ઍસ્ટ્રો ટર્ફને કારણે ખૂબ જ તકલીફ પડી હતી : પી. આર. શ્રીજેશ

16 September, 2021 03:13 PM IST  |  Mumbai | Harsh Desai

‘કૌન બનેગા કરોડપતિ’માં તેણે નીરજ ચોપડા સાથે હાજરી આપી હતી ત્યારે ટોક્યો ઑલિમ્પિક્સમાં પડેલી મુશ્કેલી વિશે વાત કરી હતી

ઍસ્ટ્રો ટર્ફને કારણે ખૂબ જ તકલીફ પડી હતી : પી. આર. શ્રીજેશ

પી. આર. શ્રીજેશનું કહેવું છે કે ઍસ્ટ્રો ટર્ફને કારણે તેમને ઑલિમ્પિક્સમાં હૉકી રમતી વખતે ખૂબ જ મુશ્કેલી પડી હતી. ટોક્યો ઑલિમ્પિક્સમાં ઇન્ડિયાને હૉકીમાં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો. 
‘કૌન બનેગા કરોડપતિ’ના શાનદાર શુક્રવારમાં શ્રીજેશ અને નીરજ ચોપડાએ હાજરી આપી હતી. ઇન્ડિયાને ૪૧ વર્ષ બાદ હૉકીમાં મેડલ મળવા વિશે પી. આર. શ્રીજેશે  કહ્યું હતું કે ‘આપણે આ મેડલ માટે ૪૧ વર્ષ સુધી રાહ જોઈ છે. હું છેલ્લાં ૨૧ વર્ષથી હૉકી રમી રહ્યો છું. મેં ૨૦૦૦માં એ રમવાનું શરૂ કર્યું હતું. હું બાળપણથી આપણા બુઝુર્ગો દ્વારા સાંભળતો આવ્યો છું કે હૉકીમાં આપણી ટીમે કેટલું મોટું નામ બનાવ્યું છે. આપણી પાસે હૉકીમાં આઠ ગોલ્ડ મેડલ છે. આ ગેમ પાછળના આપણા ઇતિહાસને લઈને અમે હૉકી રમવાનું શરૂ કર્યું હતું. જોકે હવે હૉકી ઍસ્ટ્રો ટર્ફ પર રમવામાં આવે છે. ગેમ બદલાઈ ગઈ અને આપણી પડતી શરૂ થઈ ગઈ.’
ઍસ્ટ્રો ટર્ફ વિશે અમિતાભ બચ્ચને પૂછતાં શ્રીજેશે કહ્યું હતું કે ‘ઍસ્ટ્રો ટર્ફ કૃત્રિમ ઘાસ છે જેના પર પાણી રેડવામાં આવે છે અને ત્યાર બાદ રમવામાં આવે છે. કુદરતી ઘાસ પર ગેમ રમવી અને કૃત્રિમ ઘાસ પર એ બેમાં ખૂબ જ મોટો તફાવત છે. પહેલાં દેરક પ્લેયર કુદરતી ઘાસના ગ્રાઉન્ડ પર રમતા હતા. તેઓ એના પર જ ટ્રેઇન થતા અને ઇન્ટરનૅશનલ લેવલ પર એના પર જ રમવામાં આવતું હતું. અત્યારે બાળકો ગ્રાસ ગ્રાઉન્ડ પર રમે છે અને ત્યાર બાદ ઍસ્ટ્રો ટર્ફ પર રમે છે અને એ પાછળ ખૂબ જ સમય જાય છે. ઍસ્ટ્રો ટર્ફ પર રમવાની ટ્રેઇનિંગ પણ અલગ હોય છે અને હૉકી સ્ટિક પણ અલગ હોય છે.’

television news indian television harsh desai