ઘરે પાણીનો પ્યાલો નથી ઉપાડ્યો એવા યુવાનો અહીં બધાં કામો કરે છે

11 June, 2021 02:11 PM IST  |  Mumbai | Bhavini Lodaya

જરૂરિયાતમંદો માટે કંઈક કરવાની ભાવના ધરાવતા નાલાસોપારા અચલગચ્છ યુવા જિનાજ્ઞા પરિવારમાં વીસથી પચીસ યુવાનોનું ગ્રુપ છે જે દર રવિવારે જાતે ભોજન બનાવીને ખવડાવે છે.

સેવા કરતા નાલાસોપારા અચલગચ્છ યુવા જિનાજ્ઞા પરિવારના યુવાનો

મૉડર્ન અને વેસ્ટર્ન કલ્ચરથી રંગાયેલા યુવાનો પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું મૂલ્ય કેટલી સરસ રીતે જાળવી શકે છે એનું અનોખું ઉદાહરણ નાલાસોપારાના અચલગચ્છ યુવા જિનાજ્ઞા પરિવારમાં જોવા મળે છે. પંદર-સત્તર વર્ષની કુમળી વયના ટીનેજર્સથી લઈને પ્રોફેશલ લોકો પણ આ ગ્રુપ થકી સામાજિક કાર્યોનો હિસ્સો બને છે અને પછી તેમને સેવાનો રંગ લાગી જ જાય છે.

આ કાર્યની ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ એ વિશે જિનાજ્ઞા પરિવારના ૩૧ વર્ષના સાહિલ ગંગર કહે છે, ‘અમે યુવા ટીમ મળી દેરાસરમાં ચાતુર્માસ દરમિયાન ઘણી પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા. જોકે અમે માનવતાનાં કાર્યો કરીએ એવા હેતુથી છએક વર્ષ પહેલાં દેવરત્ન મહારાજસાહેબના શિષ્યોના ચોમાસામાં અમારા યુવા ટોળીએ જિનાજ્ઞાપરિવારની શરૂઆત કરી ત્યારથી સેવાકીય કાર્યો કરવાનું શરૂ કર્યું. અમને અચલગચ્છ જૈન દેરાસરમાં જમવાનું બનાવવા માટે જગ્યા, ગૅસ તેમ જ વાસણો આપ્યાં અને અમે દર રવિવારે ખીચડી જાતે જ બનાવીને ગરીબોને ખવડાવવાની શરૂઆત કરી. અમારી આખી ટોળી આ ઍક્ટિવિટીમાં ઉત્સાહભેર સાધર્મિક ભક્તિ માટે તૈયાર થઈ ગઈ. અમારામાંથી મોટા ભાગના યુવાનોએ ઘરમાં કોઈ કામ કર્યું નહી હોય, પણ આ કામ માટે અહીં યુવાનો બધું જ કામ કરવા તૈયાર થઈ જાય છે. હાલમાં પણ ૨૨ વર્ષનો રાજ દેઢીયા જમવાનું બનાવે છે. બધા જ શાકભાજી કાપવાથી લઈને ભારે સામાન ઊંચકીને અહીં-તહીં લાવવા-લઈ જવાનું બધું જ કામ જાતે કરીએ.’

કેમ જાતે જમવાનું બનાવો છો? એના જવાબમાં તે કહે છે, ‘જો મહારાજ રાખીએ તો એમને જેટલા પૈસા આપવા પડે એટલા અમે ઓછા લોકોને જમાડી શકીએ. એટલે વધુમાં વધુ લોકોને જમવાનું મળે એ હેતુથી પોતે જ બનાવવાનું નક્કી કર્યું છે. અમે કેળાવડાં, છોલે–પૂરી. દાળ-ભાત, પૌંઆ, ક્યારેક મીઠાઈ એમ વિવિધ વસ્તુઓ બનાવીને ટેમ્પો ભરીને નાલાસોપારા તેમ જ આદિવાસી વિસ્તારોમાં જઈને જમાડીએ છીએ. અમારું ૩૦ જણનું ગ્રુપ છે. વૉટ્સઍપ પર મેસેજ પોસ્ટ કરું અને એમાંથી સમય અનુકૂળતા પ્રમાણે ૧૫થી ૨૦ જણ એ દિવસે હાજર થઈ જાય.’

ક્રાઇસિસના સમયે ખડેપગે

વિવિધ વિસ્તારોમાં જઈને સેવા કરનારા જિનાજ્ઞાપરિવારના સાહિલ ગંગર કહે છે, ‘દહાણુ, વસઈ, વિરાર, નાલાસોપારા, વાપી, વલસાડ એમ ઠેકઠેકાણે અંદર ડુંગરાઓમાં રહેતા લોકો સુધી અમે પહોંચીએ છીએ. ગૌશાળામાં પણ ચારો આપવા જઈએ.  જેમ-જેમ લોકોને ખબર પડે છે તેમ અમને અલગ-અલગ સ્થળો વિશે આગળથી જાણ કરે છે. અતિવૃષ્ટિથી ટ્રેન બંધ પડી જાય ત્યારે પણ અમે ફૂડ, ચા અને છાશના ડિસ્િ્રા બ્યુશન માટે પહોંચી જઈએ છીએ. હાલમાં આવેલા વાવાઝોડા વખતે પણ અમારે ત્યાં નાલાસોપારામાં અસંખ્ય ગરીબોના ઝૂંપડાં ઊડી ગયાં હતાં તો તેમને સતત પાંચ દિવસ સુધી ૧૫૦૦ લોકોને જમવાનું તેમજ નાસ્તો બનાવીને જમાડયું હતું. અમારું આખું યંગસ્ટર ગ્રુપ ખૂબ ઉત્સાહથી કામગીરી કરવા તૈયાર છે. નવા-નવા યુવાનો અમારી સાથે જોડાય છે હજી વધુ મદદ કરીએ એ જ અમારી ઇચ્છા છે.’

columnists