15 October, 2025 06:23 AM IST | Mumbai | Dr. Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા ભણવા જતા પરદેશી વિદ્યાર્થીઓના મનમાં વિચાર હોય છે કે ભણી રહ્યા બાદ તેમને અમેરિકામાં એક વર્ષ કામ કરવાની છૂટ આપવામાં આવે છે. જો તેમણે સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ કે મૅથેમૅટિક્સ આ ચારમાંથી કોઈ પણ એક વિષયમાં અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય તો તેમને વધારાનાં બીજાં બે વર્ષ કામ કરવા માટે મળી શકે છે. આ ત્રણ વર્ષમાં તેમણે ભણવા માટે યુનિવર્સિટીને જે ટ્યુશન ફી આપી હોય છે, રહેવા-ખાવાનો જે ખર્ચો કર્યો હોય છે એ પાછો મેળવી શકશે. અને એ ત્રણ વર્ષના સમય દરમિયાન તેઓ અમેરિકન કંપનીઓને તેમના લાભ માટે H-1B વીઝાની પિટિશન દાખલ કરવાની રિક્વેસ્ટ પણ કરી શકશે. જો લૉટરી સિસ્ટમમાં તેમની H-1B વીઝાની પિટિશનની અરજી ખેંચાઈ આવે તો અમેરિકામાં છ વર્ષ રહીને કામ કરવાની પરવાનગી મેળવી શકશે.
જે દિવસથી ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ધારણ કર્યું છે અને ઇમિગ્રેશનને લગતા જે એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યા છે, બર્થ સિટિઝનશિપ બંધ કરી દીધી છે, H-1B વીઝાની ફી અધધધ મોંઘી કરી નાખી છે. બીજા અનેક કાયદાઓ ઘડ્યા છે જેનાથી અમેરિકામાં જરાક પણ ગફલત થઈ જાય તો અહીં ભણતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં આવી શકે છે. ઇમિગ્રેશન ઑફિસરો ગમે ત્યારે તેમના ઘરમાં આવી શકે છે. પૂછપરછ કરી શકે છે. એ લોકો જો થોડા સમય માટે સ્વદેશ જાય અને ફરી પાછા અમેરિકામાં આવતા હોય ત્યારે ઘણી વાર તેમને બૉર્ડર પરના ઇમિગ્રેશન ઑફિસરો પ્રવેશવા નથી દેતા. ઇમિગ્રેશનની બાબતમાં હવે અમેરિકા ખૂબ કડક બની ગયું છે. વિદ્યાર્થીઓને એટલે એવા વિચારો આવે છે કે ન કરે નારાયણ અને અમેરિકાના પ્રેસિડન્ટ બનેલા ટ્રમ્પ જો ઑપ્શનલ ટ્રેઇનિંગ પિરિયડ બંધ કરી દેશે તો પછી તેમણે અમેરિકામાં ભણવાનો જે ખર્ચો કર્યો છે એ તેઓ પાછો કેવી રીતે મેળવી શકશે? પરદેશથી આવતા વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે. આવા વિદ્યાર્થીઓની અમેરિકાને ખૂબ જ જરૂર છે. અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પરદેશી વિદ્યાર્થીઓ માટે જે કંઈ પણ વિચારો હોય પણ તેમનો આ ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ (OPT) પિરિયડ બંધ નહીં કરે.
તો ભારતીય વિદ્યાર્થીઓ જેઓ મુખ્યત્વે આ સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમૅટિક્સના વિષયોમાં જ અમેરિકામાં માસ્ટર્સનો કોર્સ કરવા જાય છે તેમણે ચિંતા કરવા જેવું નથી. બાકી તો અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ક્યારે શું કરશે એ કંઈ કહેવાય નહીં.