સ્પેસમાં ઈલૉન મસ્કને જિયો આપશે ટક્કર, રિલાયન્સ ૧૬૦૦ સૅટેલાઇટ સાથે અંતરીક્ષમાં ઇતિહાસ રચવા તૈયાર

19 June, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસથી ૧૫ અબજ ડૉલરના મેગા પ્રોજેક્ટની તૈયારી, સુરક્ષાનાં કારણોસર સ્ટારલિન્કની લેઝર ટેક્નૉલૉજી પર સરકારની કડક નજર વચ્ચે રિલાયન્સ જિયો બાજી મારવા તૈયાર

પ્રતીકાત્મક તસવીર

ટેલિકૉમ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અંતરીક્ષમાં ઈલૉન મસ્કની સ્ટારલિન્ક અને ઍમૅઝૉન લિયો જેવા વૈશ્વિક દિગ્ગજોને ટક્કર આપવા માટે ભારતનો અત્યાર સુધીનો સૌથી મહત્ત્વાકાંક્ષી સ્પેસ પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. એક અહેવાલ મુજબ જિયો લોઅર અર્થ ઑર્બિટ (LEO)માં આશરે ૬૫૦ કિલોમીટરની ઊંચાઈએ ૧૬૦૦થી ૧૬૫૦ સૅટેલાઇટનું વિશાળ નેટવર્ક ગોઠવવાની યોજના ધરાવે છે. આગામી બેથી ત્રણ વર્ષમાં પૂરા થનારા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ દસથી ૧૫ અબજ ડૉલર હોઈ શકે છે, જે હાલ સ્પેસ ઑથોરિટી IN-SPACeની મંજૂરી હેઠળ છે.

સરકારનું વલણ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય યુઝર્સનો ડેટા ભારતના જ ગેટવે પર ડાઉનલિન્ક થવો જોઈએ અને એને અવકાશમાં અન્ય વિદેશી ગેટવે પર જવાની મંજૂરી અપાશે નહીં. જિયો-SES અને વનવેબ આ લેઝર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતા નથી તેથી આ કડક નિયમોથી માત્ર સ્ટારલિન્કને જ અસર થશે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો જિયો પાસે પોતાનો વિશાળ ગ્રાહક-આધાર હોવાને કારણે એ આ મોંઘા પ્રોજેક્ટને આસાનીથી મૉનેટાઇઝ કરી શકશે અને ભારત અવકાશમાં એક આત્મનિર્ભર કમ્યુનિકેશન લેયર મેળવશે.

શું ફાયદો?
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ માત્ર સૅટેલાઇટ બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ પૂરતો સીમિત નથી, પરંતુ એનાથી ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ કનેક્ટિવિટી પણ મળશે. આ પગલું ભારતના ડિજિટલ સાર્વભૌમત્વ માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. બીજી તરફ ભારત સરકાર સુરક્ષાનાં કારણોસર ઈલૉન મસ્કની સ્ટારલિન્ક સામે કડક વલણ અપનાવી રહી છે. સ્ટારલિન્કનું સૅટેલાઇટ લેઝર ઇન્ટર-સૅટેલાઇટ લિન્ક (LISL) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે જે ડેટાને રાષ્ટ્રીય સરહદો બાયપાસ કરીને અવકાશમાં જ એકબીજા સાથે શૅર કરવાની મંજૂરી આપે છે. સરકારને આશંકા છે કે આનાથી ભારતનો સંવેદનશીલ ડેટા વિદેશી અથવા શત્રુ દેશોના સર્વર સુધી પહોંચી શકે છે.

international news international space station reliance elon musk technology news business news mukesh ambani jio