ચાર્ટ પરની નબળાઈ જોતાં નિફ્ટીમાં બીજા ૧૦૦૦ પૉઇન્ટની ખરાબી જોવાશે?

25 October, 2024 07:22 AM IST  |  Mumbai | Anil Patel

એસ્કોર્ટ્‍સનું રેલવે ડિવિઝન સોના કૉમસ્ટારે લીધું; એસ્કોર્ટ્‍સ ગગડ્યો, સોના કૉમસ્ટાર તેજીમાં

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કરેક્શનના માહોલ સામે પાકિસ્તાની શૅરબજાર ફૂલગુલાબી તેજીમાં, કરાચી ઇન્ડેક્સ ૮૯,૦૦૦ વટાવી નવા શિખરે : હિન્દુસ્તાન યુનિલીવર, નેસ્લે અને આઇટીસીની ત્રિપુટી બજારને ૨૧૧ પૉઇન્ટ નડી : કોન્સ્ટેલિયમનો શૅર તૂટતાં હિન્દાલ્કોમાંય માનસ ખરડાયું : એસ્કોર્ટ્‍સનું રેલવે ડિવિઝન સોના કૉમસ્ટારે લીધું; એસ્કોર્ટ્‍સ ગગડ્યો, સોના કૉમસ્ટાર તેજીમાં : સર્વાંગી સારાં પરિણામમાં કૅર રેટિંગ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે, પિરામલ ફાર્મા ઑલટાઇમ હાઈ : દાવતવાળી એલ.ટી. ફૂડ્સે સવાત્રણ વર્ષ બાદ પ્રથમ વાર ત્રિમાસિક નફામાં ઘટાડો બતાવ્યો, શૅર સાડાતેર ટકા તૂટી FMCGમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો : આ મહિને FIIની રોકડી એક લાખ કરોડે

શૅરબજારના માર્કેટકૅપમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતી ૪૩૫ કંપનીઓને આવરી લેતાં ક્રિસિલ જણાવે છે કે આ વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કૉર્પોરેટ રેવન્યુ ગ્રોથ ૫થી ૭ ટકા નોંધાશે, જે ચાર વર્ષની નીચી સપાટી છે. જૂન ક્વૉર્ટરમાં આ ગ્રોથ ૮.૩ ટકાનો હતો. ચાર્ટવાળા વિશ્લેષકો માને છે કે નિફ્ટી હાલમાં ૧૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ નીચે આવી ગયો છે. બાઉન્સબૅક થઈ ૨૪,૫૦૦ થવો જોઈએ અને એ લેવલ ટકી રહેવો જોઈએ. જો આમ નહીં થાય તો બજાર વધુ બગડશે. નિફ્ટી બીજા ૧૦૦૦ પૉઇન્ટ જેવો ગગડી ૨૩,૩૬૫ની ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ ટેસ્ટ કરશે. મતલબ કે સેન્સેક્સ ખરડાઈને ૭૭,૦૦૦ આસપાસનો જોવાશે. લગભગ મહિના પહેલાં નિફ્ટીમાં ૨૬,૨૭૭ની ઑલટાઇમ હાઈ બની હતી. હાલ એ ૨૪,૩૯૯ છે અર્થાત એકાદ મહિનામાં ૧૮૭૮ પૉઇન્ટ કે ૭.૧ ટકાની ખરાબી આવી ચૂકી છે. FII અવિરત વેચવાલ છે. ચાલુ મહિને ૨૩ ઑક્ટોબર સુધી કામકાજના ૧૬ દિવસમાં એણે ૯૨,૧૪૩ કરોડની રોકડી કરી લીધી છે જે એક વરણો વિક્રમ છે અને લાગે છે કે ઑક્ટોબરમાં FIIની નેટ વેચવાલી એક લાખ કરોડ રૂપિયાનો આંકડો દેખાડીને રહેશે.

બજાર ગુરુવારે ફ્લૅટ ખૂલીને નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ બંધ થયું છે. સેન્સેક્સ ૧૭ પૉઇન્ટ ઘટી ૮૦,૦૬૫ તો નિફ્ટી ૩૬ પૉઇન્ટ ઘટી ૨૪,૩૯૯ બંધ આવ્યો છે. સેન્સેક્સ કરતાં નિફ્ટીનો ઘટાડો લગભગ બમણો છે. આવું બહુ ઓછું બને છે. વધઘટની રેન્જ સાંકડી હતી. સેન્સેક્સ ઉપરમાં ૮૦,૨૬૦ અને નીચામાં ૭૯,૮૧૩ થયો હતો. માર્કેટકૅપ ૧.૫૨ લાખ કરોડના ઘટાડે ૪૪૩.૭૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૩૧ શૅર સામે ૧૭૩૧ જાતો ઘટી છે. માર્કેટના સેક્ટોરલ મિશ્ર વલણમાં બહુધા સાંકડી વધઘટમાં હતા, પરંતુ FMCG ઇન્ડેક્સ અઢી ટકા, ટેલિકૉમ એક ટકો, રિયલ્ટી સવા ટકો કપાયા હતા. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, બૅન્ક નિફ્ટી અડધો ટકો અને યુટિલિટી ઇન્ડેક્સ અડધો ટકો અપ હતા.

એશિયા ખાતે હૉન્ગકૉન્ગના નેજા હેઠળ બહુમતી બજાર અડધાથી સવા ટકો ડાઉન હતાં. જપાન અને સિંગાપોર નામપૂરતા સુધર્યાં છે. આથી વિપરીત યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકા ઉપર હતું. પાકિસ્તાની શૅરબજાર ફૂલફ્લેઝ્ડ આખલા દોડમાં ૮૯,૧૨૬ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧૭૪૪ પૉઇન્ટ કે બે ટકાની મજબૂતીમાં ૮૯,૦૫૩ રનિંગમાં દેખાયું છે. એક વર્ષમાં અહીં આશરે ૭૧ ટકાની તેજી થઈ છે.

બજાર બંધ થયા પછી ઇન્ડસ ઇન્ડ બૅન્કનો નફો ૩૯ ટકા ઘટી ૧૩૨૫ કરોડ આવ્યો છે. શૅર રિઝલ્ટ પૂર્વે અડધા ટકાના સુધારામાં ૧૨૭૯ બંધ હતો, આજે બગડશે. એસીસીનો નેટ પ્રૉફિટ ૩૮૮ કરોડથી ગગડીને ૨૦૦ કરોડ થઈ ગયો છે. રિઝલ્ટ પૂર્વે એનો શૅર પણ સાધારણ સુધારામાં ગઈ કાલે ૨૨૬૪ બંધ રહ્યો હતો. ફ્રેશરા ઍગ્રો એક્સપોર્ટ્સ ૧૧૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૫૦ના પ્રીમિયમ સામે ૧૩૫ ખૂલી ૧૩૫ની અંદર બંધ થતાં એમાં ૧૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર ફરી તેજીની સર્કિટમાં

અદાણી વિલ્મર ૧૩૧ કરોડની ત્રિમાસિક ખોટમાંથી ૩૧૧ કરોડના નેટ નફામાં આવતાં શૅર સાત ગણા કામકાજે ઉપરમાં ૩૪૫ નજીક જઈ પોણાસાત ટકાની મજબૂતીમાં ૩૪૦ રહ્યો છે. IIFL ફાઇનૅન્સે વર્ષ પૂર્વ ૫૨૫ કરોડનો ત્રિમાસિક નફો કર્યો હતો. આ વેળા ૯૩ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. શૅર નીચામાં ૩૯૧ થઈ ત્રણ ટકાના ઘટાડે ૪૦૭ હતો. રેલટેલને ગુજરાત સરકારનો ૧૪૫ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ૪૨૦ થઈ સવાચાર ટકા વધી ૪૧૪ થયો છે. રિઝલ્ટની પૂર્વસંધ્યાએ તગડો ઉછાળો બતાવનાર પીએનબી હાઉસિંગ ફાઇનૅન્સ ગઈ કાલે પરિણામ પૂર્વે દોઢ ટકો ઘટીને ૯૩૩ બંધ આવ્યો છે. ડૉ. લાલ પેથલૅબ્સ સારાં પરિણામમાં ૩૩૭૮ નજીક ગયા બાદ ભારે પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૩૦૨૧ બતાવી ૬ ટકા કે ૧૯૨ના બગાડમાં ૧૯૩૫ થયા બાદ નીચામાં ૧૯૫૪ થઈ સવા ટકો ઘટી ૧૮૭૧ રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક ૮૦ની અંદર જઈ સવાબે ટકા બગડીને ૮૦ હતો. પેટીએમ સુધારાની ચાલમાં વધુ અઢી ટકા વધી ૭૬૫ વટાવી ગયો છે. પરિણામની તેજીમાં જેમના સેંકડા બદલીને બુધવારે નવા શિખરે ગયા હતા એમાંની અંબર એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે સવાબે ટકા કે ૧૫૦ રૂપિયા તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અડધો ટકો ઘટ્યા છે, જ્યારે કોફોર્જ ૭૭૮૧ની નવી ટૉપ બનાવી પોણાબે ટકા કે ૧૪૦ની આગેકૂચમાં ૭૬૯૯ થયો છે. એમસીએક્સ એક ટકો ઢીલો થયો છે. BSE લિમિટેડ સામે સવા ટકો ઘટી ૪૩૨૫ દેખાયો છે. દસ હજાર કરોડના ડિફેન્સ પ્રોજેક્ટની કથામાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત બીજી તેજીની સર્કિટમાં પાંચ ટકા ઊચકાઈ ૨૮૦ થયો છે. રિલાયન્સ પાવર પણ પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ વધારતાં ૪૨ વટાવી ગયો છે. બુધવારના ૯ ટકાના ઉછાળા બાદ MTNL ૪ ટકા ગગડી ગઈ કાલે ૪૯ રહ્યો છે.

હિન્દુસ્તાન યુનિલીવર વર્સ્ટ પર્ફોર્મર, પરિણામ પૂર્વે આઇટીસી ડાઉન

હિન્દુસ્તાન યુનિલીવરે માર્જિનમાં ઘટાડા સામે સવાબે ટકાની પીછેહઠમાં ૨૫૯૫ કરોડ ત્રિમાસિક નફો રળી ધારણાથી નબળો દેખાવ કર્યો છે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આઇસક્રીમ બિઝનેસને અલગ કરવાની વિચારણા હાથ ધરી છે જેના પગલે ક્વૉલિટી બ્રૅન્ડ નેમથી ચાલતો આઇસક્રીમ બિઝનેસને અલગ કંપનીમાં ફેરવી પછીથી એનું લિસ્ટિંગ કરાવાશે અગર તો પછી આ બિઝનેસને વેચી દેવાશે. આઇસક્રીમ બિઝનેસ કંપનીની રેવન્યુમાં ત્રણ ટકા ફાળો આપે છે. શૅર ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૨૪૫૩ થઈ ૫.૮ ટકા કે ૧૫૫ રૂપિયા તૂટી ૨૫૦૩ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર બન્યો છે. બજારને ૧૨૦ પૉઇન્ટનો માર પડ્યો છે. નેસ્લે ૨.૯ ટકા બગડ્યો છે, જ્યારે પરિણામ પૂર્વે આઇટીસી પણ ૧.૯ ટકા નરમ રહ્યો છે. સરવાળે આ ત્રણ શૅર બજારને કુલ ૨૧૧ પૉઇન્ટ નડ્યા છે અને FMCG ઇન્ડેક્સ જે ૨.૭ ટકા કે ૫૮૩ પૉઇન્ટ ડાઉન થયો એમાં પણ આ ત્રિપુટીનું પ્રદાન ૩૮૦ પૉઇન્ટ રહ્યું છે. એસબીઆઇ લાઇફ દ્વારા નેટ નફામાં ૩૯ ટકાના વધારા સાથે પ્રોત્સાહક પરિણામ જારી થયાં છે. એના પગલે બ્રોકરેજ હાઉસ તરફથી ૨૨૮૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ આવ્યું છે, પરંતુ રિઝલ્ટ બાદ શૅર ૧૭૨૪ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૬૨૩ થઈ પોણાપાંચ ટકા બગડી ૧૬૩૫ બંધ આપી નિફ્ટીમાં સેકન્ડ વર્સ્ડ પર્ફોર્મર બન્યો છે. ઍલ્યુમિનિયમ બિઝનેસની વૈશ્વિક ખેલાડી કોન્સ્ટેલિયમનો શૅર નબળાં પરિણામમાં વિદેશી માર્કેટમાં ૨૮ ટકા તૂટી જતો અહીં હિન્દાલ્કોમાં માનસ ખરડાયું હતું. શૅર પાંચ ગણા વોલ્યુમે ૬૬૭ની અંદર જઈ અંતે પોણાચાર ટકા પીગળી ૬૯૦ બંધ આવ્યો છે. કંપનીનાં પરિણામ છેક ૧૧ નવેમ્બરે છે.

અલ્ટ્રાટેક ૨.૮ ટકા વધી બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. મહિન્દ્ર તરફથી સ્કોડા ઇન્ડિયાનો ૫૦ ટકા હિસ્સો હસ્તગત કરવાનું વિચારાઈ રહ્યું હોવાના અહેવાલ છે. ડીલ ૪૦૦૦ કરોડ આસપાસની હશે. શૅર ૧.૪ ટકા સુધરી ૨૮૨૮ થયો છે. ટાઇટન સવા ટકો, સ્ટેટ બૅન્ક ૧.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ દોઢ ટકો તો ગ્રાસિમ સવા ટકો પ્લસ હતા. બજાજ ઑટો અઢી ટકા ડૂલ થયો છે. રિલાયન્સ શૅરદીઠ એક બોનસની રેકૉર્ડ ડેટ નજીકમાં, ૨૮ ઑક્ટોબરે હોવા છતાં નામકે વાસ્તે સુધરીને ૨૬૮૦ રહ્યો છે. HDFC બૅન્ક પોણા ટકાની આગેકૂચમાં ૧૭૫૦ બંધ આપીને બજારને સર્વાધિક ૯૪ પૉઇન્ટ ફળ્યો છે.

અદાણી ટોટલનો નફો ૭.૫ ટકા વધ્યો, શૅર આઠ ટકા ઊછળ્યો

કૅર રેટિંગ્સે ૩૧ ટકાના વધારામાં ૪૭ કરોડ નજીકનો નેટ નફો કરતાં ભાવ ૨૩ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૩૫ની તેજીમાં ૧૪૦૯ની મલ્ટિયર ટોચે બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. પિઅર ગ્રુપમાં ક્રિસિલ ત્રણ ટકા તો ઇકરા પાંચ ટકાથી વધુ મજબૂત હતી. પિરામલ ફાર્માએ આવકમાં ૧૭ ટકાની વૃદ્ધિ સામે ૩૫૦ ટકાના વધારામાં ૨૩ કરોડનો ચોખ્ખો નફો કરતાં શૅર ૧૧ ગણા કામકાજે ૨૬૦ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સવાઅઢાર ટકાના ઉછાળે ૨૫૬ વટાવી ગયો છે. સોના કૉમસ્ટારે સારાં રિઝલ્ટ પછી એસ્કોર્ટ્સનું રેલવે ઇક્વિપમેન્ટ ડિવિઝન ૧૬૦૦ કરોડની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ સાથે હસ્તગત કરી રેલવે કૉમ્પોનન્ટ્સ ક્ષેત્રે ઝંપલાવવાનું જાહેર કરતાં શૅર સાડાતેર ટકાના જમ્પમાં ૭૨૯ બંધ રહ્યો છે. સામે એસ્કોર્ટ્સ ૧૪ ગણા વૉલ્યુમે નીચામાં ૩૩૪૫ થઈ સાડાપાંચ ટકા કે ૨૦૪ની ખરાબીમાં ૩૪૯૮ હતો. એસ્ટર ડીએમ આશરે ૩૧ કરોડની ચોખ્ખી ખોટમાંથી ૯૭ કરોડના નેટ નફામાં આવતાં ભાવ ૩૦ ગણા વૉલ્યુમે દસ ટકા ઊંચકાઈ ૪૪૩ થયો છે.

અદાણી ટોટલ ગૅસની આવક ૧૨ ટકા વધી છે પણ નફો સાડાસાત ટકા વધી ૧૮૬ કરોડ થયો છે એમાં શૅર ૭૭૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી આઠેક ટકા ઊછળી ૭૫૫ થઈ ગયો છે. KPIT ટેક્નૉલૉજીસ પરિણામની નરમાઈ આગળ ધપાવતાં પોણાચૌદ ટકા કે ૨૨૩ના કડાકામાં ૧૪૦૯ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. દાવત ફેમ એલટી ફૂડ્સે પાંચેક ટકાની પીછેહઠમાં ૧૪૮ કરોડનો નેટ નફો કરતાં શૅર ૪૧૪ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૩૪૩ બતાવી સાડાતેર ટકા તૂટી ૩૫૦ બંધ રહ્યો છે. ૧૩ ક્વૉર્ટર કે સવાત્રણ વર્ષ પછી પ્રથમ વાર કંપનીએ ત્રિમાસિક નફામાં ઘટાડો નોંધાવ્યો છે. પિઅર ગ્રુપમાં નહીંવત નરમાઈ હતી. ચમનલાલ સેટિયા પોણો ટકો અને કોહીનૂર ફૂડ્સ અડધો ટકો વધ્યા છે. જીઆરએમ ઓવરસીઝ બે ટકા પ્લસ હતી.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange