01 September, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી BSE ઇન્ડેક્સ સર્વિસિસે નવા ઇન્ડેક્સ BSE કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ લૉન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સની રચના કૅપિટલ માર્કેટ્સ ઉદ્યોગ સંબંધિત બધી કંપનીઓની કામગીરીને માપવા માટે કરવામાં આવી છે. આ ઇન્ડેક્સમાં હાલમાં ૧૯ કંપનીઓ છે જે મૂડીબજારમાં કામકાજ કરે છે.
BSE કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સની ઘટક કંપનીઓ BSE 1000 ઇન્ડેક્સમાંથી પસંદ કરવામાં આવી છે. આ ઇન્ડેક્સ ફ્રી ફ્લોટ મેથડ આધારિત માર્કેટ કૅપ ધરાવે છે જેની બેઝ વૅલ્યુ ૧૦૦૦ પૉઇન્ટ છે. BSE કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સની ૧૦૦૦ પૉઇન્ટ્સની પ્રારંભિક વૅલ્યુની તારીખ ૨૦૧૮ની ૧૮ જૂન છે અને અર્ધવાર્ષિક ધોરણે જૂન અને ડિસેમ્બરમાં એની પુનર્રચના કરવામાં આવશે.
આ નવો ઇન્ડેક્સ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ETF) જેવા પરોક્ષ મૂડીરોકાણ વ્યૂહ ચલાવવા તેમ જ દેશના મૂડીબજાર ક્ષેત્રની કામગીરીનો અંદાજ મેળવવા માટે કરી શકાશે. પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસિસ (PMS), મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ્સ અને ફન્ડ પોર્ટફોલિયોની કામગીરીની તુલના કરવા માટેના બેન્ચમાર્ક તરીકે પણ આ ઇન્ડેક્સનો વપરાશ કરી શકાશે. BSEના ઇન્ડાઇસિસમાં વધુ એક ઇન્ડેક્સના ઉમેરાથી રોકાણકારોને બજારમાં મૂડીરોકાણની વધારાની તક ઉપલબ્ધ થશે.