મોહ વિદેશનો : ફૉરેન જવાની લાયમાં હેરાન થતા યંગસ્ટર્સ માટે પેરન્ટ્સે શું ધ્યાન રાખવાની જરૂર છે?

11 August, 2022 11:49 AM IST  |  Mumbai | Manoj Joshi

વિદેશનો આ જે મોહ છે એ અકરાંતિયા જેવો છે. તમને અંદરથી કોરી ખાય છે અને કોરી ખાતા આ મોહ માટે હવે પેરન્ટ્સે ખરેખર જાગૃત થવાની જરૂર છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

દસ દિવસ પહેલાં અમેરિકામાંથી ચાર ગુજરાતી યંગસ્ટર્સ પકડાયા. ચારેચાર મહેસાણાના હતા અને ઇલીગલ અમેરિકામાં ઘૂસ્યા હતા. કઈ રીતે ઘૂસ્યા એની પળોજણમાં આપણે અત્યારે નથી પડતા, કારણ કે એ ટે​ક્નિકલ મુદ્દો છે અને એ મુદ્દો ત્યારે જાગે છે જ્યારે ફૉરેન જવાની લાયમાં આપણા યંગસ્ટર્સ બધું ભૂલી જાય છે. આ અગાઉ પણ ઉત્તર ગુજરાતનું જ એક કપલ કૅનેડા પાસેથી મૃત પરિસ્થિતિમાં મળી આવ્યું હતું. તેમની સાથે બે બાળકો પણ હતાં. એ કપલ બાળકો સાથે ઇલીગલી ફૉરેનમાં એન્ટર થયું હતું. તેમને પણ અમેરિકા જઈને ડૉલર કમાવા હતા અને એશઆરામની જિંદગી જીવવી હતી.

વિદેશનો આ જે મોહ છે એ અકરાંતિયા જેવો છે. તમને અંદરથી કોરી ખાય છે અને કોરી ખાતા આ મોહ માટે હવે પેરન્ટ્સે ખરેખર જાગૃત થવાની જરૂર છે. ગુજરાત અને પંજાબના પેરન્ટ્સે તો ખાસ જાગવાની જરૂર છે, કારણ કે આ બે પ્રજા એવી છે જેમને ફૉરેનમાં જ સ્વર્ગ દેખાય છે. પહેલાં તો તમારાં સંતાનોને સમજાવો કે ફૉરેન એ સ્વર્ગ નથી. જો ત્યાં જઈને તમે નિયમો પાળવા રાજી હો તો અહીંના નિયમો અને રૂલ્સને ફૉલો કરો. જો એવું કરતા થશો તો થોડાં જ વર્ષોમાં આ દેશ પણ ફૉરેનના સ્તર પર આવીને ઊભો રહી જશે. અહીં તમારે કશું કરવું નથી અને ત્યાં જઈને એક પણ કામની ના પાડવી નથી. વૉશરૂમ સાફ કરવા રાજી છો, રસ્તાની સફાઈ કરવા તૈયાર છો, વાસણ સાફ કરવા માટે તમને ત્યાં નાનપ નથી લાગતી, ઘરના દરેક કામ કરવા રાજી છો; પણ અહીં, અહીં તમને કાંટા લાગે છે. એ બધું જો અહીં શરૂ કરી દો તો ખરેખર આ દેશ પણ એ જ સ્તર પર પહોંચે જે સ્તર પર પેલાં ગીતો લખાતાં હતાં. 
જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા...

રાષ્ટ્રવાદને ધ્યાનમાં રાખીને આ વાત નથી કહેવાતી. આ વાત તમારી સ્વભાવગત જે ફિતરત છે એને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. તમારો સ્વભાવ બદલો, વાતાવરણ આપોઆપ બદલાઈ જશે. રસ્તા પરની જે ધૂળ તમને ખૂંચી રહી છે એ ધૂળ પાછળ તમે પણ જવાબદાર છો. ટ્રાફિકના નિયમો તોડવામાં તમે અવ્વલ છો અને ત્યાં વિદેશમાં જઈને એક પગ પણ ઉપાડતી વખતે તમે પાંચસો વખત વિચાર કરો છો. સારું જ લાગે એ બધું ભાઈ, કારણ કે એ નિયમોનું પાલન કરવામાં તમે પણ સામેલ થાઓ છો. જરૂર છે વિદેશના મોહને પડતો મૂકવાની અને એના માટે જરૂર છે દેશને, પરિવારને પ્રેમ કરવાની. જો તમે એ પ્રેમ કરશો તો તમને આજે પણ આ દેશ એટલો ખૂબસૂરત લાગશે જેટલો વિદેશ લાગે છે. તમારી લાયકાત મુજબ તમે જવા રાજી હો તો વાત હજુ પણ જુદી છે, પણ લાયકાતના નામે તમારી પાસે તંબૂરો છે અને એ તંબૂરો લઈને તમે વિદેશની ધરતી પર ફરવા માગો છો તો એ કેવી રીતે શક્ય બને ભલા માણસ.

સમજાવો તમારાં સંતાનોને, બહુ જરૂરી છે આ વાત સમજાવવી. જો તે સમજશે નહીં તો એની સીધી હેરાનગતિ તમારે ભોગવવાની આવશે એ પણ નક્કી છે.

columnists manoj joshi