12 July, 2025 07:10 AM IST | Thimphu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભુતાનની સરકારે ૨૩.૭ મિલ્યન ડૉલર મૂલ્યના ૨૧૩.૫ બિટકૉઇનનું ઑન-ચેઇન ટ્રાન્સફર બાઇનૅન્સ એક્સચેન્જમાં કર્યું છે. ૩૦ જૂને કરાયેલા ટ્રાન્સફર બાદ ભુતાન પાસે હવે ૧.૨૮ અબજ ડૉલર મૂલ્યના ૧૧.૯૨૪ બિટકૉઇન બચ્યા છે. ભુતાન પહેલેથી બિટકૉઇનનું સમર્થક રહ્યું છે અને ત્યાં સરકાર પ્રાયોજિત બિટકૉઇન માઇનિંગ પણ થયું છે.
બિટકૉઇનને બાઇનૅન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા એનો અર્થ એ થયો કે સરકાર હવે પોતાની અનામત વેચીને ક્રિપ્ટોકરન્સીનું સંતુલન કરવા અને ક્રિપ્ટોની અનામત ઊભી કરવા માગે છે. એક નાનકડો દેશ હોવા છતાં ભુતાન પાસે સારા એવા પ્રમાણમાં બિટકૉઇનનો સંગ્રહ છે એ એક નોંધનીય બાબત છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મોટો ઉછાળો આવતાં બિટકૉઇન ૧,૧૦,૦૦૦ ડૉલરની સપાટીને પણ ઓળંગી ગયો છે. ગુરુવારે રાતે બિટકૉઇનનો ભાવ ૨.૨૧ ટકા વધીને ૧,૧૧,૨૭૮ ડૉલર ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં ૪.૩૯ ટકાનો વધારો થઈને ભાવ ૨૭૬૭ ડૉલર પર પહોંચ્યો છે. માર્કેટનું એકંદર કૅપિટલાઇઝેશન ૨.૩૦ ટકા વધીને ૩.૪૭ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી ગયું છે. માર્કેટના તમામ મુખ્ય કૉઇનના ભાવ વધ્યા હતા જેમાં ડોઝકૉઇન ૪.૨૪ ટકા, કાર્ડાનો ૩ ટકા અને હાઇપર લિક્વિડ ૭.૪૭ ટકા સાથે સામેલ હતા.