વિન્ટરની વિહ્વળતા: વિચારો તો ખરા, સરહદ પર રહેતા જવાનોની અત્યારે કેવી હાલત હશે?

20 January, 2022 09:16 AM IST  |  Mumbai | Manoj Joshi

કાશ્મીર અને લદ્દાખની તો વાત જ કરવાની રહેતી નથી, કારણ કે અત્યારે ત્યાં માઇનસ વીસ અને પચીસ ડિગ્રી તાપમાન વચ્ચે આપણા જવાનો ફરજ બજાવી રહ્યા છે અને એ ફરજબજવણીમાં ક્યાંય કોઈ જાતની ચૂક ન રહે એની દરકાર પણ સતત કરવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા સમયથી મુંબઈમાં જેને પણ મળો એના મોઢે ઠંડીની વાત આવે જ આવે. ૧૪ અને ૧૫ ડિગ્રી ટેમ્પરેચરને પણ આપણે સહન નથી કરી શકતા ત્યારે કેવી રીતે ગુજરાતમાં અત્યારે આઠ અને નવ ડિગ્રી સહન થઈ શકતી હશે? અહીંથી, આ વાતથી બીજા પ્રશ્નનો જન્મ થાય છે. જરા વિચાર તો કરો, શું થતું હશે તેમનું જેઓ અત્યારે રાજસ્થાનમાં બેસીને બે અને ચાર ડિગ્રી સહન કરતા હશે? અહીંથી જન્મતા પ્રશ્ન સાથે જ આપણે આગળ વધવાનું છે.
જરા વિચાર તો કરો કે દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનોની અત્યારે કેવી હાલત થતી હશે? જો તમને ખબર ન હોય તો ભારતની એક પણ સરહદ અત્યારે એવી નથી જ્યાં એક ડિગ્રીથી વધારે તાપમાન હોય. હા, એક પણ સરહદ એવી નથી. એ ચાહે ગુજરાતની સરહદ હોય કે પછી ચાહે એ રાજસ્થાન અને પંજાબની સરહદ હોય. કાશ્મીર અને લદ્દાખની તો વાત જ કરવાની રહેતી નથી, કારણ કે અત્યારે ત્યાં માઇનસ વીસ અને પચીસ ડિગ્રી તાપમાન વચ્ચે આપણા જવાનો ફરજ બજાવી રહ્યા છે અને એ ફરજબજવણીમાં ક્યાંય કોઈ જાતની ચૂક ન રહે એની દરકાર પણ સતત કરવામાં આવી રહી છે.
હૅટ્સ ઑફ જવાન.
આપણા જવાનો જ્યારે આવા કપરા સંજોગોમાં પણ દેશની સરહદ સાચવીને બેઠા છે, એની રક્ષા કરી રહ્યા છે ત્યારે આપણે એટલું તો કરી શકીએ કે એ જવાનોના ફૅમિલી મેમ્બરોને મળીને એ લોકો સાથે એક દિવસ ગાળીએ. એ ફૅમિલી મેમ્બરોને પણ આ જ ઠંડી લાગતી હશે જે તમને અને મને લાગે છે, પણ એમ છતાં એ ઠંડીની વિકરાળતા વધારે ભયાનક હશે; કારણ કે એમને ખબર છે કે તેમના પરિવારનો સભ્ય અત્યારે હાડકાં ગાળી નાખે એવી ઠંડીમાં પણ ડ્યુટી કરે છે. હમણાં જ મકર સંક્રાન્તિ ગઈ. તમને કોઈને એવો વિચાર આવ્યો નહીં કે ચાલો, આ એક તહેવાર આપણે એ પરિવારની સાથે ઊજવીએ જેણે પોતાના પરિવારના સદસ્યને દેશની સેવા માટે સરહદ પર મોકલી આપ્યો છે. મનમાં થયું નહીં કે ચાલો, એક દિવસ તેમની સાથે રહીને આપણે દેશવાસી હોવાની ફરજ બજાવીએ અને એ જવાનને પણ સાંત્વન આપીએ કે તેની ગેરહાજરીમાં તેની ફૅમિલીને ખુશ રાખવાનું, એને આનંદ આપવાનું અને એની સાથે તહેવારોને સાચા અર્થમાં તહેવાર બનાવવાનું કામ અમે દેશવાસીઓ કરીએ છીએ.
દેશના વડા પ્રધાન કે પછી સેલિબ્રિટી આ કામ કરે જ છે અને સરહદ પર જઈને જવાનોની સાથે તહેવારોની પળો ગાળે છે જેથી તેમને પણ થાય કે તેમનું કોઈ છે. આપણે એવું કરવાની જરૂર નથી. આપણે સરળતા સાથે અને સહજતા સાથે અહીં રહેતા તેમના ફૅમિલી મેમ્બરો પાસે જવાનું છે. એવું રખે માનતા કે આપણે ત્યાં એવા પરિવારો નથી. છે, સેંકડો પરિવારો મુંબઈ અને મુંબઈની આસપાસ રહે છે જેમણે પોતાના દીકરા, પતિ, પિતા કે ભાઈને સરહદ પર હોંશે-હોંશે મોકલ્યા છે અને તેઓ આ હાડગાળ ઠંડીમાં ત્યાં ફરજ નિભાવે છે. એવું પણ ન માનતા કે તેમના ઘરમાં સહજ રીતે તહેવાર ઊજવાય છે. ના, નથી ઊજવાતા. જે રીતે તમને તમારું સ્વજન તહેવારમાં સૌથી પહેલાં યાદ આવે છે એવું જ તેમનું છે. એક વખત હવે જ્યારે પણ ઠંડી લાગે ત્યારે આપણા જવાનોને યાદ કરી તેમના પરિવારને મળવા જવાનું વિચારજો.
મનમાં ગરમી પ્રસરી જશે એની ગૅરન્ટી મારી.

columnists manoj joshi