05 May, 2026 09:24 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા-ઈરાન વચ્ચે વૉરનું કોકડું ગૂંચવાયેલું છે ત્યાં અમેરિકા-ચીન વચ્ચે ટકરાવ વકર્યો હોવાના અહેવાલ છે. ઈરાન ખાતેથી ક્રૂડની આયાત બદલ અમેરિકાએ અડધો ડઝન જેટલી ચાઇનીઝ કંપનીઓ ઉપર નિયંત્રણો જાહેર કર્યા છે. એના જવાબમાં ચાઇનાએ સત્તાવાર રીતે અમેરિકાનું મોઢું તોડી લીધું છે. ચીને કહ્યું છે કે આ ચાઇનીઝ કંપનીઓ અમેરિકાના અંકુશ માનવા બંધાયેલી નથી. થાય એ કરી લો. આને કહેવાય છપ્પનની છાતી. દિલ્હીના દેવતાઓએ ચીના પાસેથી ઘણું બધુ શીખવાની જરૂર છે. એની વે, બ્રેન્ટ ક્રૂડ ૧૨૬ ડૉલર ઉપર ગયા પછી ઠંડું પડી હાલમાં ૧૧૦ ડૉલર આસપાસ આવી ગયું છે. સોનું ઘટીને ૪૫૭૦-૮૦ ડૉલર જેવું ચાલે છે. ચાંદી ૭૫ ડૉલરની અંદર છે. બિટકૉઇન દોઢેક ટકા વધી ૭૯,૭૦૪ ડૉલરે જોવાયો છે. ઘણાં ખરાં એશિયન બજાર રજામાં છે, પણ સાઉથ કોરિયા અને તાઇવાન નવા શિખર સર કરી અનુક્રમે પોણાપાંચ ટકા તથા સવાચાર ટકાથી વધુ ઊછળ્યાં છે. હૉન્ગકૉન્ગ સવા ટકો પ્લસ હતું. જપાન, ચાઇના, થાઇલૅન્ડ રજામાં હતાં. યુરોપ ખાતે લંડન શૅરબજાર બંધ હતું. અન્ય બજાર સામાન્યથી અડધા ટકા જેવા નરમ હતાં. ડૉલર સામે રૂપિયો ૯૪.૯૨ના આગલા બંધ સામે ૯૫.૦૯ થઈ ૯૫ આસપાસ દેખાતો હતો. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૨૫૫૮ પૉઇન્ટ વધી ૧,૬૫,૫૫૨ ચાલતું હતું.
ઘરઆંગણે બજાર ઉપર ચાર રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશનાં ચૂંટણી પરિણામ હાવી છતાં પરિણામોની રૂઝાન જોતાં આસામ, પશ્ચિમ બંગાળ તથા પૉડેચેરી ભાજપના ફાળે તો કેરલમ કૉન્ગ્રેસના ફાળે જશે એમ લાગે છે. તામિલનાડુમાં ઍક્ટરમાંથી પોલિટિશ્યન બનેલા વિજયે કિંગમેકરની ભૂમિકા સાથે બાજી મારી છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૪૪ પૉઇન્ટ પ્લસ ૭૭,૨૫૭ ખૂલી છેવટે ૩૫૬ પૉઇન્ટ્સ સુધરી ૭૭,૨૬૯ તથા નિફ્ટી ૧૨૨ પૉઇન્ટ્સ વધી ૨૪,૧૧૯ થયો છે. શૅર આંક ૯૯૮ પૉઇન્ટ્સ ઊચકાઈ ઉપરમાં ૭૭,૯૧૧ નજીક ગયા પછી નીચામાં ૭૬,૯૩૯ થયો હતો. માર્કેટકૅપ ૩.૯૬ લાખ કરોડ વધી ૪૬૭.૨૫ લાખ કરોડ થયું છે.
અદાણી પોર્ટ્સ ૨૪૪ ગણા જંગી વૉલ્યુમે ૧૭૪૯ની ઑલટાઇમ હાઈ બનાવી સવાપાંચ ટકાની તેજીમાં ૧૭૪૩ બંધ આપી બન્ને બજારમાં ઝળક્યો છે. એનું માર્કેટકૅપ ૪.૦૧ લાખ કરોડ વટાવી ગયું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩.૨ ટકા, આઇશર ત્રણ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર અઢી ટકા, લાર્સન ૨.૨ ટકા, એટર્નલ ૨.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા, ગ્રાસિમ ૨.૨ ટકા મજબૂત હતા. રિલાયન્સ સવાબે ટકા વધી ૧૪૬૩ બંધમાં બજારને ૧૮૩ પૉઇન્ટ્સ ફળી છે. જિયો ફાઇનૅન્સ અઢી ટકા વધી હતી. ભારતી ઍરટેલનાં પરિણામ ૧૩મીએ છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૮૨૨ થઈ ૩.૧ ટકા ગગડી ૧૮૨૭ બંધમાં બજારનો ૧૪૨ પૉઇન્ટ્સ નડ્યો છે. કોટક બૅન્ક ૨.૮ ટકા ડૂલ થઈ હતી. TCS ૧.૭ ટકા, ITC સવા ટકો, ઇન્ફી ૧.૧ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૭ ટકા, ONGC ૨.૨ ટકા, ઇન્ડિગો એક ટકા ઘટી છે.
ડીબી રિયલ્ટી અર્થાત વેલોર એસ્ટેટ ૨૦ ટકાની તેજીમાં ૧૨૪ થઈ ત્યાં જ બંધ થઈ છે. ભેલનો નફો બમણાથી વધુ, ૧૨૮૩ કરોડ આવતાં શૅર ૩૯૯ની સર્વાચ્ચ સપાટી હાંસલ કરી સાત ટકાના જમ્પમાં ૩૭૭ હતો. ડૉ. લાલ પેથ લૅબ્સની આવક સાડાસોળ ટકા વધવા છતાં નફો ૧૫ ટકા ઘટી ૧૩૨ કરોડ થયો છે. શૅર જોકે પાંચ ગણા કામકાજે ઉપરમાં ૧૬૪૨ થઈ પંદર ટકા કે ૨૦૫ રૂપિયા ઊંચકાઈ ૧૫૭૩ હતો. ઇસબ ઇન્ડિયાનો નફો સામાન્ય વધી ૪૭૪૩ લાખ થયો છે, શૅર ૭૨૧૪ના શિખરે જઈ ૧૩.૫ ટકા કે ૮૪૬ રૂપિયા ઊછળીને ૭૧૨૧ બંધ થયો છે.
આજે, મંગળવારે SME સેગમેન્ટમાં લુધિયાણાની રીકોડ સ્ટુડિયોઝ ૧૦ના શૅરદીઠ ૧૫૮ની અપરબૅન્ડમાં કુલ ૪૫ કરોડનો BSE SME ઇશ્યુ કરવાની છે. તેમાંથી ઑફર ફૉર સેલ પાંચ કરોડની છે. માર્કેટ મેકર માટે બે કરોડના શૅર રખાયા છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની થર્ડ પાર્ટી સપ્લાયર્સ પાસેથી બ્યુટીકૅર તથા પર્સનલકૅર પ્રોડક્ટ્સ મેળવી રીકોડ બ્રાન્ડથી એનું વેચાણ કરે છે. કંપનીએ ૨૦૨૪/૨૫ના વર્ષે ૨૯.૮ ટકા વધારામાં ૪૮ કરોડ જેવી આવક ઉપર ૧૧૨૨ ટકાના મારફાડ વધારામાં ૩૩૦ લાખ નેટ નફો કર્યો પછી ગત વર્ષના પ્રથમ નવ મહિનામાં ૫૭૪૫ લાખની આવક ઉપર સીધો ૯૦૬ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. આ આંકડા IPOમાં ઊંચો ભાવ પડાવવા માટે હિસાબી જાદુગરીનો બેફામ ઉપયોગ થયો હોવાની શંકા ઉપજાવે છે. પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર ૩૦ પૈસાથી માંડી સવાબે રૂપિયા જેવી છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૮૧૪ લાખથી વધી ૧૦૬૪ લાખ રૂપિયા થશે. વર્ષ ૨૦૨૪-૨૫માં અસાધારણ ઊંચા દરે નફામાં વધારો છતાં ઇશ્યુ પ્રાઇસ ૫૧નો અતિ ઊંચો પીઈ બતાવે છે. ગ્રે માર્કેટમાં ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ ખેંચીને ૪૫ લઈ જવાનું છે.
વૅલ્યુ ૩૬૦ કમ્યુનિકેશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડ સાથે ૪૨ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં સાત ટકા સહિત કુલ ૧૭ ટકા ભરાયો છે. મેઇન બોર્ડમાં ONEMI ટેક્નૉલૉજીનો એકના શૅરદીઠ ૧૭૧ના ભાવનો ૯૨૬ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૩ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં એકનું પ્રીમિયમ ચાલે છે.
ડિપૉઝિટરી CDSLની ત્રિમાસિક આવક ૧૭ ટકા વધી ૨૬૩ કરોડ થઈ છે, પણ નફો ૨૦ ટકા ઘટી ૮૦ કરોડ નોંધાયો છે. શૅરદીઠ પોણોતેર રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૨૨૬ બતાવી ૨.૭ ટકા બગડી ૧૨૩૮ થયો છે. ડીમાર્ટ ફેમ એવન્યુ સુપર માર્કેટ્સની આવક ૧૯ ટકા વધીને ૧૭,૬૮૩ કરોડ તથા નેટ ત્રિમાસિક નફો ૧૯ ટકા વધી ૬૫૬ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૪૬૦૦ થઈ ૪.૭ ટકા ગગડી ૪૩૭૪ રહ્યો છે. બજાજ ફીનસર્વની આવક ૧૭ ટકા વધીને ૨૧,૦૧૮ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ પાંચ ટકા વધીને ૨૫૩૯ કરોડ જોવાયો છે. શૅર ઉપરમાં ૧૭૮૬ વટાવી પોણાબે ટકા જેવો સુધરી ૧૭૭૬ હતો.
ગયા મહિને ડેરિવેટિવ્ઝમાં BSEનું ટર્નઓવર રોજનું સરેરાશ માર્ચની તુલનામાં ૨૦ ટકા વધી ૨૬૯ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. સામે NSEનું દૈનિક ટર્નઓવર F&O સેગમેન્ટમાં માર્ચની તુલનામાં ૨૬ ટકા ઘટી ૨૧૬ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. ડેરિવેટિવ્ઝમાં પ્રથમ વાર NSE કરતાં BSE આગળ નીકળી ગઈ છે. ગઈ કાલે BSE લિમિટેડનો શૅર ૩૭૫૫ની ટૉપ બનાવી બે ટકા વધીને ૩૭૧૧ થયો છે. MCXનાં પરિણામ ૮ મેના રોજ છે. શૅર ૩૦૪૧ના બેસ્ટ લેવલે જઈ બે ટકા ગગડીને ૨૯૧૨ હતો. અદાણી ગ્રુપની NDTV દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૧૨૭ કરોડની સામે ૧૪૭ કરોડની આવક દર્શાવાઈ છે, પણ નેટલૉસ ૬૦ કરોડથી વધીને ૯૮ કરોડે પહોંચી છે. સતત ૧૦માં ક્વૉર્ટરમાં પણ કંપની નેટલૉસમાં રહી છે. શૅર ઉપરમાં ૮૩ થઈ અડધો ટકો સુધરી ૭૯ રૂપિયા બંધ રહ્યો છે. ૩૦ માર્ચના રોજ એમાં ૫૯ નીચેનું વર્સ્ટ લેવલ જોવાયું હતું.
કોટક મહિન્દ્ર બૅન્ક દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં આઠ ટકા વધારામાં ૭૮૭૬ કરોડની આવક ઉપર ૧૦ ટકા વધારામાં ૫૪૨૩ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૮૧ થઈ ૨.૮ ટકા તૂટી ૩૭૨ બંધ થયો છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ ૮મી મેના નક્કી થયા છે. ભાવ ઉપરમાં ૧૦૮૯ થયા બાદ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં ૨૦ ટકા વધારામાં ૩૨,૪૭૯ કરોડની આવક ઉપર અગાઉના ૩૮૪૫ કરોડના ચોખ્ખા નફા સામે આ વખતે ૨૨૧ કરોડની નેટ લૉસ દર્શાવાઈ છે. શૅર નીચામાં ૨૩૭૬ બતાવી સવાત્રણ ટકા વધીને ૨૪૮૩ હતો. જેટ ફ્યુઅલના ભાવ સતત વધવાની અસર વચ્ચે ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિએશન ગઈ કાલે ઉપરમાં ૪૩૮૬ થઈને એક ટકો ઘટી ૪૨૫૫ હતી.
જિંદલ સ્ટીલની આવક ૨૩ ટકા વધીને ૧૬,૨૧૮ કરોડ થઈ છે. કંપની ૩૩૯ કરોડની નેટ લૉસમાંથી ૧૦૪૫ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ઇન્ટ્રા-ડેમાં ૧૨૭૮ થઈ ૩.૪ ટકા વધી ૧૨૬૬ રહ્યો છે. ડિપૉઝિટરી NSDLની આવક ૨૬ ટકા વધીને ૪૫૮ કરોડ થતાં નેટ નફો સવાઆઠ ટકા વધી ૯૦ કરોડ થયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૮૯૦ થઈ એક ટકો ઘટી ૮૭૨ હતો. અદાણી ગ્રુપની એસીસી લિમિટેડે ૧૮ ટકા વધારામાં ૭૧૨૪ કરોડની આવક ઉપર ૬૮.૩ ટકા ગાબડામાં ૨૩૮ કરોડ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૧૪૩૫ થઈ પોણાબે ટકા ઘટી ૧૩૯૮ હતો. સુંદરમ ફાસ્ટનર્સે સાડાદસ ટકા વધારામાં ૧૬૯૩ કરોડની રેવન્યુ ઉપર ૨૯.૭ ટકા વૃદ્ધિદરથી ૧૬૧ કરોડ નફો કરતાં શૅર ઉપરમાં ૯૧૮ થઈને ૪ ટકા વધી ૮૮૧ બંધ થયો છે.
મારુતિ સુઝુકી દ્વારા ગત મહિને ૩૩ ટકા વધારામાં ૨.૩૯ લાખ નંગ વાહનોનું વિક્રમી વેચાણ હાંસલ થયું છે. શૅર બે ટકા કે ૨૬૯ રૂપિયા વધી ૧૩,૫૮૨ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જરનું વેચાણ એપ્રિલમાં ૩૧ ટકા વધ્યું છે. શૅર અડધો ટકો સુધરી ૩૪૩ હતો. મહિન્દ્રાનું વેચાણ ૧૪ ટકા વધ્યું છે. શૅર નજીવો વધી ૩૧૦૪ રહ્યો છે. હ્યુન્ડાઈ મોટર્સનું વેચાણ ગત મહિને ૧૭ ટકા વધ્યું છે. શૅર ૧.૪ ટકા વધી ૧૮૪૩ રહ્યો છે. ટૂ-વ્હીલર્સમાં હીરો મોટોકૉર્પનું વેચાણ ૮૫ ટકા વધીને ૫.૬૬ લાખ નંગ ગત મહિને નોંધાયું છે. જોકે એકંદર ધારણા ૫.૭૭ લાખની હતી. શૅર ઉપરમાં ૫૨૩૪ થઈ ૦.૪ ટકા ઘટીને ૫૦૮૦ બંધ થયો છે. આઇશર મોટર્સનું વેચાણ ૩૧ ટકા વધી ૧.૧૩ લાખ નંગ જોવાયું છે. નિકાસ ૧૪ ટકા ઘટી છે. શૅર નીચામાં ૭૦૮૮ થઈ ત્રણ ટકા વધી ૭૩૩૦ હતો. ઓલા ઇલેક્ટ્રીકનું વેચાણ ૩૯ ટકા ઘટી ૧૨,૧૬૬ નંગ થયું છે. શૅર ૦.૪ ટકા સુધરી ૩૬.૭૨ હતો. એસ્ફોર્ટ્સ ક્યુઓટાનું વેચાણ ૨૭.૬ ટકા વધી ૧૦,૮૫૭ નંગ થયું છે. નિકાસ ૨૧ ટકા ઘટી છે. શૅર પોણો ટકો ઘટી ૩૨૧૭ હતો. TVS મોટરનું વેચાણ ગત મહિને ૭ ટકા વધી આશરે ૪.૭૪ લાખ નંગ નજીક થયું છે. શૅર નીચામાં ૩૩૭૫ બતાવી નજીવા સુધારે ૩૫૦૧ હતો. એથર એનર્જીસનું વેચાણ ૧૦૩ ટકા વધી ૨૭,૦૨૪ ફ્લૅટ હતો. તાતા મોટર્સે ૨૮ ટકા વધારામાં ગત મહિને ૩૪,૮૩૩ વાહનો વેચ્યાં છે. શૅર પોણો ટકો વધી ૪૧૩ બંધ હતો. બજાજ ઑટોનું વેચાણ ૪૦ ટકા વધતાં શૅર ૧૦,૪૮૧ની દોઢ વર્ષની ટોચે જઈ દોઢ ટકા વધી ૧૦,૧૪૨ હતો.
ઍવરેડી ઇન્ડસ્ટ્રીઝે આવકમાં સાડાનવ ટકાના વધારા સામે ૧૪ ગણા વધારામાં અગાઉના ૧૦ કરોડ સામે ૧૪૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૩૫૫ થઈ ૩.૩ ટકા ગગડી ૩૨૨ હતો. રામક્રિશ્ના ફોર્જિંગ્સની આવક ૨૮ ટકા વધવા છતાં નફો ૭૨ ટકા ગગડી ૫૬ કરોડ અંદર આવી ગયો છે. શૅર નીચામાં ૫૮૨ થઈ બે ટકા વધી ૬૦૯ બંધ હતો.