30 August, 2025 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલો પર ૫૦ ટકા ટૅરિફ લાદવામાં આવી છે. એનાથી અબજો ડૉલરના વેપાર પર અસર થવાની ભીતિ છે અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં હજારો નોકરીઓ જોખમમાં મુકાવાની ધારણા છે ત્યારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિ માને છે કે ભૂતકાળમાં આવેલા વૈશ્વિક આંચકાને જેમ ભારત પચાવી ગયું એમ આ આંચકા સામે પણ ભારત અડીખમ ઊભું રહેશે.
ટૅરિફની સંભવિત અસરો વિશે સુંદરરમણે કહ્યું કે ‘કોવિડ-19થી લઈને સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોને દેશના અર્થતંત્રે માત આપી છે અને વિશ્વની ચોથા ક્રમાંકની સૌથી મોટી ઇકૉનૉમી બની રહી છે. અમેરિકાની તાજેતરની ટૅરિફની નજીવી અસર થવાની અપેક્ષા છે, કારણ કે ભારતનો વેપાર વૈવિધ્યીકરણયુક્ત હોવાથી સલામત છે અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટ ફોન્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવાં મુખ્ય ક્ષેત્રોને એમાંથી મુક્ત રાખવામાં આવ્યાં છે.’
સ્થાનિક સ્તરે મજબૂત માગ, મેક ઇન ઇન્ડિયાની પહેલ અને નવા કરાયેલા ટ્રેડ-ઍગ્રીમેન્ટ્સને પગલે રોકાણકારોનો વિશ્વાસ પુનઃ મજબૂત બન્યો છે. દેશના મજબૂત મુખ્ય આર્થિક નિર્દેશાંકો (ફન્ડામેન્ટ્લ્સ) અને લેવાયેલાં નીતિ-પગલાંને કારણે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) અને ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો પ્રવાહ જળવાઈ રહેશે અને ટૅરિફની અસરને મર્યાદિત કરશે. આ સક્ષમતાને આધારે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
‘મિડ-ડે’માં ગઈ કાલે ખબર-અંતરના દસમા પાના પર ‘અમેરિકાની ટૅરિફનો આઘાત પણ ભારતનું અર્થતંત્ર પચાવી જશે’ એવા શીર્ષક સાથે એક સમાચાર છપાયા હતા, જેમાં BSEના MD અને CEO સુંદરરમણ રામમૂર્તિએ તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ લેખ સાથે સરતચૂકથી ખોટો ફોટો છપાયો હતો. આ ભૂલ માટે દિલગીર છીએ. આ છે સુંદરરમણ રામમૂર્તિનો સાચો ફોટો.