ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે બજેટમાં કંઈ ન અપાતાં નારાજગી

02 February, 2023 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપ્લાય ચેઇનની મહત્ત્વની કડી ગણાતા ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે કેન્દ્રીય બજેટમાં કોઈ નક્કી રાહત ન અપાતાં નારાજગી જોવા મળી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : સપ્લાય ચેઇનની મહત્ત્વની કડી ગણાતા ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે કેન્દ્રીય બજેટમાં કોઈ નક્કી રાહત ન અપાતાં નારાજગી જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકાર પાસે ટીડીએસ અને ટૅક્સ સંબંધી વર્ષોથી પેન્ડિંગ મામલે રાહત મળવાની આશા હતી, પણ આવી કોઈ જાહેરાત ન થતાં ટ્રાન્સપોર્ટરો બજેટથી ખુશ નથી. 
ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસ દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં લખવામાં આવ્યું હતું કે ‘બજેટમાં સડક પરિવહન ક્ષેત્રને કોઈ નક્કર રાહત નથી મળી. આ ક્ષેત્ર સૌથી મોટી સપ્લાય ચેઇન હોવાની સાથે મોટી સંખ્યામાં રોજગાર નિર્માણ થતો હોવા છતાં બજેટમાં એને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વિવિધ સરકારી એજન્સીઓનો ટૅક્સ, બેલગામ ભ્રષ્ટાચાર અને જબરદસ્તી કરાતી વસૂલીના બોજ નીચે દબાયેલા આ મહત્ત્વપૂર્ણ સેક્ટરને રાહત મળે એવું બજેટમાં કંઈ નથી. કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો થયો હોવા છતાં આમ આદમી અને સડક પરિવહન ક્ષેત્ર માટેના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નથી કરવામાં આવ્યો છે. આ ઈંધણને જીએસટીમાં લાવવાની કોઈ નોંધ નથી. આ સિવાય ટાયરોની આયાત પર પ્રતિબંધ અને ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી હટાવવા, જીએસટી ઓછો કરવા કે વાહનોના સ્પેરપાર્ટ્સ પરનો ટૅક્સ ઓછો કરવા બાબતે કંઈ નથી કરાયું. પરિવહન ક્ષેત્ર પર થોપવામાં આવેલી વાહનો સ્ક્રૅપ કરવાની નીતિ એકતરફી છે, જેમાં ટ્રાન્સપોર્ટરોનો વિચાર નથી કરાયો.’
અખબારી યાદીમાં આગળ કહેવાયું છે કે ‘રૂપિયાનું થઈ રહેલું અવમૂલ્યન, વધુ ટૅક્સ અને વાહનો ચલાવવા માટે થતા ખર્ચમાં વધારો થવાથી આ ક્ષેત્ર નિરંતર પાછળ પડી રહ્યું છે અને આવું જ ચાલશે તો નજીકના ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટરો અને એની સાથે સંકળાયેલા ૨૦ કરોડ લોકોની જિંદગી બદતર બની જશે. સપ્લાય ચેઇનની મહત્ત્વની કડી હોવા છતાં સરકાર દ્વારા એના પ્રતિ કોઈ સંવેદનશીલતા નથી દાખવાઈ. સરકાર આ ક્ષેત્ર પ્રત્યે ધ્યાન નથી આપી રહી એટલે સરકાર પ્રત્યે આખા દેશમાં તીવ્ર આક્રોશ અને નિરાશા છે. બજેટમાં અમારી માગણી પર વિચાર નથી કરાયો એટલે અમે બજેટનો વિરોધ કરીએ છીએ અને આ વિશે ટૂંક સમયમાં અમારી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વિચાર કરવામાં આવશે.’

business news national news union budget nirmala sitharaman