31 August, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી વાઘ, આલિયા ભટ્ટ અને બોબી દેઓલ
અનુરાગ કશ્યપના ડિરેક્શનમાં બનેલી ‘બંદર’ સમર મેહરા એટલે કે બૉબી દેઓલની વાર્તા છે, જેની ઉંમર ૫૦ વર્ષ છે અને તે એક સમયે લોકપ્રિય ઍક્ટર હતો. હવે તેની કારકિર્દી ઢળતી જાય છે. તે ડેટિંગ ઍપ પર ગર્લફ્રેન્ડ શોધતો રહે છે. વાર્તામાં એક સાંજે અચાનક ટ્વિસ્ટ આવે છે, જ્યારે પોલીસ સમરના ઘરે પહોંચીને તેની ધરપકડ કરે છે કારણ કે સમરની ઍક્સ ગર્લફ્રેન્ડ ગાયત્રી તેના પર બળાત્કારનો આરોપ લગાવે છે. સમર આ આરોપને ખોટો ગણાવે છે.
આ પછી આખી ફિલ્મ આરોપ, સચ્ચાઈ અને જેલની દીવાલો વચ્ચે સમરના જીવનની આસપાસ ફરે છે. લોકોની વિચારસરણી, મીડિયા દ્વારા થતી તપાસ અને સમાજનો નિર્ણય કોઈ વ્યક્તિનું જીવન કેવી રીતે બરબાદ કરી શકે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને સપના પબ્બી પણ છે. ‘બંદર’ ઝી5 પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ ફિલ્મની વાર્તા કારગિલ યુદ્ધના બીજા દિવસથી શરૂ થાય છે. સેનાના બે અધિકારી કર્નલ વિક્રાંત કૌલ એટલે કે અનિલ કપૂર અને ફતેહ સિંહ લખાવત એટલે કે બૉબી દેઓલ પોતાના સાથીઓનાં મોતનો શોક મનાવી રહ્યા હોય છે. આ દરમ્યાન ફતેહ પોતાના મહત્ત્વાકાંક્ષી મિશન ‘આલ્ફા’નો ખુલાસો કરે છે. આ એક ‘આલ્ફા’ સીરમ પર આધારિત પ્રયોગ છે, જે સામાન્ય સૈનિકોને સુપર-સોલ્જરમાં ફેરવી શકે છે.
વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે સેનામાંથી નેગેટિવ જવાબ મળ્યા બાદ ફતેહ કર્નલ વિક્રાંતની નવજાત દીકરી સીતા એટલે કે આલિયા ભટ્ટને લઈને ગાયબ થઈ જાય છે અને તેના પર પોતાના ‘આલ્ફા’ મિશનના પ્રયોગ કરે છે. સીતા મોટી થાય છે ત્યારે એક કિલર મશીન બની જાય છે. જોકે ત્યાર બાદ તેને ફતેહનું સત્ય ખબર પડે છે. હવે સીતા આ રાવણની લંકા પોતે જ બાળવા નીકળી પડે છે, જ્યાં તેનો સામનો કર્નલ વિક્રાંત કૌલ અને તેની જોડિયા બહેન દુર્ગા એટલે કે શર્વરી સાથે થાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
‘બબીતા સિંહ રિપોર્ટિંગ’ એક ક્રાઇમ-થ્રિલર સિરીઝ છે. આ સિરીઝ બબીતા સિંહ ઉર્ફે બેબીની વાર્તા છે. તે
પોલીસ-સ્ટેશનમાં પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી એક અધિકારી છે. ઘર-પરિવારની જવાબદારીઓનો બોજ પણ તેના પર છે. આ દરમ્યાન બેબી સસ્પેન્ડ થઈ જાય છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે બેબીનો બાળપણનો એક મિત્ર એટલે કે બરુણ સોબતી એક દિવસ તેને મળે છે અને એ જ રાત્રે તેની હત્યા થઈ જાય છે. બેબી પોતાની રીતે તપાસ શરૂ કરે છે. જવાબો શોધવાની આ કોશિશ ધીમે-ધીમે બેબી સામે બાળપણની દબાયેલી યાદો અને અધૂરા સંબંધોના ભૂતકાળને ઉજાગર કરે છે. આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.
‘ચુંબક’ એક કૉમેડી સિરીઝ છે. આ સિરીઝ મુંબઈના આધુનિક રૉ-હાઉસ વિસ્તારમાં બાજુ-બાજુમાં રહેતા પાંચ પરિવારોની વાર્તા છે. અહીં કોઈ પણ ઉજવણી નાની નથી હોતી, કોઈ પણ મુશ્કેલી અંગત નથી રહેતી અને કોઈ પણ આમંત્રણની રાહ જોતું નથી. આ સિરીઝમાં પાંચેય પરિવારોની પોતાની અલગ ખાસિયતો અને સ્વભાવ છે. સિરીઝની કાસ્ટમાં નીના ગુપ્તા, દેવેન ભોજાણી, અર્જુન બિજલાની, હેલી શાહ, માનસી પારેખ, સુમિત વ્યાસ, સંદીપ ધર, સુમિત રાઘવન, અનંત વી. જોશી, અમાયરા દસ્તુર, ડેલનાઝ ઈરાની અને અતુલ કુમાર સામેલ છે. ‘ચુંબક’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.