બાળપણની આનંદીના રોલમાં દેખાશે શ્રેયા પટેલ

20 July, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બાલિકા વધૂ 2’માં આનંદીના બાળપણને પણ દેખાડવામાં આવશે અને તેના પતિના રોલમાં વંશ સયાની જોવા મળશે

બાલિકા વધૂ 2’માં બાળપણની સ્ટોરી માટે લીડ ઍક્ટર્સ તરીકે શ્રેયા પટેલ અને વંશ સયાનીને પસંદ કરવામાં આવ્યાં છે

‘બાલિકા વધૂ 2’માં બાળપણની સ્ટોરી માટે લીડ ઍક્ટર્સ તરીકે શ્રેયા પટેલ અને વંશ સયાનીને પસંદ કરવામાં આવ્યાં છે. ‘બાલિકા વધૂ’માં આનંદીનું પાત્ર અવિકા ગોરે ભજવ્યું હતું, જે બાલવિવાહ પર આધારિત હતી. જોકે બીજી સીઝનમાં આનંદી હવે તેની સાથે જે-જે અન્યાય થયો હતો એના વિશે ફાઇટ કરતી જોવા મળશે. ગુજરાત પર આધારિત આ શોની સ્ટોરીમાં શ્રેયા પટેલ નવી આનંદીના બાળપણનું પાત્ર ભજવી રહી છે. આનંદીના પતિ જિગરના પાત્રમાં વંશ સયાનીને પસંદ કરવામાં આવ્યો છે. આ બાળપણની સ્ટોરીનો ટ્રૅક પૂરો થયા બાદ મોટા ઍક્ટર્સની સ્ટોરી શરૂ કરવામાં આવશે. આનંદી સ્ટ્રૉન્ગ, ગ્રેસફુલ, ઇનોસન્ટ અને તેની ફૅમિલીને પ્રેમ કરતી હોય છે, પરંતુ એ સાથે જ તેને ગરબા અને ડાન્સ ખૂબ જ ગમે છે.

જિગર ઇનોસન્ટ હોવાની સાથે ખૂબ જિદ્દી છે. તે તેનું કામ કઢાવવા માટે મમ્મીને પણ બ્લૅકમેઇલ કરતો હોય છે. પોતાના પાત્ર જિગર વિશે વાત કરતાં વંશ સયાનીએ કહ્યું હતું કે ‘મને ‘બાલિકા વધૂ 2’ દ્વારા ખૂબ સારી તક મળી છે. મને જ્યારે જિગરના પાત્ર વિશે સંભળાવવામાં આવ્યું ત્યારે હું એ પાત્રના પ્રેમમાં પડી ગયો હતો. હું એ પાત્ર સાથે ખૂબ સારી રીતે કનેક્ટ થઈ શક્યો હતો અને મારું ઑડિશન પણ ખૂબ સ્મૂથ રહ્યું હતું.’
આનંદીના પાત્ર વિશે શ્રેયા પટેલે કહ્યું હતું કે ‘હું જ્યારે યુવાનીમાં પ્રવેશી રહી હતી ત્યારે મેં ‘બાલિકા વધૂ’ વિશે ઘણું સાંભળ્યું હતું. આનંદીના પાત્રના ઑડિશન માટે મને જ્યારે કૉલ કરવામાં આવ્યો ત્યારે હું ખૂબ ઉત્સાહી હતી. મારા પેરન્ટ્સે કહ્યું હતું કે આ પાત્રએ દરેકના દિલમાં જગ્યા બનાવી હતી અને હું આ લીગસીને આગળ વધારવા માટે ખૂબ કોશિશ કરીશ. મને લાગે છે કે આનંદી અને મારી વચ્ચે ખૂબ સામ્ય છે અને હું આ નવી મુસાફરી માટે ખૂબ ઉત્સાહી છું.’

television news balika vadhu