✕

બે-ત્રણ વર્ષનાં બાળકને કંઈ પણ ન ગમે ત્યારે તે હાથ ઉપાડે છે?

27 November, 2026 03:29 PM IST  |  Mumbai | Heena Patel

નાનાં બાળકો જ્યારે ગુસ્સો, નિરાશા કે પોતાની વાત શબ્દોમાં વ્યક્ત કરી શકતાં નથી ત્યારે તેઓ મારવાનો કે બચકું ભરવાનો સહારો લે છે. આ સમયે બાળકને ખિજાવા કે સામે મારવાને બદલે શાંતિ અને સમજદારીથી કામ લેવું જરૂરી છે.

બે-ત્રણ વર્ષનાં બાળકને કંઈ પણ ન ગમે ત્યારે તે હાથ ઉપાડે છે?

નાનાં બાળકો જ્યારે ગુસ્સો, નિરાશા કે પોતાની વાત શબ્દોમાં વ્યક્ત કરી શકતાં નથી ત્યારે તેઓ મારવાનો કે બચકું ભરવાનો સહારો લે છે. આ સમયે બાળકને ખિજાવા કે સામે મારવાને બદલે શાંતિ અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ પાસેથી જાણીએ બાળકોની આ આદત પાછળની સાઇકોલૉજી અને એને સુધારવાની ૭ અસરકારક ટેક્નિક

૩ વર્ષનું બાળક પોતાના દોસ્ત સાથે રમતું હોય અને દોસ્ત તેના હાથમાંથી રમકડું લઈ લે તો તરત જ તેનો હાથ ઊઠી જાય છે. ૪ વર્ષની દીકરી થાકેલી કે ભૂખી હોય અને તેને કપડાં બદલવાનું કહેવામાં આવે ત્યારે તે ગુસ્સામાં મમ્મીને મારે છે. પેરન્ટ્સ ફોન પર વાત કરતા હોય અને તેમનું ધ્યાન બાળક તરફ ખેંચાતું ન હોય તો તે તેમના પગ પર મારવા લાગે છે. ઘણી વાર બાળકને ચમચીથી જાતે જમવું હોય, પરંતુ પેરન્ટ્સ તેને ચમચી ન આપે તો તે ગુસ્સામાં તેમનો હાથ ઝૂંટવી લે છે કે મારે છે. જમતી વખતે છેલ્લો કોળિયો ન ખાવો હોય અને પેરન્ટ્સ આગ્રહ કરે ત્યારે પણ બાળક તેમના હાથને ધક્કો મારી શકે છે. આવા વર્તન પાછળનાં કારણો દરેક વખતે એકસરખાં હોતાં નથી. પોતાની જીદ પૂરી ન થાય ત્યારે બાળક મારવા લાગે છે. ઘરમાં નવા ભાઈ કે બહેનનું આગમન થયું હોય તો તેને મળતા વધારાના ધ્યાનને કારણે બાળકમાં ઈર્ષ્યાની લાગણી જન્મી શકે છે. આવી સ્થિતિમાં પણ તે મારવાનું શરૂ કરી શકે છે. ક્યારેક ભીડભાડવાળી જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ બાળકને તેડવાનો પ્રયાસ કરે ત્યારે તે અસ્વસ્થ થઈને સામેની વ્યક્તિને મારવા કે બચકું ભરવા પણ જઈ શકે છે. બાળકનું આવું વર્તન જોઈને પેરન્ટ્સ ચિંતામાં મુકાઈ જતા હોય છે. તેમને લાગે છે કે બાળક બહુ જિદ્દી કે ગુસ્સાવાળું થઈ રહ્યું છે. જોકે દરેક વખતે આ વર્તન પાછળ જીદ કે તોફાન જવાબદાર હોતાં નથી. ઘણી વાર આ બાળકના વિકાસના તબક્કા સાથે જોડાયેલું વર્તન હોય છે. 
મારવાનું કે બચકું ભરવાનું કેમ?
બાળકના આવા વર્તન પાછળની સાઇકોલૉજી સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘બાળક જ્યારે પોતાની વાત શબ્દોમાં સમજાવી શકતું નથી ત્યારે તે હાવભાવ કે કોઈ ચોક્કસ વર્તન કરીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. જેમ કે તેને ગુસ્સો આવ્યો હોય, કોઈએ તેનું રમકડું લઈ લીધું હોય, કોઈને દૂર ખસેડવું હોય કે કોઈની મદદ જોઈતી હોય ત્યારે તે મારવા કે બચકું ભરવા જેવું વર્તન કરી શકે છે. જોકે આવા એક જ વર્તન પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. તેથી બાળકે આવું વર્તન કર્યું એની થોડી વાર પહેલાં શું બન્યું હતું એ સમજવું ખૂબ જરૂરી છે. ઘણી વાર બાળકને લાગે છે કે સંજોગો તેના હાથમાં નથી રહી ત્યારે તે મારીને પરિસ્થિતિ પર ફરી પોતાનો કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે.’
બાળકને ખિજાવું નહીં
બાળક કોઈને મારે કે બચકું ભરે ત્યારે પેરન્ટ્સને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. ઘણી વાર તેમને લાગે છે કે બાળકને ખિજાઈને, ડરાવીને કે સામે મારવાથી જ તેને સમજાશે કે આવું વર્તન ખોટું છે. જોકે બાળકને મારવાથી કે બૂમો પાડવાથી તેની આદત સુધરવાને બદલે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આ વિશે રિદ્ધિ દોશી પટેલ કહે છે, ‘બાળક શાંત હોય ત્યારે તેને ખબર હોય છે કે કોઈને મારવું નહીં, પરંતુ જ્યારે કોઈ તેનું રમકડું લઈ લે અથવા તેને ગુસ્સો આવે ત્યારે પોતાની જાતને રોકવી તેના માટે મુશ્કેલ બની શકે છે. બાળક હજી પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાનું અને પોતાની પ્રતિક્રિયાને નિયંત્રિત કરવાનું શીખી રહ્યું હોય છે. જો આ સમયે પેરન્ટ્સ ગુસ્સે થઈને બૂમો પાડે કે બાળકને સામે મારે તો તેનામાં ડર પેદા થઈ શકે છે અથવા તે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં અચકાઈ શકે છે. એટલું જ નહીં, બાળક પેરન્ટ્સને મારતા જુએ તો તેને એવું પણ લાગી શકે છે કે કોઈની વાત ન ગમે ત્યારે મારવું એ સમસ્યા ઉકેલવાનો એક રસ્તો છે. બાળકો આસપાસના લોકોનું વર્તન જોઈને ઘણું શીખે છે. તેથી પેરન્ટ્સે પોતે પણ ગુસ્સાની સ્થિતિમાં શાંતિથી વર્તવું જરૂરી છે. બાળકને વારંવાર સમજાવવાની અને યોગ્ય વર્તનની પ્રૅક્ટિસ કરાવવાની જરૂર છે.’
હાથ ઉપાડવાની આદત 
સુધારવા શું થઈ શકે? 
બાળક મારવા લાગે ત્યારે તેને તરત જ ખિજાવાને બદલે એની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે જ બાળકને પોતાની લાગણી વ્યક્ત કરવાની યોગ્ય રીતો શીખવવી પણ જરૂરી છે. આ માટે પેરન્ટ્સ નીચેની ૭ ટેક્નિક અપનાવી શકે છે, જે વિશે આપણે રિદ્ધિ દોશી પટેલ પાસેથી જાણી લઈએ. 
 હાથ પકડીને શાંતિથી સમજાવો
બાળક કોઈને મારવા જાય અથવા મારવાનું શરૂ કરે ત્યારે સૌપ્રથમ તેનો હાથ હળવેથી છતાં મક્કમતાથી પકડી લો. આ રીતે તમે તેને મારતાં અટકાવી શકશો. આ સમયે ગુસ્સો કે ચીડ ચહેરા પર દેખાડવાને બદલે શાંતિથી તેની સાથે વાત કરો. બાળકને સમજાવો કે મારવાથી સામેની વ્યક્તિને દુખે છે અને તેને વાગી પણ શકે છે. તેને ટૂંકા અને સરળ શબ્દોમાં કહો કે આપણે ગુસ્સે થઈએ ત્યારે પણ કોઈને મારવાનું નથી. આ સમયે લાંબું ભાષણ આપવાની જરૂર નથી. અવાજમાં ગુસ્સો રાખ્યા વગર અને બાળકની સામે રહીને વાત કરવાથી તેને તમારી વાત સમજવામાં મદદ મળી શકે છે. બાળકને વારંવાર આ રીતે સમજાવવાથી તેને ધીમે-ધીમે સમજાશે કે ગુસ્સો આવે ત્યારે મારવું યોગ્ય નથી.
 તેની લાગણી સ્વીકારો
બાળક ગુસ્સામાં હોય ત્યારે તેને માત્ર શું ખોટું છે એ સમજાવવાને બદલે તેની લાગણીને પણ સમજવી જરૂરી છે. આ માટે ‘આઇ અન્ડરસ્ટૅન્ડ’ એટલે કે ‘હું સમજું છું’ જેવા ગોલ્ડન વર્ડ્સનો ઉપયોગ કરો. દાખલા તરીકે બાળકનું રમકડું કોઈ લઈ લે અને તે ગુસ્સે થઈને મારવા લાગે તો તેને કહી શકાય કે ‘હું સમજું છું કે તને તારું રમકડું પાછું જોઈએ છે એટલે તને ગુસ્સો આવ્યો છે, પણ આપણે કોઈને મારી ન શકીએ.’ આ રીતે બાળકને લાગે છે કે પેરન્ટ્સ તેની લાગણી સમજી રહ્યા છે. તેની લાગણીને સ્વીકારવાનો અર્થ તેના ખોટા વર્તનને યોગ્ય ઠેરવવાનો નથી. તેને ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ ગુસ્સામાં કોઈને મારવું યોગ્ય નથી એ વાત પણ સ્પષ્ટ કરવી જોઈએ. 
 બાળક કેમ મારે છે એ સમજો
બાળક ક્યારે અને કયા સંજોગોમાં મારવાનું શરૂ કરે છે એના પર ખાસ ધ્યાન આપો. શું તે ભૂખ્યું હોય ત્યારે આવું કરે છે, પૂરતી ઊંઘ ન થઈ હોય ત્યારે ચિડાય છે, કોઈ તેનું રમકડું લઈ લે ત્યારે મારે છે કે પછી તેની વાત ન સાંભળવામાં આવે ત્યારે આવું વર્તન કરે છે? આ બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરવાથી બાળકના આવા વર્તન પાછળનું સાચું કારણ સમજવામાં મદદ મળે છે. એક વાર બાળકના ગુસ્સાનું કારણ સમજાઈ જાય પછી એ પરિસ્થિતિને પહેલેથી જ સંભાળી શકાય છે. ઉદાહરણ તરીકે બાળક બીજાં બાળકો સાથે રમવા જાય એ પહેલાં જ તેને રમકડાં વહેંચીને રમવાની અને પોતાનો વારો આવવાની રાહ જોવાની વાત સમજાવી શકાય. એવી જ રીતે જો બાળક થાકેલું હોય તો તેની પાસેથી તરત જ કોઈ કામ કરાવવાનો આગ્રહ રાખવાને બદલે તેને થોડો આરામ કરવા દો. આમ બાળકની જરૂરિયાત અને પરિસ્થિતિને સમજીને પહેલેથી જ યોગ્ય તકેદારી રાખવામાં આવે તો મારવા જેવી પ્રતિક્રિયાને ઘણા અંશે અટકાવી શકાય છે.
 ધ્યાન બીજી પ્રવૃત્તિ તરફ વાળો
બાળક ખૂબ ગુસ્સામાં હોય અને મારવા લાગે ત્યારે એ જ સમયે તેને લાંબું સમજાવવાનો પ્રયાસ કરવાથી ખાસ ફાયદો ન થાય. આવી સ્થિતિમાં પહેલાં તેનું ધ્યાન બીજી પ્રવૃત્તિ તરફ વાળવાનો પ્રયાસ કરો. જેમ કે તેને બારીમાંથી બહાર પક્ષીઓ બતાવો, તેની મનપસંદ રમકડાની ગાડી આપીને તેને રમવાનું કહો. બાળકનું ધ્યાન બીજી તરફ જાય એટલે તે ગુસ્સાની સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ મેળવી શકે છે. જોકે માત્ર ધ્યાન ભટકાવવાથી સમસ્યા પૂરી થઈ ગઈ એવું માની લેવું નહીં. બાળક શાંત થઈ જાય પછી જે પરિસ્થિતિમાં તેણે માર્યું હતું એ વિશે તેની સાથે વાત કરો. તેને સમજાવો કે આગલી વખતે આવી સ્થિતિ સર્જાય તો મારવાને બદલે તે શું કરી શકે છે. આ રીતે બાળકને માત્ર એ ક્ષણમાંથી બહાર લાવવાની સાથે યોગ્ય વિકલ્પ પણ શીખવી શકાય છે.
 ટૉયની મદદથી સમજાવો
બાળક ગુસ્સામાં હોય ત્યારે તેને સમજાવવાને બદલે તે શાંત થાય ત્યાર પછી રમતાં-રમતાં વાત સમજાવવાનો પ્રયાસ કરો. આ માટે બે ટેડી બેઅર અથવા સૉફ્ટ ટૉયની મદદ લઈ શકાય છે. બન્ને રમકડાં વચ્ચે એવી પરિસ્થિતિ ઊભી કરો જેમાં એક રમકડું બીજા પાસેથી તેનું રમકડું લઈ લે. હવે બાળકને પૂછો કે બીજા રમકડાએ શું કરવું જોઈએ? એને મારવું જોઈએ કે પછી કોઈ મોટી વ્યક્તિને મદદ માટે બોલાવવી જોઈએ? આ રીતે બાળકને રમતમાં જ સમજાવી શકાય છે કે કોઈ તેની વસ્તુ લઈ લે અથવા તેને ગુસ્સો આવે ત્યારે મારવું જરૂરી નથી. તે ‘સ્ટૉપ’ કહી શકે છે, ત્યાંથી દૂર જઈ શકે છે અથવા પેરન્ટ્સની મદદ માગી શકે છે. આવી પરિસ્થિતિનો વારંવાર અભિનય કરીને બાળકને યોગ્ય પ્રતિક્રિયાની પ્રૅક્ટિસ કરાવો. બાળકને સમજાશે કે ગુસ્સો આવે ત્યારે તેની પાસે મારવા સિવાય પણ બીજા વિકલ્પો છે.
 બાળકને ભૂલ સુધારવાનું કહો
બાળક કોઈને મારે પછી માત્ર તેની પાસે સૉરી બોલાવવાથી વાત પૂરી થતી નથી. તેને સમજાવવું પણ જરૂરી છે કે તેના વર્તનથી સામેની વ્યક્તિને દુખ થયું છે. બાળક શાંત થઈ જાય પછી તેની સાથે વાત કરો અને પૂછો કે હવે સામેની વ્યક્તિને સારું લાગે એ માટે તે શું કરી શકે છે? ઉદાહરણ તરીકે જો તેણે કોઈને માર્યું હોય અને વાગ્યું હોય તો તે પાણીનો ગ્લાસ લાવી શકે છે, ઈજા થઈ હોય તો મદદ કરી શકે છે અથવા પોતાની ભૂલ માટે માફી માગી શકે છે. બાળકની ઉંમર પ્રમાણે તેને નાનકડું એવું કામ કરવા પ્રોત્સાહિત કરો જેનાથી સામેની વ્યક્તિને સારું લાગે. જોકે આ બધું સજા તરીકે કરાવવાને બદલે તેને પોતાની ભૂલ સમજવામાં અને એને સુધારવાની તક આપવા માટે કરવું જોઈએ.
 સારું વર્તન કરે ત્યારે વખાણ કરો
બાળક મારવાને બદલે પોતાની વાત શબ્દોમાં કહેવાનો પ્રયાસ કરે, ગુસ્સો આવે ત્યારે પેરન્ટ્સની મદદ માગે અથવા પોતાની જાતને મારતાં રોકે ત્યારે તેનાં વખાણ કરો. જેમ કે ‘તેં ગુસ્સો આવ્યો હોવા છતાં માર્યું નહીં અને મને આવીને વાત કરી એ બહુ સારી વાત છે.’ એ જ રીતે જો બાળક કોઈને માર્યા પછી પોતાની ભૂલ સમજીને માફી માગે અથવા સામેની વ્યક્તિને મદદ કરે તો પણ તેની પ્રશંસા કરો. બાળકને કયું વર્તન યોગ્ય છે એ સમજાવવા માટે માત્ર ખોટા વર્તન વખતે જ પ્રતિક્રિયા આપવી પૂરતી નથી. તે જ્યારે સારું વર્તન કરે ત્યારે પણ એની નોંધ લેવી જરૂરી છે. પેરન્ટ્સ તરફથી મળતું પ્રોત્સાહન બાળકને યોગ્ય વર્તન ફરીથી કરવા માટે પ્રેરિત કરી શકે છે.

બાળક શાંત થઈ જાય પછી જે પરિસ્થિતિમાં તેણે માર્યું હતું એ વિશે તેની સાથે વાત કરો. તેને સમજાવો કે આગલી વખતે આવી સ્થિતિ સર્જાય તો મારવાને બદલે તે શું કરી શકે છે. આ રીતે બાળકને માત્ર એ ક્ષણમાંથી બહાર લાવવાની સાથે યોગ્ય વિકલ્પ પણ શીખવી શકાય છે.

columnists relationships gujarati mid day exclusive lifestyle news life and style