વેઢે ગણાય એટલી સ્ત્રીઓ માંડ મળે. ઘણા રસોઇયા પોતાની રસોઈ નથી જમતા. એ ન્યાયે હાસ્યનું ભરપૂર રૉ-મટીરિયલ જે પૂરું પાડે એ લોકો હાસ્યકલાકાર કે હાસ્યલેખક થવાનું ટાળતા હશે એવું માની લઈએ? સ્ત્રીને સમાજે સૌંદર્યમૂર્તિ, પ્રેમમૂર્તિ, દયા ને ત્યાગમૂર્તિ જેવાં વિશેષણોથી અલંકૃત કરી છે. તો સ્ત્રીને ‘હાસ્યમૂર્તિ’ કેમ નહીં કહી હોય?
ખરેખર તો હસતી સ્ત્રી જ શોભે છે, પછી ભલે તે કોઈની ઉપર હસતી હોય કે કોઈની સામે. સુંદરીની દંતકળીઓ અર્બુદા પર્વતની ગિરિમાળાઓની જેમ વેરવિખેર હોય તો પણ એ જ સુંદર લાગે. પછી તેના દાંતને ચાંદીનાં ચંપલ પહેરાવ્યાં હોય તો પણ સરસ તો એ જ લાગે.
કાશ, હાસ્યલેખનમાં મારા પૂર્વજ જ્યોતીન્દ્રભાઈ દવેની જગ્યાએ કોઈ જયવંતીબહેન દવે હોત! ધનસુખલાલના ઠેકાણે કોઈ ધનકુંવરબહેન હોત! વિનોદ ભટ્ટ કે રતિલાલકાકાના સ્થાને કોઈ વિજુબહેન કે રામુકાકી હાસ્યલેખક હોત તો? તો શું આ સાંઈરામ પણ કો’ક શામજીભાઈ દવે લખતા હોત. જોકે હું પુરુષપણે એ સ્વીકારું છું કે જેટલા જોક પત્ની ઉપર બોલાયા છે એટલા પતિ ઉપર લખાયા જ નથી. જાગો સન્નારીઓ-કુંવારિકાઓ-કાકીઓ-ફઈબાઓ! ઊઠો, જાગો અને હાસ્ય-કલાકાર થાવા માટે મંડી પડો. આંકડે મધ છે અને સાવ માખ્યું વિનાનું છે. 
પત્નીઓને અવારનવાર જાડી—કાળી—ભદ્દી અને ઓછી બુદ્ધિની કહીને આ પુરુષ જાતે તમારી ઠેકડી ઉડાડી છે. હવે તમે પણ મચી પડો. ટાલિયા, ફાંદાળા, માવાવાળા મોંથી ગંધાતા, અદોદળા શરીરવાળા, પીવાવાળા કે સૂકલકડા કેટકેટલા પુરુષોના જોક્સ તમારી રાહે છે.
હે નારીઓ! તમે છેતરાઈ ગઈ છો. તમામ ક્ષેત્રમાં પચાસ ટકા અનામત છે અને આ હાસ્ય ક્ષેત્ર સાવ કોરુંધાકોડ! બાકી પુરુષોની ઢગલાબંધ બાબતો હાસ્યાસ્પદ છે. આવનારા સમયમાં કોઈ મહિલા હાસ્યકલાકારને કામ લાગે એ હેતુથી કેટલાક મુદ્દાઓ ટાંકું છું. જેન્ટ્સ વાચકો ભારે હૈયે દરગુજર કરજો. 
લગ્ન પછી જીવતેજીવ પતિ ‘દેવ’ થઈ જાય છે. જાણે ઇયળમાંથી ભમરી થઈ. કેટલાક વર લોકો પત્નીને ગુલામડી કે નોકરડી જ ગણે છે. જોકે આગળ જતાં અમુક પત્નીઓ પણ નોકરડીમાંથી ‘નો’ અલગ કરી પતિને ‘કરડી’ ખાય છે. પોતાની જાતને શહેનશાહ સમજનારા હસબંડોને સ્વયં તો ચા બનાવતા આવડતી નથી પણ ચાના કોદા કાઢતાં મસ્ત આવડે છે. વળી વરસના વચલે દિવસે પોતે ચા બનાવશે તો આપણી પાસે ત્રણ વાર તો ડબ્બા ગોતાવે છે.
સ્ત્રીઓનું સમગ્ર જીવન ડબ્બા અને ડબ્બીઓ વચ્ચે જ સમેટાતું હોય છે (અહીં એક સજીવ ડબ્બો અને અન્યને નિર્જીવ ડબ્બા ગણવા વિનંતી). સગાઈ વખતે આકાશમાંથી ચાંદતારા તોડી લાવવાનું વચન આપનારા પુરુષો લગ્ન પછી ગામમાંથી દહીં લાવવાની ચોખ્ખી ના પાડી દયે છે. સગાઈ પછી આખી રાત કલ્લાકો મીઠી-મધુર વાતો કરનારા ‘રોમૅન્ટિક જાનુ’ઓને લગ્ન પછી બપોરે પણ વાત કરવાની ફુરસદ નથી હોતી.
કેટલાક પુરુષો એવડી મોટી દાઢી રાખે છે કે ઘરમાં સાવરણીની જરૂર ન પડે. અમુકની મૂછો શેઢાળીનાં પીંછાં જેવી ઊગે છે તોય એ કલ્લાક કલ્લાક સલૂનમાં બેઠા રહે છે તો વળી બૈરાઓ પાર્લરમાં જાય એમાં ઘણાનો ગરાહ લૂંટાઈ જાય છે. અમુક પુરુષોની બન્ને આઇબ્રો એકતાના સૂત્રને અનુસરીને કપાળમાં ભેગી થઈ ગઈ છે. અસલ પૌરાણિક સિરિયલમાં આવતા દૈત્યો જેવી જ લાગતી હોય છે. પોતાની પત્નીને ગાઉન ઉપર ચૂંદડી ઓઢવાનો આગ્રહ રાખનાર નરબંકાઓ પાછા જીન્સ અને ટૉપમાં ભમતી બાજુવાળી બબિતાને ધારી-ધારીને જુવે છે.
ભૂલવું એ પતિઓનો પ્રાકૃતિક ગુણ છે. તેને દર વર્ષે પત્નીનો બર્થ-ડે યાદ કરાવવો પડે પણ પોતાની સાથે ભણતી સહાધ્યાયીનો જન્મદિન વરસોથી સ્મરણમાં હોય. ઘણી વાર ઍનિવર્સરી ભૂલી જાય તો ઘણી વાર યાદ હોય તો ગિફ્ટ લાવવાનું ભૂલી જાય. પોતાના સાળા પાસેથી લીધેલા રૂપિયા આપવાનું ભૂલી જાય. નાહ્યા પછી સ્નાનની નિશાની રૂપે ભીનો ટુવાલ પલંગ પર ભૂલી જાય ને પારકી સ્ત્રીઓનાં વખાણ કરતી વખતે અમુક પતિદેવો સાનભાન પણ ભૂલી જાય. સુંદર સ્ત્રીઓ સાથે પ્રસંગોપાત્ત વાત કરતી વખતે ફાંદને અંદર દબાવીને શ્વાસ લેવાનું પણ ભૂલી જાય. ‘રસોઈ સિવાય તમે ઘરમાં બીજું કરો છો શું?’ આવું મહેણું મારતી વખતે તે સપ્તપદીનાં વચનો પણ ભૂલી જાય છે. કેટલાક પુરુષોને પોતાનાં મોજાં અને ગંજી ખુદના કપબર્ડમાંથી મળતાં નથી ને વળી તે રૂઆબભેર સ્કૂલમાં ભૂગોળ ભણાવે છે. કેટલાકને સરખી કાર ચલાવતાં આવડતી નથી ને તે પત્રકાર થઈને છાપાં ચલાવે છે. અમુક પોતે માનસિક દરદી છે અને ડૉક્ટર થઈને ક્લિનિક હંકારે છે. ઘણાના છોકરા તેનું સહેજેય માનતા નથી એ પાછા પોલીસખાતામાં આખા ગામ પર રોફ જમાવે છે. અમુકને તો ઘરના પૂરા મત મળે એમ નથી એ નેતા થઈને ફરે છે. કેટલાકને ખરેખર પતિ થાતાં નથી આવડતું એ ‘ઉદ્યોગપતિ’ બની ગયા છે. જે પોતે કુંવારા છે એવા ઘણાય મૅરેજ બ્યુરો ચલાવે છે. ઘણા તો વાઇફથી ડરના કારણે ‘બિલ્ડર’ થઈ ગયા છે. અમુકની કથા તો કહેવા જેવી જ નથી. એ પાછા ગામમાં વારતાયું કરી રહ્યા છે. આ પતિદેવો ખરેખર બહુ ફની છે. સમારંભોમાં શોભાસ્પદ છે પણ જો સ્ત્રીની નજરે જોવામાં આવે તો જબરા હાસ્યાસ્પદ છે. જોકે બધા પતિદેવો આવા નથી. 
જે કન્યાઓને ફૂલકાજળીના જાગરણમાં ઝોલું આવી ગયું, જેણે મોળાકાત કે જયાપાર્વતીમાં છાનુંમુનું મીઠું ખાઈ લીધું તેને જ ઉપર લખ્યા એવા સ્વામીનાથ મળ્યા છે. અમુક બહેનોને તો લગ્ન પછી મનોમન થાય છે કે વ્રતમાં દેદો કૂટ્યો એના કરતાં આ નંગને કૂટી નાખ્યો હોત તો સારું! 
થૅન્ક ગૉડ! સ્ત્રીઓ જો હાસ્યક્ષેત્રમાં આવશે તો પુરુષોની તો ટાંય ટાંય ફિસ્સ થઈ જશે હોં! માત્ર ભઈલાઓ માટે લખેલો આ લેખ જેને લાગુ પડે તેને સાદર અર્પણ. કોઈ પુરુષોએ ખોટું ન લગાડવું, સાચું લગાડવું.

columnists gujarati mid day exclusive gujarati community news gujaratis of mumbai