22 March, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ ઈરાની
ટીવી-ઇન્ડસ્ટ્રીના લેટેસ્ટ અઠવાડિક ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)માં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે મોટા ભાગનાં ટૉપ સ્થાનોમાં ખાસ બદલાવ નથી થયો, પરંતુ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ આ અઠવાડિયાની સૌથી મોટી સરપ્રાઇઝ આપી છે. દર્શકોની સંખ્યામાં ભારે વધારો થતાં આ લોકપ્રિય શોનો ટૉપ ફાઇવમાં સમાવેશ થઈ ગયો છે. ટૉપ સ્થાનની વાત કરીએ તો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ સતત પ્રથમ સ્થાન પર રહી છે, જ્યારે ‘અનુપમા’એ પોતાની મજબૂત પકડ જાળવી રાખતાં બીજું સ્થાન મેળવ્યું છે. ત્રીજા ક્રમે ‘તુમ સે તુમ તક’ રહી છે. આ અઠવાડિયાનો સૌથી મોટો ગેમ-ચેન્જર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ રહ્યો છે. એ ચોથા ક્રમે પહોંચીને ટૉપ ફાઇવમાં સામેલ થયો છે. TRPમાં આવેલા આ અચાનક ઉછાળા પરથી સ્પષ્ટ થાય છે કે એની હાલની સ્ટોરીલાઇન દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ટૉપ ફાઇવમાં પાંચમું સ્થાન ‘વસુધા’એ મેળવ્યું છે.