11 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન આવવાની છે
કૉમેડિયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સીઝન નેટફ્લિક્સ પર ૨૧ જૂનથી એ સ્ટ્રીમ થશે. આ ત્રીજી સીઝનમાં ૬ વર્ષ બાદ નવજોત સિંહ સિધુનું શોમાં કમબૅક થશે. નવજોત સિંહ સિધુએ પણ તાજેતરમાં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને શોમાં પાછા ફરવાની વાતને ટેકો આપ્યો છે.
પુલવામા હુમલા પછી ઊભા થયેલા વિવાદને કારણે નવજોત સિંહ સિધુને ૨૦૧૯માં ‘ધ કપિલ શર્મા શો’ છોડવો પડ્યો હતો અને તેની જગ્યાએ અર્ચના પૂરણ સિંહની પસંદગી કરવામાં આવી હતી. જોકે અર્ચના હજી પણ એ શોનો ભાગ રહેશે. હકીકતમાં એ સમયે નવજોત સિંહ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની તાજપોશીમાં હાજરી આપવા ગયો હતો અને એ સમયે તત્કાલીન પાકિસ્તાની જનરલ બાજવાને ગળે લગાડતો તેનો ફોટો બહાર આવ્યો હતો. એ પછી જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં ૪૦ સૈનિકો શહીદ થયા હતા. આ હુમલા પર નવજોત સિંહ સિધુએ અયોગ્ય કમેન્ટ કરી હતી જેની દેશભરમાં ટીકા થઈ હતી. આ વિવાદ પછી નવજોત સિંહ સિધુએ ‘ધ કપિલ શર્મા શો’ છોડવો પડ્યો હતો.