`અનપોઝ્ડ : નયા સફર` રિવ્યુ : નાગરાજ મંજુલેએ મારી બાજી

22 January, 2022 01:33 PM IST  |  Mumbai | Harsh Desai

પાંચ સ્ટોરીમાંથી ‘વૈકુંઠ’ એકદમ હટકે અને ખૂબ જ અદ્ભુત છે : કોવિડ બાદ દરેક વર્ગના લોકોના જીવનમાં કામ પર કેવી અસર પડી છે એને આ સ્ટોરીઝમાં કહેવામાં આવ્યું છે, પરંતુ કેટલીક સ્ટોરી પર વધુ કામ કરવાની જરૂર હતી

નાગરાજ મંજુલે


અનપોઝ્ડ : નયા સફર 

કાસ્ટ : પ્રિયાંશુ પૈન્યુલી, શ્રેયા ધન્વંતરી, ગીતાંજલિ કુલકર્ણી, સાકિબ સલીમ, આશિષ વર્મા, સૅમ મોહન, દર્શના રાજેન્દ્રન, લક્ષવીર સિંહ, નીના કુલકર્ણી, નાગરાજ મંજુલે

ડિરેક્ટર્સ : નૂપુર અસ્થાના, અયપ્પા કે. એમ., રુચિર અરુણ, શિખા મકાન, નાગરાજ મંજુલે

રિવ્યુ : સાડા ત્રણ સ્ટાર


ઍમેઝૉન પ્રાઇમ પર ગઈ કાલે પાંચ સ્ટોરીઝની ઍન્થોલૉજી ‘અનપોઝ્ડ : નયા સફર’ને સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ પાંચ અલગ–અલગ સ્ટોરીને પાંચ અલગ-અલગ ડિરેક્ટર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. કોરોના વાઇરસની અસર દરેક કાસ્ટ અને દરેક વર્ગના લોકો પર કેવી પડી છે એને જુદી–જુદી સ્ટોરી દ્વારા રજૂ કરવામાં આવી છે. આ પાંચ એપિસોડની થીમ કોરોનાકાળ દરમ્યાન લોકોના કામ પર કેવી અસર પડી છે એને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે.
ધ કપલ
નૂપુર અસ્થાના દ્વારા કો-રિટન અને ડિરેક્ટ કરવામાં આવેલા આ શોની થીમ કૉર્પોરેટ વર્લ્ડ પર છે જેમાં પ્રિયાંશુ પૈન્યુલી અને શ્રેયા ધન્વંતરીએ કામ કર્યું છે. તેઓ બન્ને કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતાં હોય છે અને વર્ક ફ્રૉમ હોમ કરે છે. શ્રેયા જે પ્રોડક્ટ માટે કામ કરતી હોય છે એને અપ્રૂવલ મળી જાય છે અને એને લૉન્ચ કરવાની હોય છે, પરંતુ તેને પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળવાની જગ્યાએ પિન્ક સ્લિપ એટલે કે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. આ સ્ટોરી ખૂબ જ વાસ્તવિક રૂપે રજૂ કરવામાં આવી છે. જોકે એમ છતાં સ્ટોરીમાં ઘણા નબળા પૉઇન્ટ્સ છે. એને વધુ સારી રીતે લખી શકાઈ હોત. પ્રિયાંશુ અને શ્રેયાએ ખૂબ જ સારું કામ કર્યું છે. ડિરેક્ટર દ્વારા કપલના જીવનમાં નાની-નાની વાતો અને ગુસ્સાના કારણે સામેની વ્યક્તિ પર એની શું અસર થાય છે એની પણ ખૂબ જ સારી રીતે વાત કરવામાં આવી છે.
વૉરરૂમ
અયપ્પા કે. એમ. દ્વારા ‘વૉરરૂમ’ને ડિરેક્ટ કરવામાં આવી છે. અયપ્પાએ ઘણી સારી-સારી અવૉર્ડ વિનિંગ ઍડ્સ બનાવી છે. આ સ્ટોરી વિધવા સ્ત્રી સંગીતાનું પાત્ર ભજવતી ગીતાંજલિ કુલકર્ણી પર આધારિત છે. તેઓ એક ટીચર હોય છે અને કોવિડ વૉરરૂમમાં કામ કરતાં હોય છે. તેમના પુત્રને હેરાન કરવામાં આવ્યો હોય છે અને એથી તેણે સુસાઇડ કર્યું હોય છે. તેઓ આ સુસાઇડને મર્ડર કહે છે અને એ માટે કોર્ટમાં કેસ પણ ચાલતો હોય છે. આ દરમ્યાન તેઓ જ્યારે વૉરરૂમમાં કામ કરે છે ત્યારે જીવનનાં ઘણાં ઇમોશનમાંથી પસાર થાય છે. આ સ્ટોરી દ્વારા વૉરરૂમ દરમ્યાનના કરપ્શન પર પણ નજર કરવામાં આવી છે. અયપ્પાએ ખૂબ જ નાની-નાની વાતોને ધ્યાનમાં રાખી છે અને ગીતાંજલિના પર્ફોર્મન્સને કારણે એ સ્ટોરી એટલી જ સારી પણ બની છે.
તીન તિગાડા
રુચિર અરુણ દ્વારા કોવિડને ધ્યાનમાં રાખીને એક અલગ સ્ટોરી કહેવાની કોશિશ કરી છે. જોકે સ્ટોરી ફક્ત પર્ફોર્મન્સને કારણે જોવાની પસંદ પડે છે. સ્ટોરીમાં ત્રણ ચોરની વાત કરવામાં આવી છે જેઓ ૬૦ લાખનો માલ ચોરી કરે છે અને એ બ્લૅકનું કામ કરતા માણસને વેચવાનો હોય છે. જોકે એ માણસનું મૃત્યુ થતાં તેમની પાસે લાખોનો માલ હોવા છતાં તેઓ રસ્તા પર રહે છે. જોકે સાકિબ સલીમ, આશિષ વર્મા અને સૅમ મોહનની ઍક્ટિંગને કારણે એ જોવાની થોડી મજા આવે છે. આ ઉદાસ સ્ટોરીમાં આશિષ વર્માનું કૉમિક ટાઇમિંગ ખૂબ જ અદ્ભુત છે.
ગોંદ કે લડ્ડુ
શિખા મકાનની સ્ટોરી એના નામની જેમ ખૂબ જ સ્વીટ છે. આ સ્ટોરીમાં પૅન્ડેમિકને કારણે ડિલિવરી બૉય્ઝની લાઇફ પર કેવી અસર પડે છે એ દેખાડવામાં આવ્યું છે. જોકે પૅન્ડેમિકને લઈને એમાં કોઈ ખાસ વાત કરવામાં નથી આવી. ડિલિવરી એજન્ટ રોહનનું પાત્ર લક્ષવીર સિંહ સરણે ભજવ્યું છે. તેને ડિલિવરી માટે ફાઇવસ્ટાર રેટિંગ મેળવવાનું હોય છે પરંતુ તેનો ઍક્સિડન્ટ થાય છે અને તેની નોકરી પર જોખમ આવી જાય છે. તેની પત્ની એક ફૂડ વેબસાઇટ માટે કામ કરતી હોય છે. તેણે પણ સારું કામ કર્યું છે. જોકે આ એક સ્વીટ સ્ટોરી તરીકે ચાલી શકે એમ છે.
વૈકુંઠ
નાગરાજ મંજુલે તેની ‘સૈરાટ’ને કારણે ખૂબ જ જાણીતું નામ બન્યું હતું અને તેણે ફરી એક ક્લાસિક સ્ટોરી બનાવી છે. આ પાંચ સ્ટોરીમાં સૌથી બેસ્ટ હોય તો એ વૈકુંઠ છે. આ એક સ્મશાનમાં કામ કરતા માણસ વિકાસની સ્ટોરી છે. વિકાસનું પાત્ર નાગરાજ મંજુલેએ ભજવ્યું છે. તેને એક દીકરો હોય છે અને તેના પિતાને કોવિડને કારણે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોય છે. લૉકડાઉન દરમ્યાન તે સ્મશાનમાં એક પછી એક મૃતદેહને અગ્નિદાહ આપતો જોવા મળે છે. આ સ્ટોરી દ્વારા એ વ્યક્તિની સ્ટોરી કહેવાની સાથે ઘણા મેસેજ પણ આપવામાં આવ્યા છે, જેમ કે વધુ વિચારવું નહીં અને સ્ટ્રૉન્ગ રહેવું. વિકાસ સ્મશાનમાં કામ કરતો હોવાથી અને તેના પિતા કોવિડ પૉઝિટિવ થયા હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે તેના દીકરાને એક મહિના માટે તેનાં સગાંવહાલાંને ત્યાં મૂકવા કહે છે પરંતુ દરેક તેને ના પાડે છે. તે અંતે સ્મશાનમાં જ રહેવાનું શરૂ કરે છે. તેનો દીકરો દરરોજ કેટલા મૃતદેહ આવ્યા એ ગણતો હોય છે. તેમ જ વિકાસને પણ તેના પિતાનો મૃતદેહ સ્મશાનમાં તેની સામે લાવીને મૂકી દેવામાં ન આવે એનો ડર હોય છે. આ સ્ટોરીનું એક-એક દૃશ્ય ખૂબ જ દુઃખ આપનારું છે. જોકે છેલ્લી ચાર મિનિટ ખૂબ જ અદ્ભુત છે. મૃતદેહના સળગીને રાખ થઈ ગયા બાદ એની રાખનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ પણ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. તેમ જ વિકાસનો દીકરો જ્યારે તેના દાદાની લાકડી પકડીને ચાલે છે એ દૃશ્ય પણ ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે.
આખરી સલામ
કોરોના બાદ ઘણાં વેબ-શો અને ફિલ્મોમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ કોવિડની ખરેખરી અસર શું થઈ છે એ એમાંની કેટલીક સ્ટોરીમાં કહેવામાં આવ્યું છે. કોવિડની ઘણી સ્ટોરી હશે પરંતુ વૈકુંઠ જેવી સ્ટોરી ભાગ્યે જ જોવા મળે છે.

Web Series web series harsh desai