સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે...

11 August, 2022 03:55 PM IST  |  Mumbai | Jigisha Jain

ગઈ કાલે સિંહ દિવસ ગયો ત્યારે જિગીષા જૈને સિંહને નજીકથી જાણનારા લોકો પાસેથી જાણી ગીરના આ ડાલામથ્થાની કેટલીક રસપ્રદ વાતો

પ્રતીકાત્મક તસવીર

સિંહને જંગલનો રાજા ફક્ત એની શાન, એની કેશવાળી અને અખૂટ શક્તિને લીધે જ નથી કહેવાતો; બીજાં જંગલી પ્રાણીઓની જેમ એ અંધાધૂંધ શિકાર નથી કરતો. જો એને ભૂખ લાગી હોય તો જ અથવા તો એને છેડવામાં આવ્યો હોય તો જ રક્ષણ માટે એ સામે પક્ષે અટૅક કરે છે. એના આ સહિષ્ણુ સ્વભાવને લીધે જ એ જંગલનો રાજા છે. ગઈ કાલે સિંહ દિવસ ગયો ત્યારે જિગીષા જૈને સિંહને નજીકથી જાણનારા લોકો પાસેથી જાણી ગીરના આ ડાલામથ્થાની કેટલીક રસપ્રદ વાતો

વનના રાજાની ગરિમા જાળવી લેશો તો એ પણ તમારી જાળવશે : નરેન્દ્ર મોજીદ્રા

(મુંબઈમાં રહેતા આ ફિલ્મમેકર ગીર એક વાર્તાની તલાશમાં ગયેલા અને ‘ખમ્મા ગીરને’ નામની એક ડૉક્યુમેન્ટરી તેમણે બનાવી. તેઓ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ પણ છે.)

ગીર વિશે વાતો કરનારા ઘણા છે. માણસનો સ્વભાવ છે કે સામાન્ય ઘટનાને એ વાર્તાના ફૉર્મમાં રસપ્રદ બનાવીને જ કહેતો હોય છે. ગીર એક એવી જગ્યા છે જ્યાં વર્ષોથી માણસ અને સિંહ એકસાથે રહે છે. આ સાયુજ્ય ખૂબ અનોખું છે અને એ વિશે મેં પણ ઘણી વાતો સાંભળી હતી પરંતુ એ વાતો અને અનુભવ બન્નેમાં ઘણો ફરક છે. હું વાઇલ્ડલાઇફ વિશે કશું જ જાણતો નહોતો ત્યારે પહેલી જ વાર ગીરની હૉસ્પિટલમાં ગયેલો. ત્યાં સિંહોને ઇલાજ માટે પાંજરામાં રાખવામાં આવે છે. એમાં પાંજરામાં એક સિંહ દરદથી રેસ્ટલેસ લાગતો હતો. મને જોઈ એકદમ મારા તરફ દોડ્યો અને એવી ગર્જના કરી કે હું ડરીને ઑલમોસ્ટ જ્યાં ઊભો હતો ત્યાંથી અડધો કિલોમીટર દૂર જતો રહ્યો પાછળ. સિંહ પાંજરામાં હતો છતાં મારા ધબકારા વધી ગયા હતા અને એ ગુસ્સામાં ઘુર્રાતો સિંહ મારી અંદર બેસી ગયો. એ પછી બે અલગ-અલગ વાર અમારી ગાડી જંગલમાં બંધ પડી ગઈ અને સિંહનો ભેટો મને થયો. એક વાર તો એકદમ જ સામે આવી ગયો ત્યારે એનાથી બચીને અમારે ભાગવું પડેલું. જોકે જંગલમાં રહેતાં-રહેતાં, સિંહનું વર્તન તમને સમજાતું જાય છે. થોડા સમયમાં હું એ સમજતો થઈ ગયો. મારી ડૉક્યુમેન્ટરી માટે હું ગીરના નાગેશ્રી ગામમાં ગયો હતો જ્યાં અમે રાત્રે ૩ વાગ્યા સુધી સિંહની રાહ જોઈને સૂતા. સિંહ આવ્યો નહીં. હું એકલો સવારે ૬ વાગ્યે ઊઠીને કેડી તરફ ચાલતો જતો હતો. મારું આજુબાજુ ખાસ ધ્યાન નહોતું અને અચાનક રાત્રે શિકાર કરીને ઘરે પાછો ફરતો સિંહ અચાનક દેખાયો જે મારાથી ફક્ત ૩-૪ ફીટ જ દૂર હતો. એણે મારી આંખમાં જોયું. મેં પણ એની આંખ જોઈ. હું ભાગ્યો નહીં. સિંહને ખબર પડી ગઈ કે હું એને નુકસાન પહોંચાડું એવો નથી. બીજી મિનિટે એ પોતાનો રસ્તો બદલીને ઝાડીઓમાં જતો રહ્યો. ૯૦ ટકા કેસમાં જ્યારે તમે સિંહની સામે આવો ત્યારે સિંહ તમને જોઈને માર્ગ બદલી દે છે. પરંતુ તમે ખોટી મસ્તી કરો કે સિંહ પોતે જ ગુસ્સામાં હોય કે એને જોઈને ખબર પડે કે આજે સાહેબનો મિજાજ અલગ છે તો તમારે તમારો રસ્તો બદલી દેવો. આવું મેં ઘણા લોકોના મોઢેથી સાંભળેલું, પણ અનુભવ્યું પહેલી વાર. જંગલનો રાજા એક હિંસક જરૂર છે, પણ એ માણસનું માંસ ખાતો નથી એટલે શિકાર પણ કરતો નથી. જોકે એનો અર્થ બિલકુલ એવો નથી કે સિંહ સામે આવે તોય ડરવાની જરૂર નથી. વાત છે ગરિમાને જાળવવાની. એ જળવાયેલી છે એટલે જ આટલાં વર્ષોથી માણસ અને સિંહ સાથે જીવી રહ્યા છે. માણસ અને સિંહ કયા પ્રકારની સમજૂતી સાથે એકબીજાની સાથે રહે છે એ જાણવું એક વાત છે અને જાતે અનુભવવું એક જુદી વાત છે. મને એ અનુભવ થયો એનો મને આનંદ છે. 

આટલાં વર્ષોના અનુભવ પછી હું સિંહના હાવભાવ અને વર્તન પરથી મૂડ પારખી જાઉં છું : તપન શેઠ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર

(રાજકોટના ૪૩ વર્ષના તપન શેઠ એક આઇટી કંપની ચલાવે છે પરંતુ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો જબરો શોખ છે. ગીર વર્ષમાં ૬ મહિના ખુલ્લું રહે છે અને એના દરેક મહિને તે ગીરનો એક આંટો મારે જ છે. નેચર્સ બેસ્ટ ફોટોગ્રાફી એશિયા ૨૦૧૬ અને ૨૦૨૧નો અવૉર્ડ મેળવ્યો છે.)

આમ તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર તરીકે જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે અમને ઘણા અલગ-અલગ અનુભવો થાય છે. અમે જંગલમાં અંદર જ્યાં સિંહના મળવાની શક્યતા હોય એવી એક જગ્યાએ ફરી રહ્યા હતા. સિંહ બિલાડી પ્રકારનાં પશુઓમાં ગણાય. એટલે જ્યારે સિંહણ સિંહબાળને જન્મ આપે ત્યારે એનું સ્થાનાંતર પણ કરતી જ હોય છે. જોકે મોટા ભાગે બાળક નાનું હોય ત્યારે સિંહણ એને બહાર લઈને નીકળતી જ નથી. એનું સ્થાનાંતર પણ એટલું છૂપું હોય કે કોઈને ખબર ન પડે. પરંતુ મારા સદ્ભાગ્યે મેં એ સિંહણને જોઈ જે એના નવજાત બાળકને લઈને સ્થાનાંતર કરી રહી હતી. આ સિંહબાળ તો ચાલી ન શકે એટલે મોટા ભાગે એની મા સિંહણ એને ગળાથી પકડે. એના મોઢામાં એનું ગળું ફસાયું હોય એ રીતે એ હળવેથી પકડીને બાળકને લઈ જાય. પરંતુ આ સિંહણે એને પગેથી પકડ્યું હતું. એની સાથે એનું એક મોટું સિંહબાળ પણ હતું. આમ બન્ને બાળકો અને મા સાથે જઈ રહ્યાં હતાં એ મૂવમેન્ટ હું કૅચ કરી શક્યો.

આ સિવાય આવી જ એક વિઝિટ દરમિયાન મને એક જુદો જ અનુભવ થયો. જ્યારે સિંહનાં બાળકો મોટાં થઈ જાય ત્યારે એણે એનું ઘર છોડી દેવું પડે છે. મોટા ભાગે બાળકો ખુદ જ જતાં રહે છે પરંતુ અમુક બાળકો ખુદ જતાં નથી. સિંહ અને સિંહણમાં બાળકો હંમેશાં સિંહણ જ મોટા કરે છે. સિંહ તો આવતો-જતો રહે છે, પણ બાળકોની સંપૂર્ણ જવાબદારી સિંહણ જ લે છે.

બાળકોના રક્ષણ માટે ઘણી વાર સિંહણો ઝુંડમાં પણ રહેતી હોય છે. જેમ કે બે કે ત્રણ સિંહણોનાં બાળકો સાથે ઊછરે છે અને જો એક સિંહણ બહાર ગઈ હોય અને એના બાળકને ભૂખ લાગે તો બીજી સિંહણ એને દૂધ પીવડાવે છે. મને જે સીન જોવા મળ્યો હતો એ એવો હતો કે એક સિંહ એના મોટા સિંહ બાળકને ઘરથી દૂર થવા માટે ગુસ્સો કરી રહ્યો છે. એની બહેન સિંહણ એના પપ્પાને રોકે છે કે એના ભાઈને એ ગુસ્સો ન કરે. પરંતુ સિંહે એને ભગાડવા માટે ગર્જના કરી અને એની ગર્જનાથી બન્ને બાળકો એટલાં ડરી ગયાં કે બન્નેને સુસુ થઈ ગયું. આ મેં વાર્તા ઘડી છે એવું નથી. મેં એ કૅપ્ચર પણ કર્યું છે અને આટલાં વર્ષોના અનુભવ પછી અમે સિંહના હાવભાવો અને એનું વર્તન સમજી શકીએ છીએ. પણ આ પ્રકારની પારિવારિક લડાઈ મને જોવા મળી એનો મને આનંદ હતો. 

columnists Jigisha Jain