23 February, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવનિ સુતરિયા મૉર્ગન સ્ટૅન્લી જેવી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કમાં ડિરેક્ટરપદે છે
IT-ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને કોઈ ગ્લોબલ MNCમાં કામ કરતા હોઈએ ત્યારે વર્ક-લાઇફ બૅલૅન્સ જેવો શબ્દ સાંભળવામાં સારો લાગે છે, પણ હકીકતમાં એ ક્યારેય પર્ફેક્ટ નથી હોતો. મારા માટે તો આ બે અલગ-અલગ દુનિયા વચ્ચેની એક સતત ખેંચતાણ છે. મારો દિવસ ઘરની ઘડિયાળ પ્રમાણે નહી પણ ઇન્ટરનૅશનલ ટાઇમ-ઝોન મુજબ સેટ થાય છે. મોડી રાતે આવતા પિંગ્સ અને છેલ્લી ઘડીએ બદલાતી ડેડલાઇન્સને તમારી પર્સનલ લાઇફ સાથે કોઈ લેવાદેવા નથી હોતી.
જ્યારે હું મારા રૂટીનને પ્રૅક્ટિકલી જોઉં છું ત્યારે સમજાય છે કે હું માત્ર એક એમ્પ્લૉઈ નથી. હું એક મમ્મી છું, પત્ની છું, દીકરી અને વહુ પણ છું. આ બધી ભૂમિકાઓ પ્રેમ અને અપેક્ષાઓથી ભરેલી છે, જે કોઈ કૅલેન્ડર કે ટુ-ડૂ લિસ્ટમાં ક્યારેય ફિટ નથી થતી.
મેં એક વાત સ્વીકારી લીધી છે કે બૅલૅન્સનો અર્થ એ નથી કે રોજ બધી વસ્તુને સરખો સમય આપવો. અમુક અઠવાડિયાં કામ એવું હોય જેમ કે પ્રોજેક્ટ રિલીઝ, સર્વર ઇશ્યુ કે અર્જન્ટ ક્લાયન્ટ મીટિંગ્સ. તમારે ત્યાં વધુ સમય આપવો જ પડે. તો વળી ક્યારેક ફૅમિલીને તમારી જરૂર હોય, દીકરીની એક્ઝામ હોય, પેરન્ટ્સની હેલ્થ હોય કે કોઈ ખાસ પ્રસંગ; મેં રોજની ફિફ્ટી-ફિફ્ટી વહેંચણી કરવાને બદલે એક એવી રિધમ સેટ કરી છે જે મને બર્નઆઉટથી બચાવે છે.
ગ્લોબલ ટીમમાં કામ કરતી વખતે તમારી સીમાઓ સ્પષ્ટ હોવી જોઈએ. શરૂઆતમાં મને ગિલ્ટ ફીલ થતું, પણ પછી સમજાયું કે જો તમે ક્વૉલિટી કામ આપતા હો તો લોકો તમારી સ્પષ્ટતાને રિસ્પેક્ટ કરે છે. સમયસર વાત કરી લેવાથી ખોટા પ્રેશર અને ગેરસમજથી બચી શકાય છે.
જેમ ઑફિસમાં કામ સોંપીએ છીએ એમ ઘરે પણ જવાબદારી વહેંચવી એટલી જ જરૂરી છે. પહેલાં મને લાગતું કે જો હું મદદ માગું તો હું એક કૅરિંગ સ્ત્રી નથી, પણ હવે હું સમજું છું કે જવાબદારી શૅર કરવાથી જ લાઇફ બૅલૅન્સ થાય છે. મારા હસબન્ડ દીકરીને ભણવામાં હેલ્પ કરે છે અને અમે એકબીજાના શેડ્યુલને સપોર્ટ કરીએ છીએ. જ્યારે તે કહે છે, ઇટ્સ ઓકે, તું નહીં પહોંચે તો હું સંભાળી લઈશ ત્યારે ખરેખર રાહત થાય છે.
આ બધી દોડધામમાં એક કૉર્પોરેટ ઇમ્પીએ પોતાની જાતને સાચવવી બહુ જરૂરી છે. સંગીતના ક્લાસ હોય, કઝિન્સ સાથે લંચ કે ફ્રેન્ડ્સ સાથે મૂવી એ બધું જ લાઇફમાં જરૂરી હોય છે. દરેક રોલમાં નંબર વન આવવાની જરૂર નથી. પોતાની જાતને ખુશ રાખવી વધુ ઇમ્પોર્ટન્ટ છે.