લાઇફમાં શું કરવું એ કઈ રીતે શોધવું?

28 April, 2023 05:57 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આજે આપણે પૈસાના રોકાણ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ પોતાના જીવનના રોકાણ પર ધ્યાન નથી આપતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જીવનમાં શું મળ્યું છે એ નહીં, પણ આપણે કઈ રીતે પ્લાનિંગ કરીને જીવનને આગળ સરળ રીતે જીવી શકીએ એ મહત્ત્વનું છે. આપણે રોજિંદા જીવનમાં આપણા સમયને આજીવિકા તેમ જ જીવન જીવવાની વસ્તુઓ કેવી રીતે મેળવવી એમાં જ વેડફી નાખીએ છીએ, પછી પાછળથી પસ્તાવો થાય છે કે અરે મેં આ વિચાર તો કર્યો જ નહોતો. મારી લાઇફને હું આવી રીતે તો જીવી જ નહીં શક્યો અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. 

આજીવિકા મેળવવી કોઈ મોટી વાત નથી. મનુષ્યની જેમ દરેક જીવો જેમ કે પશુ-પક્ષીઓ, કીડી, દરિયાઈ જીવો ખાવાનું મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. આજે દરેક માતા-પિતાને એ પ્રશ્ન થાય છે કે મારાં છોકરી-છોકરા કેવી રીતે આજીવિકા કમાશે? આથી દરેક માતા-પિતા સતત તેમનાં બાળકો પર દબાણ કરતાં હોય છે. આજે આપણે પૈસાના રોકાણ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ પોતાના જીવનના રોકાણ પર ધ્યાન નથી આપતા. આપણા દેશમાં બેરોજગારીને લીધે વધતી ગરીબીને કારણે લોકોને આજીવિકા માટે સતત દોડવું એ પ્રેશર બની ગયું છે.    

મૂળે ધ્યેય વગરનું જીવન જીવી જવું વ્યર્થ છે. કોઈનાય પ્રભાવમાં આવ્યા વિના નક્કી કરવું જરૂરી છે કે જીવનમાં આપણે કરવું શું છે. એ માટે બે-ત્રણ દિવસ શાંત મનથી પોતાની જાતને પ્રશ્નો પૂછી વિચાર કરવો જોઈએ. હું જે કંઈ પણ કામ કરું છું એ ૫૦ વર્ષ પછી પણ શું મારા માટે યોગ્ય હશે? જીવન ગમે એટલું મોટું હોય કે નાનું હોય, એનાથી કોઈ ફરક પડતો નથી, જીવન કઈ રીતે જીવો છો એ વધારે મહત્ત્વનું છે. 

આ પણ વાંચો : આજે યુવાનને તેના શિક્ષણ મુજબની નોકરી કેમ નથી મળતી?

જીવન સાથે સંપર્ક સાધવાની બે રીત છે. પહેલી, હું જે કરવા માગું છું એ કરીશ અને પૂર્ણપણે એ વિચારનું નિર્માણ તમે કર્યું હશે અને એમાંથી શું મળશે અને એના આધારે શું કરવું? એનો માર્ગ જાતે શોધવાનો હશે. બીજું કે જ્યાં સુધી કોઈ પણ કામ દિલથી નથી કરતા ત્યાં સુધી તમે તમારું બેસ્ટ આપી નથી શકતા. લોકો શું કહેશે એના કરતાં તમે શું કરવા માગો છો એ વધારે મહત્ત્વનું છે. તમે જે પણ કામ હાથમાં લીધું છે એને તમે બેસ્ટમાં બેસ્ટ રીતે કરી શકો એ વિચાર સાથે આગળ કાર્ય કરો. એનાથી લાઇફમાં પ્રોગ્રેસ થઈ શકે છે. આર્ટ, મ્યુઝિક, ડિઝાઇન, બિઝનેસ, સ્પોર્ટ્સ, પૉલિટિક્સ કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં સુધી ઊંડાણમાં નથી જતા ત્યાં સુધી કામને યોગ્ય ન્યાય નથી આપી શકાતો. પોતાને સમર્પિત કરી દિલથી કરેલ કામમાં ક્યારે લાઇફમાં શર્મિંદગી નહીં અનુભવવી પડે. કોઈ પણ કામમાં પોતાના પૂર્ણ પ્રયત્નો મનથી કરશો તો ચોક્સ તમે તમારી જીવનને ડિઝાઇન કરી શકશો.

શબ્દાંકન : ભાવિની લોડાયા 

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists career tips