13 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશુતોષ કુમાર (તસવીર: મિડ-ડે)
રિયાલિટી શો શાર્ક ટૅન્ક ઇન્ડિયા દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહી છે. આ શોની પ્રસિદ્ધિને જોતાં શોની ચોથી સિઝન શરૂ થઈ ગઈ છે. ચોથી સિઝનને પણ લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. હાલમાં આ શોએ ફરી એક વખત લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ શોમાં એક એવો સ્પર્ધક આવ્યો જેણે શાર્ક્સ પાસે વિચિત્ર રકમની માગણી કરી કે જેને સાંભળીને દરેક લોકો ચોંકી ગયા છે.
શાર્ક ટૅન્ક ઇન્ડિયા 4 ના આગામી એપિસોડમાં ઓફમિન્ટનો સ્થાપક આશુતોષ કુમાર એકમાત્ર ઉદ્યોગસાહસિક છે જે આ શોમાં બે વાર અલગ અલગ બ્રાન્ડ સાથે પરત ફર્યો છે. આશુતોષે અત્યાર સુધીનું સૌથી હિંમતવાન પગલું ભર્યું, જેમાં તેણે શાર્ક્સના રોકાણ પાછળ એક ટકાની ઇક્વિટી ઑફર કરી અને માત્ર 10 દસ રૂપિયાની માગણી કરી. આ વાતે શાર્ક્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા.
બિહારના સમસ્તીપુરનો રહેવાસી આશુતોષે તેની કંપનીના પૂર્વ સહ-સ્થાપક દ્વારા વિશ્વાસઘાત સહિત અનેક વ્યક્તિગત અને વ્યાવસાયિક પડકારોનો સામનો કર્યો છે. પરંતુ સૌથી વધુ જીવન બદલી નાખનારી ક્ષણ ત્યારે આવી જ્યારે તેના પિતાનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું તે જ દિવસે તે શાર્ક ટૅન્કના સીઝન 2 તેના પ્રેઝેન્ટેશનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઘટના વચ્ચે, આશુતોષને તેના પરિવારના સમર્થન અને એક સાથીની મદદ મળી હતી. રાની અહલુવાલિયા, લંડનની શાર્ક ટૅન્ક ઇન્ડિયાની એક ચાહકે આશુતોષના વિઝનમાં વિશ્વાસ રાખ્યો અને તેને ઑફમિન્ટ બનાવવામાં મદદ કરવા માટે રોકાણ કર્યું હતું.
આશુતોષ કુમારે કહ્યું, "હું અહીં પૈસા માટે નથી; હું અહીં ગુરુ દક્ષિણા તરીકે શાર્ક્સની કુશળતા મેળવવા આવ્યો છું. શાર્ક ટૅન્ક ઇન્ડિયામાં હોવું એ મારી માટે જીવનને બદલનારો અનુભવ રહ્યો છે, અને ઑફમિન્ટ દ્વારા, હું મારા પિતાની સ્મૃતિને માન આપવાની આશા રાખું છું." આશુતોષની સ્ટોરી શાર્ક્સ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે, જેથી તેઓએ પણ આશુતોષની દ્રઢતા અને દ્રષ્ટિની પ્રશંસા કરી હતી. ઑફમિન્ટ, એક ફાસ્ટ-ફૅશન બ્રાન્ડ છે. શાર્ક ટૅન્ક ઇન્ડિયા ટીવી ચૅનલ સોની એન્ટર્ટેનમેન્ટ ટેલેવિઝન અને ઓટીટી પ્લેટફોર્મ સોની લીવ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. આ શોની અત્યાર સુધી ચાર સિઝન આવી ચૂકી છે, જેમાં કુલ 139 એપિસોડ્સ છે.
થોડા સમય પહેલા આ શોને નોટિસ મોકલવામાં આવી હતી. કાશ્મીરના ક્રિકેટ બૅટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને સોની ટીવી અને ટ્રંબુ સ્પોર્ટ્સને 100 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. સોનીના રિયાલિટી શો શાર્ક ટૅન્ક ઇન્ડિયા (Shark Tank India)માં કાશ્મીરથી આવેલા હમાદ અને સાદે તેમની કંપની ટ્રંબુને કાશ્મીર વિલો બૅટના ઉત્પાદનમાં નંબર-1 બ્રાન્ડ ગણાવી હતી. આ અંગે વાંધો વ્યક્ત કરતાં એસોસિએશને આ નોટિસ મોકલી છે.