26 December, 2025 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજે ૨૦૨૫નો છેલ્લો શુક્રવાર. એક વર્ષ ક્યાં વીતી ગયું! પ્રત્યેક વર્ષના અંતમાં આપણામાંના મોટા ભાગના લોકો આ લાગણી અનુભવે છે. વીતેલા વર્ષ પર નજર કરતાં કેટકેટલી ભયાનક અને કંપાવનારી ઘટનાઓ નજર સામેથી પસાર થઈ જાય છે. ના, પત્રકારત્વની પરંપરા અનુસાર વર્ષાંતે સરવૈયું કાઢવાની કે એ બધી ઘટનાઓની નોંધ લેવાનો ઉપક્રમ નથી પરંતુ માનવ સમાજને માટે અત્યંત કાળી ઘોર કહી શકાય એવી તાજેતરની બંગલાદેશની ઘટના અત્યારે નજર સામેથી ખસી શકતી નથી. જે રીતે દીપુ દાસ નામના યુવાન પર બંગલાદેશમાં ઝનૂની ટોળું તૂટી પડ્યું અને તેને જીવતો જલાવી દીધો એ દૃશ્ય એકવીસમી સદીનું છે એમ માનતાં શરમ આવે છે! એ યુવાન હિન્દુ હતો એ તેની સાથે થયેલા આ બદવ્યવહારનું કારણ હતું! વરસ દરમિયાન દેશ અને દુનિયામાં આવું અઘટિત ઘણું-ઘણું બન્યું પરંતુ સમયના પ્રવાહમાં ગજબની ક્ષમતા અને શક્તિ હોય છે. સારી-નરસી, ઊજળી-કાળી તમામ ઘટનાઓને પોતાના પાલવમાં લપેટી સમય વીતતો રહે છે. સરકતી સમયરેત માનવજીવનની અને સ્મૃતિની ક્ષણભંગુરતાનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનમાં કદી ભૂલી શકાશે નહીં એવી લાગેલી ઘટનાઓ અને આ ખોટ તો ક્યારેય પૂરી શકાશે નહીં એમ લાગતું હોય એ સઘળી બાબતો સમય સાથે ધૂંધળી બનતી આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ. ‘દુ:ખનું ઓસડ દા’ડા’ જેવી કહેવતો જીવનનું આ પરમ સત્ય સીધીસાદી બાનીમાં શીખવી જાય છે.
દરરોજ ઊગતો સૂરજ અને ઢળતી રાત પણ નિરંતર વહેતા જીવનની યાદ અપાવતી જ ઘટનાઓ છેને! આમ છતાં આપણે એને રૂટીનથી વધુ કંઈ નથી સમજતા. વર્ષો પહેલાં એક સ્નેહી પાસેથી એક ભજન સાંભળેલું:
‘હંસતે હુએ ચલ મેરે મન
હંસતે હુએ ચલ,
આજ નહીં તો કલ,
બિખર જાએંગે યે બાદલ
વાદળ વિખેરાઈ જવાની આ શ્રદ્ધા આપણને વીતેલું વિસરીને કંઈક બહેતર, કંઈક સુંદર, કંઈક સુખદની ઉમ્મીદ કરવાની શક્તિ આપે છે. ભલભલા દુ:ખદ અને આઘાતજનક આંચકાઓને રુઝવવાની તાકાત સમય નામના મલમમાં અને ઉમ્મીદ નામના ઔષધમાં રહેલી છે. આવતા શુક્રવારે મળીએ ત્યારે નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું હશે. અને સાથે જ પ્રજ્વલી ઊઠ્યો હશે આ શ્રદ્ધા અને ઉમ્મીદનો દીપ.
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)