કોઈ પણ મહિલાએ પોતાના કાનૂની હકથી વંચિત રહેવું જોઈએ નહીં

24 August, 2026 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓએ મિલકત અને વારસાગત હકો અંગે કાયદાકીય જાગૃતિ રાખવી જરૂરી છે. દીકરીને પિતાની વારસાગત મિલકતમાં દીકરા સમાન હક છે, જ્યારે વસિયત અને નૉમિનેશન ભવિષ્યના વિવાદોથી બચવામાં મદદરૂપ થાય છે.

ઍડ્વોકેટ નેહા ઠક્કર

 વર્તમાન સમયમાં મહિલાઓની કાનૂની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જરૂરી છે. સમાજમાં કાયદાકીય જાગૃતિ લાવવા અને જટિલ સમસ્યાઓના ઉકેલ માટે મહિલાઓને કાયદાના ફાયદાઓ સમજાવતી વર્કશૉપનું આયોજન કરવું અનિવાર્ય છે. ખાસ કરીને વાત જ્યારે મિલકતની હોય ત્યારે મહિલાઓએ સવિશેષ જાગૃત રહેવું જોઈએ, કારણ કે કાયદાની અપૂરતી જાણકારીને લીધે ઘણી વાર મહિલાઓએ પોતાનો હક ગુમાવવો પડે છે. કાયદાકીય દૃષ્ટિએ મિલકત મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એમાં જમીન, મકાન કે દુકાન જેવી સ્થાવર મિલકત અને રોકડ રકમ, સોનું-ઝવેરાત કે વાહનો જેવી જંગમ મિલકતનો સમાવેશ થાય છે. મહિલાઓ પાસે રહેલી આ પ્રકારની પોતાની કમાણીથી ખરીદેલી કે વારસાગત મિલકતો માટે વારસદારી નક્કી કરવી જરૂરી છે. હિન્દુ ઉત્તરાધિકાર (સુધારા) કાયદા મુજબ હવે દીકરીઓને પણ પિતાની વારસાગત મિલકતમાં દીકરા સમાન જ જન્મસિદ્ધ હક મળેલો છે એટલે કોઈ પણ મહિલાએ પોતાના આ કાનૂની હકથી વંચિત રહેવું જોઈએ નહીં. આ ઉપરાંત પોતાની મિલકત કે બૅન્ક-ખાતા અને લૉકરમાં હંમેશાં નૉમિનેશન એટલે કે વારસદારનું નામ અચૂક નોંધાવવું જોઈએ જેથી ભવિષ્યમાં પરિવારને મુશ્કેલી ન નડે. ઘણી વાર મિલકત પર પોતાનો કાનૂની હક મેળવવા માટે પ્રોબેટ એટલે કે વસિયત સાચી હોવાનું કોર્ટનું પ્રમાણપત્ર લેવું પડે છે. વસિયત એક એવો કાયદાકીય દસ્તાવેજ છે જેના દ્વારા ૧૮ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) પોતાની મિલકત પોતાના મૃત્યુ પછી કોને મળશે એ જીવતેજીવ નક્કી કરી શકે છે અથવા ગિફ્ટ-ડીડ દસ્તાવેજ બનાવી શકે છે.
આજના જમાનામાં મિલકતના વારસદારો વચ્ચે જટિલ સમસ્યાઓ ઊભી થતી અમે દરરોજ જોઈએ છીએ. એને કારણે અદાલતોમાં પ્રૉપર્ટીને લગતા કેસોનો મોટો ભરાવો થાય છે અને કૌટુંબિક વિવાદો સતત વધતા જાય છે. ખાસ કરીને મહિલાઓને પોતાના કાયદાકીય હકો મેળવવા માટે લાંબી કાનૂની લડત લડવી પડે છે અને કાયદાની ઓછી સમજ હોવાને કારણે તેમને હકથી વંચિત રાખવાના પ્રયાસો થતા અદાલતોમાં જોવા મળે છે. સમસ્યા છે તો એનું સાચું અને સરળ સમાધાન પણ છે. કોઈ પણ મહિલાએ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વસિયત કે ભેટ દસ્તાવેજ બનાવતાં પહેલાં કાનૂની નિષ્ણાતની સલાહ મેળવીને જ આગળ વધવું જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની અડચણ કે છેતરપિંડી ન થાય. ‘સમસ્યા આપની, સમાધાન કાનૂન દ્વારા’ એ સૂત્ર સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા કાયદાની સાચી સમજ, સરળ કાનૂની જ્ઞાન અને સૂચનોનું માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક મહિલા પોતાના હકો પૂરી નીડરતાથી મેળવી શકે એવા પ્રયાસો કરવા એ આપણી સામાજિક ફરજ છે. 

columnists human rights property tax exclusive gujarati mid day