ચીને ચાલુ વર્ષે સૌથી વધુ ચોખાની આયાત ભારતમાંથી જ કરી

23 October, 2021 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑગસ્ટમાં ચીનની ચોખાની કુલ આયાતમાં ૪૫ ટકા હિસ્સો એકલા માત્ર ભારતનો

પ્રતિકાત્મક તસવીર

ભારતીય ચોખાની ચીનમાં થોડાં વર્ષો પહેલાં મામૂલી જ નિકાસ થતી હતી, જેની તુલનાએ ચાલુ વર્ષ દરમિયાન ચીને સૌથી વધુ ચોખાની આયાત એકલા ભારતમાંથી જ કરી છે. એમાંય ઑગસ્ટની કુલ આયાતમાં ૪૫ ટકા હિસ્સો એકલા ભારતનો જ રહેલો છે.
અમેરિકન કૃષિ સંસ્થાની ફૉરેન ઍગ્રિકલ્ચરલ સર્વિસના ડેટા મુજબ ચીન દ્વારા ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના દરમિયાન ચોખાની કુલ આયાત થઈ હતી, જેમાં ભારતનો હિસ્સો ૨૩ ટકા રહેલો છે.
ભારતીય ચોખા વિશ્વમાં સૌથી સસ્તા હોવાથી ચીને પહેલી પસંદગી ઉતારી હતી. વૈશ્વિક બજારમાં ચોખાના સરેરાશ ભાવ ૪૫૪ ડૉલર હતા, જેની તુલનાએ ભારતીય ચોખાના ભાવ ૩૪૫ ડૉલર પ્રતિ ટન હતા, જ્યારે ભારતના મુખ્ય હરીફ દેશ એવા મ્યાનમારનો ભાવ ૩૬૮ ડૉલર અને પાકિસ્તાનનો ભાવ ૪૩૩ ડૉલર પ્રતિ ટનનો હતો.
ચીને ભારતમાંથી ચોખાની આયાત કરી હતી, જેમાંથી ૯૭ ટકા હિસ્સો એકલા બ્રોકન ચોખાનો હતો. ચીન દ્વારા ચોખાની આયાત ચાલુ વર્ષે વધારે કરવામાં આવી હોવાથી પણ ભારતને ફાયદો થયો છે.
ચીને ભારતમાંથી કુલ જાન્યુઆરીથી ઑગસ્ટ મહિના દરમિયાન ૭.૩૦ લાખ ટનની આયાત કરી હતી, જ્યારે વિયેતનામથી ૭.૧૧ લાખ ટન, પાકિસ્તાનમાંથી ૬.૪૩ લાખ ટન, મ્યાનમારમાંથી ૫.૮૬ લાખ ટન અને થાઇલૅન્ડથી ૨.૬૮ લાખ ટન ચોખાની આયાત કરી હતી.
કેઆરબીએલ લિમિટેડનાં ડિરેક્ટર પ્રિયંકા મિતલે જણાવ્યું હતું કે ચીને ગત વર્ષે ઑક્ટોબર મહિનાથી જ ભારતીય ચોખાની ગંભીરતાથી આયાત શરૂ કરી હતી, જે ભારત માટે ચીન ઑથોરિટી દ્વારા લેવામાં આવેલું મહત્ત્વનું પગલું હતું. ભારતની તુલનાએ બીજા દેશોના ભાવ ૧૫થી ૨૦ ટકા જેટલા ઊંચા હોવાથી ભારતીય ચોખાની આયાત શરૂ કરી હતી.
ભારતમાંથી ચોખાની નિકાસ થઈ છે જેમાં બંગલા દેશ પછી સૌથી વધુ નિકાસ ચીનમાં થઈ છે. આમ ચીન એક વર્ષમાં ભારતનો ટોચનો બાયર દેશ બની ગયો છે.

business news india china