19 October, 2026 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેશ પટેલ
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામ, પરિવાર અને ભવિષ્યને ઘડવામાં વ્યસ્ત છે. ખાસ કરીને આજના યુવાનો અભ્યાસ, નોકરી, વ્યવસાય અને પોતાની કારકિર્દી બનાવવામાં મહેનત કરી રહ્યા છે. આ ખૂબ જ સારી વાત છે, કારણ કે યુવાનોની પ્રગતિથી જ દેશની પ્રગતિ થાય છે. જોકે આ બધાની વચ્ચે આપણે એક વાત ભૂલવી ન જોઈએ કે આપણે જે સમાજમાં જન્મ્યા છીએ, મોટા થયા છીએ અને જે સમાજ પાસેથી ઘણું મેળવ્યું છે એ સમાજ પ્રત્યે પણ આપણી કેટલીક જવાબદારીઓ છે.
આજે એક પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ કે શું આપણે આપણા સમાજ માટે પૂરતો સમય ફાળવીએ છીએ? સમાજ એટલે માત્ર કોઈ પ્રસંગમાં મળવું, ઉત્સવ ઊજવવો કે એકબીજાને શુભેચ્છા પાઠવવી એટલું જ નહીં. સમાજ એટલે એકબીજાના સુખદુઃખમાં સાથ આપવો, જરૂરિયાતના સમયે મદદ કરવી, બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું અને આવનારી પેઢી માટે સારું વાતાવરણ ઊભું કરવું.
આપણા વડીલોએ પોતાની મહેનત અને સમયથી સમાજને ઊભો કર્યો છે. અનેક સંસ્થાઓ, સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાકાર્યો પાછળ તેમની વર્ષોની મહેનત રહેલી છે. હવે આ વારસાને આગળ વધારવાની જવાબદારી આપણી યુવા પેઢીની છે.
યુવાનો પાસે નવી વિચારસરણી છે, નવી ટેક્નૉલૉજી છે અને કંઈક નવું કરવાની શક્તિ છે. જો આ શક્તિ સમાજના કામમાં જોડાય તો અનેક સારાં પરિવર્તનો લાવી શકાય. શિક્ષણ, આરોગ્ય, જરૂરિયાતમંદોની મદદ, યુવાનોને રોજગાર માટે માર્ગદર્શન અને સામાજિક એકતા જેવાં ક્ષેત્રોમાં યુવાનો ખૂબ મોટું યોગદાન આપી શકે છે.
આ માટે દરેક યુવાને પોતાનું બધું જ છોડીને સમાજ માટે કામ કરવાની જરૂર નથી. અઠવાડિયામાં થોડો સમય કોઈ એક સારી પ્રવૃત્તિમાં ભાગ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ - આવી નાની શરૂઆત પણ મોટું પરિવર્તન લાવી શકે છે.
સાથે-સાથે સમાજના વડીલોએ પણ યુવાનોને સમજવા જોઈએ, તેમના વિચારોને સાંભળવા જોઈએ અને તેમને જવાબદારીઓ સોંપવી જોઈએ. યુવાનોને તક મળશે અને તેમનામાં વિશ્વાસ મૂકવામાં આવશે તો તેઓ ચોક્કસપણે સારું પરિણામ આપશે.
છેલ્લે એટલું જ કહેવું છે કે સમાજ આપણો છે તો એની જવાબદારી પણ આપણી જ છે. આપણે વ્યક્તિગત જીવનમાં કેટલી પ્રગતિ કરી એ મહત્ત્વનું છે, પરંતુ આપણા કારણે સમાજમાં કેટલું સારું પરિવર્તન આવ્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે.
ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે યુવાનોને સમાજથી દૂર નહીં પરંતુ સમાજની સાથે રાખીશું, કારણ કે આજનો યુવાન જો સમાજ સાથે જોડાશે તો આવતી કાલનો સમાજ વધુ મજબૂત, એકતાભર્યો અને સંસ્કારી બનશે.