15 March, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફીલિંગ્સ પ્રાઇડ ઑફ ઇન્ડિયા અવૉર્ડ સમારોહમાં દીપપ્રાગટ્ય કરતા મહાનુભાવો
ફીલિંગ્સ પ્રાઇડ ઑફ ઇન્ડિયા અવૉર્ડ સમારોહમાં દીપપ્રાગટ્ય કરતા મહાનુભાવો : વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી સાથે મહારાષ્ટ્ર સરકારના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન ડૉ. વલ્લભ કથીરિયા, નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)ના MD અને CEO આશિષકુમાર ચૌહાણ, ગુજરાત અને ઝારખંડ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પી. પી. ભટ્ટ, નવી મુંબઈ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ કીર્તિ રાણા, અજિત ગાંધી અને ફીલિંગ્સના CMD-એડિટર અતુલ શાહ.
ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિમિટેડ દ્વારા ૭ માર્ચના શનિવારે ૧૮મા ફીલિંગ્સ પ્રાઇડ ઑફ ઇન્ડિયા અવૉર્ડ સમારોહનું આયોજન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી વિરાજમાન રહ્યા હતા.
આમંત્રિત અતિથિ તરીકે મહારાષ્ટ્ર સરકારના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. વલ્લભ કથીરિયા, નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE)ના CEO આશિષકુમાર ચૌહાણ, ગુજરાત અને ઝારખંડ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પી. પી. ભટ્ટ, જન્મભૂમિ-પ્રવાસીના તંત્રી પદ્મભૂષણ કુંદન વ્યાસ, અભિનેતા મનોજ જોશી તથા નવી મુંબઈ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ કીર્તિકુમાર રાણાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.
ફીલિંગ્સના CMD અને એડિટર અતુલ શાહે પોતાના આવકાર ઉદ્બોધનમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ‘આજનો દિવસ ખૂબ આનંદ અને ગૌરવનો છે, કારણ કે આજે ત્રણ-ત્રણ પ્રસંગોની ઉજવણી થઈ રહી છે. ભારત ભાગ્ય વિધાતા ૧૮મો ફીલિંગ્સ પ્રાઇડ ઑફ ઇન્ડિયા અવૉર્ડ સમારોહ, ફીલિંગ્સ મૅગેઝિનની મુંબઈ આવૃત્તિનો પ્રારંભ અને ભારત બિઝનેસ મીટ.’
‘ભારત બિઝનેસ મીટ’ને આશિષ શેલારના હસ્તે લૉન્ચ કરવામાં આવી. આ વૈશ્વિક મિશન પ્રોજેક્ટ છે જેમાં અમેરિકા, કૅનેડા, દુબઈ, મસ્કત, જપાન, સ્વિટ્ઝરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, ન્યુ ઝીલૅન્ડમાં સમયાંતરે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે.