10 May, 2026 01:42 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
ચિંતાથી ચતુરાઈ ઘટે,
ઘટે રૂપ, ગુણ, જ્ઞાન;
ચિંતા બડી અભાગણી,
ચિંતા ચિતા સમાન
આમ તો આ ૪ ચરણ એટલાં બધાં સહેલાં છે કે માધ્યમિક શાળાનો વિદ્યાર્થી પણ કદાચ આનું અર્થઘટન સારી રીતે કરી શકે. જોકે આવું સરળ અર્થઘટન આપણે આપણા સહજ જીવનમાં ઊતરાવી શકીએ છીએ ખરા? ચિંતા એટલે શું એની આપણને ખબર છે. સામાન્ય રીતે કોઈકનું કશુંક અમંગળ વિચારવા માંડીએ ત્યારે ચિંતાનો જન્મ થાય છે. દુર્ભાગ્યે ચિંતા સાથે જોડાયેલું એનું અનુસ્વાર સૌથી ભયાનક છે. હજારો અને લાખો શબ્દોની પ્રત્યેક ભાષામાં એવો એક પણ માણસ નહીં હોય જેને આ અવડાક અમથા મીંડાનો ભય ન લાગતો હોય. કોઈક નજીવી વાતમાં કંઈક પ્રશ્ન પેદા થાય, આમ થાય ને તેમ થાય કે તરત જ પેલું મીંડુ કોણ જાણે ક્યાંથી વચ્ચે આવીને અસવાર થઈ જાય છે.
ચિતા માનવજીવનની સૌથી ડરામણી વિભાવના ગણાય છે. ગમે એવો માણસ પણ ચિતા શબ્દ સાથે ભાઈબંધી રાખવાનું પસંદ કરતો નથી. ઊલટું ચાલ્યા જતા માર્ગે પણ કોઈક શબયાત્રા નજરે પડે તો તેનું મોં લેવાઈ જાય. આનું કોઈ કારણ નથી. પ્રત્યેક જન્મજાત માટે આ દૃશ્ય સહજ અને સામાન્ય છે. કોઈ માણસ એવો નહીં હોય જેણે આવી શબયાત્રા જોઈ ન હોય કે શબયાત્રાની વિધિ જોઈ કે કરાવી ન હોય. આથી ઊલટું કેટલાક માણસો શબયાત્રા માટે તો એવા નિષ્ઠુર અને અનુભવી થઈ ગયા હોય છે કે પ્રત્યેક અંતિમ સંસ્કાર વખતે નનામી બાંધવા જેવું કામ તેમને સોંપી દેવામાં આવે છે. સોંપણીનું આ કામ કરતી વખતે મોટે-મોટેથી બોલતા હોય છે, ‘કાકા, તમે આ લ્યો, તમને વધુ ફાવશે.’ આ આવડત કે આ ફાવટ ગુણવર્ધક છે કે કેમ એ કોણ નક્કી કરશે?
આ દોસ્તીને દૂર કેમ કરવી?
ચિંતા અને ચિતા આ બન્ને શબ્દો આમ જુગલજોડી છે, એકમેકથી જુદા ન પાડી શકાય એવા. સવારે સાત વાગ્યે નિશાળે જતો છોકરો અગિયાર વાગ્યે પાછો ફરે છે અને તેની માતા પોણાઅગિયાર વાગ્યાથી ઘરની બારીએથી ડોકાઈને રસ્તા પર જોયા કરે છે. શાળાની બસ જેવા રંગની બીજી કોઈ ગાડી નાકા પરથી વળાંક લે છે ત્યાં તેની માતાનો રંગ બદલાઈ જાય છે. તે રાજી થઈ જાય છે, ‘બચુડો આવી ગયો, બચુડો આવી ગયો’. જોકે પછી ત્રીજી જ મિનિટે ટ્રાફિકમાંથી નીકળેલી બસ બીજા વળાંકે ચાલી જાય છે ત્યારે એ જ માતાના ચહેરાનો રંગ બદલાઈ જાય છે. અચાનક તેના ચહેરા પર ચિંતા વ્યાપી જાય છે. કોઈ કારણ નથી. બસને હજી ૧૦ મિનિટની વાર છે અને માતા ચિંતાતુર થઈ જાય છે.
દીકરાનું મૅટ્રિક અથવા કૉલેજના કોઈક વર્ષનું પરિણામ આજે ટેલિગ્રામથી આવવાનું છે અને પિતાજી રાહ જોઈને બેઠા છે. પરીક્ષાનાં પેપર સારાં ગયાં છે, પણ ‘એરિથમેટિક’નું કંઈ કહેવાય નહીં. આ એરિથમેટિક પિતાની પ્રતીક્ષાના ભાવમાં પેલું મીંડું ક્યાંકથી લાવીને મૂકી દે છે. હવે ચિંતા થઈ જાય છે. તેના મનમાં એક જાતની બળતરા ચાલુ થઈ જાય છે, ‘જો આ નાપાસ થયો તો તેને કૉલેજમાં દાખલ કરવાની મને ભારે મુસીબત પડશે. બધી કૉલેજ ડોનેશન માગે છે. છોકરો બે મહિના રખડે છે અને હવે તેના બાપને ચિંતા કરાવે છે.’ હવે તેની ચિંતા ગુસ્સામાં પરિણમે છે. આ અત્યંત ઝડપી પરિવર્તનની તેમને ખબર પણ પડતી નથી. ચિંતા ચિતા બની ગઈ અને ઘડીકમાં ભડ-ભડ
સળગવા માંડી. પિતા એનાથી કેટલું દાઝ્યા એ કોણ જાણે.
ચિંતા અને ચિતા બેમાંથી હળવું કોને ગણશો?
જીવનમાં અનેક એવા વ્યવહારો છે કે એમાં શું થઈ ગયું, શું થાય છે અને શું થશે આ બધી જ લાગણીઓ પ્રત્યેક ક્ષણે આપણા પર સવાર થઈ જતી હોય છે. આપણને એની ખબર નથી પડતી, પણ એ ત્રણેય એકસાથે અંતરના ઊંડાણમાં એવી રીતે બાથમબાથ કરતી હોય છે કે તમે ક્યાં છો એ તમને જ સમજાશે નહીં.
આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ આ બન્નેના સથવારા વિના આપણને મુદ્દલ ચાલશે નહીં. અહીં વધુમાં વધુ આપણે એક જ વસ્તુ કરી શકીએ કે એની સવારી જ્યારે આપણા પર થઈ ગઈ હોય ત્યારે હાથમાં રહેલા ચાબુકને ૪ વાર વીંઝો. આ ૪ વાર વીંઝવાની વિદ્યા એ કોઈ યુનિવર્સિટીની ડિગ્રી નથી. ભગવાન તથાગત બુદ્ધને એક ભિક્ષુકે આ વિષયમાં એક પ્રશ્ન કરેલો, ‘મનમાં રહેલી આ લાગણીઓને દૂર કેમ કરવી?’ ભગવાન તથાગતે એનો ઉત્તર વાળતાં કહ્યું, ‘ધારો કે તમારી પાસે એક જાતવંત ઘોડો છે. આ ઘોડાને એ બેઠો હોય ત્યાંથી ઊભો કરવા માટે તમારે માત્ર એને બુચકારવો પડે છે. તમારો બુચકારો એ ઓળખે છે. એક પણ પ્રતિશોધ વિના એ સહજતાથી ઊભો થઈ જાય છે. હવે બીજો ઘોડો ત્યાં જ બેઠો છે. એ બુચકારાથી ઊભો થતો નથી. બુચકરાને અંતે તમે હવામાં ચાબુક વીંઝો છો. ચાબુકનો સનકારો સાંભળીને એ ફાટક દઈને ઊભો થઈ જાય છે. હવે એને યાદ આવ્યું હોય છે કે ચાબુકનો સનકારો સાંભળ્યા પછી પણ ઊભો નહોતો થયો એના પરિણામે માર ખાવો પડ્યો હતો. મારની બીકથી એ ઊભો થઈ ગયો. હવે ત્રીજા ઘોડાનો વારો આવે છે. ઉપરાઉપરી સનકારો ખાધા પછી પણ એ ઊભો ન થયો તો ન જ થયો.’ ભગવાન તથાગત બુદ્ધે આ જોઈને પેલા ભિક્ષુક પ્રશ્નકર્તાનું ધ્યાન દોર્યું, ‘ભન્તે, આ ઘોડો મુડદાલ ટટ્ટુ છે. એના અંતરમાં પરમાત્માએ પ્રાણ કે ચેતના કશું આપ્યું નથી. એને સનકારા વીંઝીને જીવંત નહીં કરી શકાય. માત્ર આપણો સમય બગડશે અને કદાચ હત્યાનું પાપ પણ લાગે.’
જેના અંતરમાં પરમાત્માએ એના સર્જન વખતે જ આ મીંડુ ઘટાડ્યું કે વધાર્યું ન હોય એના માટે પેલા કોચિંગ ક્લાસવાળા થોડો સુધારો ભલે કરી શકતા હોય, પણ આ એક પ્રકૃતિ છે. પ્રકૃતિને હંમેશાં હળવાશથી પંપાળી લેવાય, એનો પ્રતિકાર ન કરાય. ખાસ કરીને ચિંતાનો, કેમ કે ચિંતાના અંતે જે પરિણામ આવવાનું છે એ તો નિશ્ચિત થઈ જ ચૂકેલું છે. પેલી ચિંતા બાબત તો તમે કશું કરી શકવાના જ નથી. સિવાય કે એની સાથે ભૂતકાળમાં તમે કરેલો અન્યાય કદાચ તમને ડંખે.