જ્યાં હજારો પોપટ રોજ એક માણસની રાહ જુએ છે

31 May, 2026 11:44 AM IST  |  Mumbai | Laxmi Vanita

સુદર્શન સાહનું ઘર ચેન્નઈના આ​ય્યા મુદાલી સ્ટ્રીટ વિસ્તારમાં આવેલું છે. તેઓ વ્યવસાયે બિઝનેસમૅન છે અને ફૅમિલી બિઝનેસ ચલાવે છે.

સુદર્શન સાહે શરૂઆતમાં પોતાની ટેરેસ પર કોઈ ખાસ માળખું બનાવ્યું નહોતું. શરૂઆતમાં તેઓ સીધા ટેરેસના ફ્લોર પર જ ચોખા અને દાણા નાખતા હતા. વર્ષો જતાં પોપટોની સંખ્યા સતત વધતાં તેમણે ટેરેસ પર લાંબાં લાકડાનાં પાટિયાં, બેસવાની જગ્યા અને વાયરિંગ જેવી વ્યવસ્થા ઊભી કરી જેથી હજારો પોપટો એકસાથે બેસી શકે અને ખોરાક લઈ શકે.

ચેન્નઈમાં છેલ્લાં ૧૫ વર્ષથી નિયમિત હજારો પોપટને દાણાપાણી આપતા સુદર્શન સાહ આજે લોકોમાં પૅરટમૅન અથવા બર્ડમૅન તરીકે ઓળખાવા લાગ્યા છે. તેમની આ પહેલ અંગત ન રહેતાં સિનેમાજગતને અને પક્ષીપ્રેમીઓને પણ પ્રભાવિત કરી ગઈ છે. તેમનું ઘર ફિલ્મી લોકેશન બની ગયું છે તો વિદેશમાંથી લોકો તેમના વિશે સાંભળીને ચેન્નઈમાં ખાસ આ જગ્યાની મુલાકાત લેવા આવતા હોવાથી ટૂરિસ્ટ સ્પૉટ પણ બની ગયું છે. વર્લ્ડ પૅરટ ડે નિમિત્તે જાણીએ સાઉથના પૅરટમૅનની કહાની

ચેન્નઈના સુદર્શન સાહ એક એવી વ્યક્તિ છે જેમણે પોતાના ઘરની ટેરેસને હજારો પોપટ માટે આશ્રયસ્થાન બનાવી દીધી છે. આજે તેમની કહાની માત્ર એક માણસ અને પક્ષીઓની મિત્રતા નથી પરંતુ શહેરોની બદલાતી જતી સંસ્કૃતિ વચ્ચે માનવતા અને કુદરતને બચાવી રાખવાના પ્રયાસની કહાની બની ગઈ છે. લોકો તેમને આજે બર્ડમૅન ઑફ ચેન્નઈ અથવા પૅરટ સુદર્શન તરીકે ઓળખે છે. છેલ્લાં લગભગ ૧૫-૧૬ વર્ષથી તેઓ પત્ની વિથ્યા સાથે રોજ સવારે અને સાંજે હજારો પૅરાકીટ્સ (લીલા પોપટ)ને પોતાના ઘરની છત પર ખવડાવે છે. હવે તેમના વ્યક્તિત્વનું આ પાસું હંમેશ માટે ચિત્રપટ પર અમર થઈ ગયું છે.

પૅરટ સુદર્શનની પ્રેરણા શું હતી?

સુદર્શન સાહનું ઘર ચેન્નઈના આ​ય્યા મુદાલી સ્ટ્રીટ વિસ્તારમાં આવેલું છે. તેઓ વ્યવસાયે બિઝનેસમૅન છે અને ફૅમિલી બિઝનેસ ચલાવે છે. તેઓ કોઈ પ્રાણીસંસ્થા કે કન્ઝર્વેશન સાથે જોડાયેલા નથી એટલે પૅરટમૅન બિરુદ પાછળ એવી કોઈ ડિગ્રી નથી. પક્ષીઓને નિયમિત ખવડાવવાનું તેમનું પહેલેથી એવું કોઈ આયોજનથી નહોતું. આ વાત સહજ રીતે એક લાગણીસભર ક્ષણમાંથી જન્મી હતી. તેમના પિતાના અવસાન પછી તેઓ અંદરથી ખૂબ એકલા પડી ગયા હતા, જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો. એ દિવસોમાં એક સવારે તેઓ પોતાના ઘરની ટેરેસ પર ગયા. ત્યાં તેમણે કેટલાક ભૂખ્યા પોપટોને ચારે તરફ ખોરાક શોધતા જોયા. શહેરમાં ઝડપથી વૃક્ષો કપાઈ રહ્યાં હતાં, જૂનાં મકાનો ગાયબ થઈ રહ્યાં હતાં અને પક્ષીઓ માટે આશ્રય તથા ખોરાક બન્ને ઓછાં થઈ રહ્યાં હતાં. આ દૃશ્ય તેમને અંદરથી સ્પર્શી ગયું.

તેમણે એ દિવસે થોડા ચોખા અને દાણા ટેરેસ પર મૂકી દીધા. શરૂઆતમાં માત્ર થોડાક પોપટો અને કબૂતરો આવતાં. પછી દરરોજ એક જ સમયે તેઓ ખોરાક મૂકવા લાગ્યા. પક્ષીઓને પણ જાણે વિશ્વાસ હોય એમ રોજ પાછાં આવવાં લાગ્યાં. થોડા દિવસોમાં સંખ્યા વધતી ગઈ : દસ, પચાસ, સો અને પછી હજારો. ધીમે-ધીમે આ માત્ર દાણા નાખવાની ટેવ રહી નહીં, એ તેમની જીવનશૈલી બની ગઈ. સુદર્શન અને તેમનાં પત્ની રોજ વહેલી સવારે ઊઠીને પક્ષીઓ માટે પલાળેલા ચોખા, કાચી મગફળી અને ફળ તૈયાર કરવા લાગ્યાં. આ સમગ્ર સફર પાછળ કોઈ પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છા નહોતી. હજારો પોપટ રોજ સમયસર તેમની ટેરેસ પર આવીને આકાશ અને અગાસીને લીલા રંગે રંગી નાખે છે. આજે આ દૃશ્ય એટલું લોકપ્રિય બની ગયું છે કે ભારત ઉપરાંત વિદેશથી પણ લોકો એ જોવા આવે છે.


પત્ની સાથે પોપટને ચણ નાખી રહેલા સુદર્શન સાહ.

વિશ્વ પોપટ દિવસે જાણીએ પોપટ વિશે જાણવા જેવું

ભારતમાં પોપટ એટલે કે પૅરાકીટ માત્ર રંગબેરંગી અને આકર્ષક પક્ષી જ નથી, પર્યાવરણના સંતુલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જીવ પણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં લીલા રંગના ઝુંડમાં ઊડતા જે પોપટ જોવા મળે છે એ મોટા ભાગે રોઝ રિંગ્ડ પૅરાકીટ જ હોય છે. પોપટો પર્યાવરણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેઓ સીડ ડિસ્પેસર્સ (Seed Dispersers) તરીકે કામ કરે છે. એટલે કે ફળો અને બી ખાઈને તેઓ દૂર સુધી ઊડી જાય છે અને વિવિધ વિસ્તારોમાં બી ફેલાવે છે, જેને કારણે નવા છોડ અને વૃક્ષોના વિકાસમાં મદદ મળે છે. ખાસ કરીને જંગલ અને ગ્રામ્યવિસ્તારોમાં અનેક સ્થાનિક વૃક્ષોના ફેલાવા માટે પોપટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઉપરાંત એમને પર્યાવરણનાં બાયોઇન્ડિકેટર્સ પણ માનવામાં આવે છે. કોઈ વિસ્તારમાં પોપટની સંખ્યા ઘટવા લાગે તો એ વૃક્ષોની અછત, પ્રદૂષણ અથવા પર્યાવરણીય અસંતુલન તરફ ઇશારો કરી શકે છે.

ભારતમાં વધતા શહેરીકરણ, વૃક્ષોની કપાત અને મોબાઇલ ટાવર્સ જેવાં પરિબળોને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક શહેરોમાં પોપટના કુદરતી વસવાટમાં ઘટાડો થયો છે. ખાસ કરીને જૂનાં ઘેઘૂર વૃક્ષો કપાઈ જવાથી એમના માળા બનાવવા માટેની જગ્યા ઓછી થઈ રહી છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ, ૧૯૭૨ મુજબ ભારતમાં જંગલી પોપટોને પકડવા, વેચવા અથવા પાંજરામાં રાખવા પર પ્રતિબંધ છે છતાં આ પક્ષીનો ગેરકાયદે વેપાર હજી પણ પડકારરૂપ છે. પર્યાવરણપ્રેમીઓ માને છે કે શહેરોમાં પાણીનાં કૂંડાં મૂકવા, સ્થાનિક વૃક્ષો વાવવાના પ્રયાસો કરવા અને દાણાપાણીની વ્યવસ્થા દ્વારા પોપટો સહિત અનેક પક્ષીઓને બચાવવામાં મદદ મળી
શકે છે.

રસપ્રદ વાત એ છે કે પોપટ દુનિયાનાં સૌથી બુદ્ધિશાળી પક્ષીઓમાંના એક ગણાય છે. કેટલાંક સંશોધનો મુજબ એમની સમસ્યા ઉકેલવાની ક્ષમતા પાંચ વર્ષના બાળક જેટલી હોઈ શકે છે. તેઓ માનવીના અવાજોની નકલ કરી શકે છે, પોતાના જૂથ સાથે વિશેષ ધ્વનિ દ્વારા વાતચીત કરે છે અને લાંબા સમય સુધી એક જ વસવાટ-વિસ્તાર સાથે જોડાયેલા રહે છે. ઘણાં સંશોધનોમાં જાણવા મળ્યું છે કે પોપટમાં યાદશક્તિ અને સામાજિક વર્તન ખૂબ મજબૂત હોય છે. તેથી જ વિશ્વભરમાં પોપટને માત્ર સુંદર પક્ષી નહીં, કુદરતની જૈવિક વૈવિધ્યતાનું મહત્ત્વપૂર્ણ પ્રતીક માનવામાં આવે છે.

રોઝ રિંગ્ડ પૅરાકીટ ભારતમાં સૌથી વધુ જોવા મળતી પ્રજાતિ છે; પરંતુ આજે તેઓ લંડન, ઍમ્સ્ટરડૅમ અને દુબઈ જેવાં શહેરોમાં પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. એક રોઝ રિંગ્ડ પૅરાકીટ દિવસમાં અનેક કિલોમીટર સુધી ઊડી શકે છે અને દરરોજ એક જ સ્થળે ખોરાક માટે પાછો ફરતો હોય છે.

પોપટની ચાંચ એટલી મજબૂત હોય છે કે તેઓ કઠણ બી અને સૂકા મેવાને સરળતાથી તોડી શકે છે. એમની ચાંચ ત્રીજા પગની જેમ ચડવામાં પણ મદદ કરે છે. મોટા ભાગના પોપટ જીવનભર એક જ સાથી સાથે રહેવાનું પસંદ કરે છે. જો એમનો સાથી ગુમાઈ જાય તો ઘણા દિવસો સુધી તેઓ અસામાન્ય વર્તન કરે છે.

પોપટ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૌથી વધુ સક્રિય હોય છે. એટલે જ વહેલી સવારે અને સાંજે તેમનાં ઝુંડ વધુ જોવા મળે છે. ભારતમાં પોપટને ઘણી લોકકથાઓ, ચિત્રકળા અને મંદિરોની કોતરણીમાં પ્રેમ અને સંદેશવાહકના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યા છે.


૨૦૨૪માં એક તામિલ ફિલ્મમાં અરવિંદ સ્વામીના પાત્રના એન્ટ્રી-સીન અને પોપટો સાથેનાં દૃશ્યો માટે સુદર્શન સાહ પાસેથી પ્રેરણા લેવામાં આવી છે. કેટલાક રિપોર્ટ્‍સ અનુસાર ફિલ્મના ભાગો આ જ ટેરેસ પર શૂટ થયા હતા. 

કેવી રીતે પોસાય છે?

સુદર્શન સાહ માટે પક્ષીઓને ખવડાવવું માત્ર શોખ નથી રહ્યો, જીવનભરની જવાબદારી બની ગઈ છે. હજારો પોપટો, ચકલીઓ અને કબૂતરો માટે દરરોજ ખોરાક તૈયાર કરવામાં મોટો ખર્ચ થાય છે. વિવિધ અહેવાલો મુજબ તેઓ રોજ અંદાજે ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. શિયાળાના દિવસોમાં તો લગભગ ૬૦ કિલો ચોખા, કાચી મગફળી અને ઋતુ અનુસાર ફળોની જરૂર પડે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમનો એ ખર્ચ લક્ઝરી કારના EMI જેટલો છે છતાં તેમને ક્યારેય અફસોસ થયો નથી. તેઓ પોતાના ધંધાની આવકમાંથી જ મોટા ભાગનો ખર્ચ ઉઠાવે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ પક્ષીઓને ખવડાવવામાં તેમની લગભગ ૮૦ ટકા આવક વપરાઈ જાય છે. શરૂઆતનાં વર્ષોમાં તેમણે અને તેમની પત્નીએ બધું પોતાના જ પૈસાથી સંભાળ્યું હતું. પછી ધીમે-ધીમે પાડોશીઓ, મિત્રો અને મુલાકાતીઓ પણ મદદ માટે આગળ આવ્યા. કોઈ ચોખા લાવે છે, કોઈ કાચી મગફળી આપે છે તો કોઈ આર્થિક સહાય કરે છે. વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ઘણી વાર પક્ષીઓ માટે દાણા લઈને આવે છે. આ કામ માત્ર પૈસાથી ચાલતું નથી, એના માટે જીવન સમર્પિત કરવું પડે છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં તેઓ શહેરની બહાર લાંબા સમય માટે જઈ શક્યા નથી, કારણ કે હજારો પક્ષીઓ દરરોજ એક જ સમયે તેમની રાહ જુએ છે.

પ્રવાસન અને શૂટિંગ લોકેશન

સોશ્યલ મીડિયા અને ફિલ્મોને કારણે પૅરટમૅનની પ્રસિદ્ધિ અમેરિકા, સ્વિટ્ઝરલૅન્ડ, ઇંગ્લૅન્ડ, જપાન જેવા દેશોમાં પહોંચી ગઈ છે અને ત્યાંથી મુલાકાતીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. તેમની ટેરેસ ઘણા લોકો માટે શાંતિનો અનુભવ બની ગયો છે. વિદ્યાર્થીઓ, ફોટોગ્રાફર્સ, ફિલ્મમેકર્સ અને પ્રવાસીઓ અહીં આવે છે. રોજ સાંજે લગભગ ૧૦૦થી ૧૫૦ લોકો અહીં મુલાકાત લેવા આવે છે. સવારે પ્રવેશ મર્યાદિત રાખવામાં આવે છે. અહીં આવતા લોકો કહે છે કે પોપટોને જોઈને તેમને ખૂબ સકારાત્મક લાગણી અનુભવાય છે. ખાસ કરીને ઉનાળાની રજાઓ દરમ્યાન બાળકોને અહીં આવવું ખૂબ ગમે છે. ધીમે-ધીમે આ એક પ્રકારની અનૌપચારિક નેચર અવેરનેસ સ્પેસ બની ગઈ છે. અહીં આવતા લોકોને અને એમાંય ખાસ કરીને બાળકો અને યુવાનોને તેઓ પક્ષીઓની માનસિકતા, તેમની ખોરાકની આદતો, શહેરોમાં ઘટતી જતી કુદરતી વસાહતો અને પક્ષીઓ સાથે સહઅસ્તિત્વ વિશે સમજાવે છે. જોકે તેઓ કોઈ સત્તાવાર NGO અથવા ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા નથી. એમ છતાં આજે તેમની ટેરેસ એક જીવંત વર્કશૉપ જેવી બની ગઈ છે. અહીં આવતા લોકોને માત્ર પોપટો જોવાનો અનુભવ જ નથી મળતો, કુદરત સાથે જોડાવાનો પાઠ પણ મળે છે. અનેક મુલાકાતીઓ પોતાના રિવ્યુમાં લખે છે કે સુદર્શન મુલાકાતીઓને પક્ષીઓ વિશે સમજાવે છે, બાળકો સાથે વાત કરે છે અને તેમને કુદરત પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રેરિત કરે છે. ખાસ વાત એ છે કે તેઓ આ માટે કોઈ પ્રવેશ-ફી લેતા નથી. જો કોઈ મદદ કરવા માગે તો તેઓ પૈસા કરતાં કાચી મગફળી અથવા પક્ષીઓ માટે દાણા લાવવા કહે છે. ઘણા લોકો માટે આ સ્થળ હવે બર્ડ વૉચિંગ સ્પૉટ કરતાં વધારે એક અનુભવ, એક શીખ અને શહેર વચ્ચે જીવતી કુદરત સાથેનો સંબંધ બની ગયું છે.

columnists gujarati mid day wildlife lifestyle news life and style chennai