`ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી`નાં ૨૫ વર્ષ: સ્મૃતિ ઈરાની, એકતા કપૂર, અમર ઉપાધ્યાયે શું કહ્યું?

03 July, 2025 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kyunki Saas Bhi Kabhi Bahu Thi: 25 વર્ષ પહેલાં શરૂ થયેલો આ શો આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન બન્યો છે, પ્રતિષ્ઠિત શોએ તેના પ્રસારણના 25 વર્ષો પૂર્ણ કરી લીધાં છે.

સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને એકતા કપૂર

ખૂબ જ જાણીતો ટીવી શો `ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી` (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)નાં ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિતે સ્મૃતિ ઈરાની, એકતા કપૂર અને અમર ઉપાધ્યાયે આ શોની સાથે સંકળાયેલી તેઓની યાદગીરીઓને તાજી કરી છે. બરાબર 25 વર્ષ પહેલાં શરૂ થયેલો આ શો આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન બન્યો છે. `ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી` આ બાલાજી ટેલિફિલ્મ્સના પ્રતિષ્ઠિત શોએ તેના પ્રસારણના 25 વર્ષો પૂર્ણ કરી લીધાં છે. 

3 જુલાઈ, 2000ના રોજ શરૂ થયેલા આ શોની કલ્પના એકતા કપૂરે કરી હતી. આ શો (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)એ માત્ર ટીઆરપી ચાર્ટમાં જ પ્રભુત્વ જમાવ્યું ન હતું, પરંતુ પ્રાઇમ-ટાઇમ ટેલિવિઝનની વ્યાખ્યા પણ બદલી નાખી હતી અને સાસુ-વહુના ડ્રામાને સંસ્કૃતિ સાથે જોડીને પ્રેક્ષકોના હૃદય સુધી સ્થાન અપાવ્યું હતું. આ ખાસ પ્રસંગે સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય અને એકતા કપૂરે આ શો પ્રત્યેની તેમની હૃદયની ઊર્મિઓ શૅર કરી છે. જેણે માત્ર તેમની અભિનય યાત્રાને જ આકાર આપ્યો ન હતો, પરંતુ સાસુ-વહુ પર આધારિત સિરિયલોની એક નવી પરંપરા પણ શરૂ કરી હતી.

સ્મૃતિ ઈરાનીએ આ પ્રસંગે જણાવ્યું કે- `ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી` માત્ર એક સિરિયલ નહોતી, તે એક અદભૂત સ્મૃતિ છે. જેને આપણે બધાએ સાથે બનાવી છે. લાખો લોકોએ તેને પોતાનો ગણ્યો છે. તે સંબંધો, પરંપરાઓ અને પેઢીઓને જોડતી વાર્તા હતી. 25 વર્ષ પછી પણ આ વાર્તા દરેકના હૃદયમાં જીવે છે. હું તે તમામનો આભારી છું, જેમણે મારા માટે આ યાદગાર યાત્રાનો ભાગ બનવાનું શક્ય બનાવડાવ્યું"

આ શો (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)નાં નિર્માતા એકતા કપૂર કહે છે કે, "આ શો હજી પણ મારા હૃદયના દરેક ધબકારામાં જીવંત છે. જ્યારે અમે આ સફર શરૂ કરી હતી, ત્યારે અમે વિચાર્યું પણ ન હતું કે તુલસી માત્ર એક પાત્ર નહીં રહે, પરંતુ તે દરેક ઘરનું પોતાનું પાત્ર બની રહેશે. આજે પણ, લોકોના દિલમાં ટાઇટલ ટ્રેક ગુંજે છે. આ સિદ્ધિ માત્ર અમારી જ નથી, તે દરેક દર્શકની છે જેમણે આ વાર્તાને પોતાની બનાવી છે. તમે એક શ્રેણીને જાણે વારસો બનાવી દીધો. ઘર જેવા લાગતાં આ સંબંધને જીવંત રાખવા બદલ આભાર"

અભિનેતા અમર ઉપાધ્યાય જણાવે છે કે  "25 વર્ષ પહેલાં શરૂ થયેલી યાત્રા માત્ર એક શોથી પણ કંઇક ઓર હતી, તે પ્રેમ, પરંપરા, સંઘર્ષ અને પરિવર્તનની વાર્તા સાથે ભારતના કરોડ પરિવારોનો અરીસો બની ગઈ હતી. `ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી`નો ભાગ બનવું મારા માટે માત્ર એક ભૂમિકામાત્ર નહોતી, તે એક જવાબદારી, વિશેષાધિકાર અને એક વળાંક હતો જેણે આપણા બધાનું જીવન બદલી નાખ્યું. તેણે ટેલિવિઝન અને જોડાયેલી પેઢીઓના ઇતિહાસને નવો ઓપ આપ્યો. આજે પણ, જ્યારે કોઈ મને `મિહિર` કહે છે, ત્યારે એવું લાગે છે કોઈ જૂનો મિત્ર મળી ગયો હોય"

તેઓ આગળ ઉમેરે છે કે "કારણ કે... કેટલીક વાર્તાઓ માત્ર જોવાતી જ નથી હોતી, એ જીવાતી પણ હોય છે.  `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી` એક યુગ, એક આંદોલન અને ભારતીય પરિવારોનો અરીસો હતો."

શાંતિનિકેતનની યાદો હજુ પણ લોકોના મનમાં અંકિત છે. આ શોના યાદગાર પાત્રો, ભાવનાત્મક વળાંક અને ઘટનાઓ કે જે દરેક ઘરની ચર્ચા બની ગઈ હતી. એકતા કપૂરના નેતૃત્વમાં બાલાજી ટેલિફિલ્મ્સે (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) ભારતીય ટેલિવિઝનની વાર્તાને નવી દિશા આપી હતી. આજે જ્યારે આ યાદો હૃદયમાં ઉભરાઇ રહી છે ત્યારે વારંવાર એક સવાલ ઊભો થાય છે કે શું વિરાણી પરિવાર ફરી પાછો આવશે? જવાબ હજુ અધૂરો છે, પરંતુ આશાઓ જીવંત છે.

television news indian television kyunki saas bhi kabhi bahu thi smriti irani amar upadhyay ekta kapoor