News In Shorts: સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શને પહોંચ્યાં શ્વેતા અને માનવ

01 October, 2022 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મૈં હૂં અપરાજિતા’માં લીડ રોલમાં દેખાતાં શ્વેતા તિવારી અને માનવ ગોહિલે સિદ્ધિવિનાયક મંદિરે જઈને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શને પહોંચ્યાં શ્વેતા અને માનવ

સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શને પહોંચ્યાં શ્વેતા અને માનવ

‘મૈં હૂં અપરાજિતા’માં લીડ રોલમાં દેખાતાં શ્વેતા તિવારી અને માનવ ગોહિલે સિદ્ધિવિનાયક મંદિરે જઈને બાપ્પાના આશીર્વાદ લીધા હતા. ઝીટીવી પર આ શો સોમવારથી શનિવારે સાંજે સાડાસાત વાગ્યે દેખાડવામાં આવે છે. અપરાજિતાની ભૂમિકામાં શ્વેતા તિવારી તેની ત્રણ દીકરીઓનો ઉછેર કરતી દેખાડવામાં આવે છે. સિદ્ધિવિનાયક મંદિરે જવા વિશે શ્વેતાએ કહ્યું કે ‘લાઇફમાં કંઈ પણ નવી શરૂઆત કરવા અગાઉ હું બાપ્પાના આશીર્વાદ લેવામાં માનું છું. આ જ કારણ છે કે મેં અને માનવે નક્કી કર્યું કે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જઈએ. શોને લઈને અમે ખૂબ ઉત્સાહી છીએ. આશા છે કે દર્શકોને પણ આ શો પસંદ આવશે અને તેઓ હંમેશાંની જેમ અમારા પર પ્રેમ વરસાવશે.’
તો બીજી તરફ માનવ ગોહિલે કહ્યું કે ‘સિદ્ધિવિનાયક મંદિર ખૂબ શાંતિ પ્રદાન કરે છે. અમારા નવા શો માટે તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. ગણપતિબાપ્પાનો દિવસ મંગળવારનો છે અને સંયોગ એ છે કે અમારા શોની શરૂઆત મંગળવારથી થઈ છે. શ્વેતા અને હું વહેલી સવારે આ‍વ્યાં હતાં. આ નવી જર્નીને લઈને હું એટલો ઉત્સુક છું કે એને હું શબ્દોમાં નથી વર્ણવી શકતો.’

‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ને મળ્યો મિની મન્ના ડે

‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના મંચ પર તેમને મિની મન્ના ડે મળી ગયા છે. આ શોની નવમી સીઝનમાં ૯ વર્ષના અતાનુ મિશ્રા રિયાઝની શરૂઆત કરતાં પહેલાં મન્ના ડેને ભગવાનની જેમ પૂજે છે. આટલી નાની ઉંમરમાં તે મન્ના ડેનો ફૅન છે એ ખૂબ ભાગ્યે જ જોવા મળે. ઝીટીવી પર ૧૫ ઑક્ટોબરે શરૂ થનાર આ ​સિન્ગિંગ રિયલિટી શોમાં જજ તરીકે શંકર મહાદેવન, અનુ મલિક અને નીતિ મોહન દેખાશે. દેશના જુદા-જુદા ભાગમાંથી બાળકો પોતાનું નસીબ અજમાવવા આ શો માટે ઑડિશન આપે છે. આ શો દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. અતાનુએ ‘એ મેરી ઝોહરા જબીં’ પર પર્ફોર્મ કર્યું હતું. તેનો પર્ફોર્મન્સ જોઈને અનુ મલિકે કહ્યું કે ‘આવી અદ્ભુત ટૅલન્ટને ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’ના મંચ પર જોવાની ખૂબ ખુશી થાય છે. અતાનુના અવાજમાં અમને ખરેખર મન્ના ડેની હાજરીનો એહસાસ થયો હતો. તું મન્ના ડેનો ખરો ભક્ત છે. તેં જે ‘કવ્વાલી’ ગાઈ છે એ સમયે તો અમે પોતે નાના હતા. જોકે તેં જે રીતે આ ગીત ગાયું છે એ ખરેખર શાનદાર છે.’તો બીજી તરફ શંકર મહાદેવને કહ્યું કે ‘આજથી આપણે તેને ‘મિની મન્ના ડે’ કહીને બોલાવીશું.’

ભાબીજી ઘર પર હૈ!’માં ડૉક્ટર ગુપ્તાનો રોલ કરનારના દીકરાનું અવસાન

‘ભાભીજી ઘર પર હૈ!’માં ડૉક્ટર ગુપ્તાનો રોલ કરનાર જિતુ ગુપ્તાના ૧૯ વર્ષના દીકરા આયુષનું અવસાન થયું છે. તેને અતિશય તાવ આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જોકે તેની તબિયતમાં કોઈ સુધાર ન આવ્યો અને ગઈ કાલે તેણે અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર મળતાં જ આ શોના કલાકારોએ તેને શોક સંદેશ મોકલ્યા છે. જિતુને એક દીકરી અને એક દીકરો છે. બન્ને સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જિતુ ગુપ્તાએ કૅપ્શન આપી હતી, ‘મેરી બગિયા કા એક ફૂલ મુરઝા ગયા.’

television news indian television shweta tiwari manav gohil sa re ga ma pa