બિટકૉઇનનો માઇનિંગ હૅશ-રેટ વધ્યો: માઇનિંગ વધુ લાભદાયક થયાનું પ્રમાણ

24 October, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઇનિંગ હૅશ-રેટની સાત દિવસની સરેરાશમાં વધારો થયો એનો અર્થ એવો થયો કે બિટકૉઇન માઇનર્સે બ્લૉકચેઇન માઇન કરવા માટે વધારે કમ્પ્યુટિંગ પાવર વાપરવાનું શરૂ કર્યું છે.

બિટકૉઇન

બિટકૉઇનનો માઇનિંગ હૅશ-રેટ તાજેતરમાં વધ્યો હોવાનું બ્લૉકચેઇન ડોટકૉમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. માઇનિંગ હૅશ-રેટની સાત દિવસની સરેરાશમાં વધારો થયો એનો અર્થ એવો થયો કે બિટકૉઇન માઇનર્સે બ્લૉકચેઇન માઇન કરવા માટે વધારે કમ્પ્યુટિંગ પાવર વાપરવાનું શરૂ કર્યું છે.

નોંધનીય છે કે બ્લૉકચેઇન નેટવર્ક પ્રૂફ ઑફ વર્ક સિસ્ટમ પર આધારિત છે. આ સિસ્ટમમાં માઇનર્સ ગાણિતિક કોયડો ઉકેલવા માટે કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરતા હોય છે. માઇનિંગ હૅશ-રેટ વધ્યો એ દર્શાવે છે કે માઇનર્સને બ્લૉકચેઇનનું માઇનિંગ લાભદાયક લાગી રહ્યું છે. માઇનિંગ કરનારને પુરસ્કાર તરીકે અમુક આવક પ્રાપ્ત થાય છે જેને બ્લૉક સબસિડી કહેવાય છે. આ રકમ બિટકૉઇનના સ્વરૂપે આપવામાં આવે છે. છેલ્લા થોડા વખતમાં બિટકૉઇનનો ભાવ વધ્યો હોવાથી માઇનિંગ આકર્ષક બન્યું છે. વર્તમાન મહિનાના શરૂઆતના ભાગમાં હતો એના કરતાં પાછલા સપ્તાહમાં માઇનિંગ હૅશ-રેટ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે. 

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડાનું વલણ હતું. બિટકૉઇનમાં ૧.૮૨ ટકાનો ઘટાડો થઈને ભાવ ૬૬,૩૨૦ ડૉલરની આસપાસ રહ્યો હતો. ઇથેરિયમ ૩,૦૭ ટકા ઘટીને ૨૫૫૩ ડૉલર પર પહોંચ્યો હતો. બાઇનૅન્સમાં ૨.૭૧ ટકા, સોલાનામાં ૧.૫ ટકા, રિપલમાં ૧.૭૨ ટકા, ડોઝકૉઇનમાં ૦.૫૮ ટકા, કાર્ડાનોમાં ૩.૨૪ ટકા, અવાલાંશમાં ૪.૨૧ ટકા અને શિબા ઇનુમાં ૨.૮૫ ટકા ઘટાડો નોંધાયો હતો.

bitcoin crypto currency stock market share market india business news