ટ્રમ્પનું પલડું ભારે થતાં અમેરિકામાં અનિ​શ્ચિતતા વધતાં સોનું ફરી નવી ટોચે

18 October, 2024 08:55 AM IST  |  Mumbai | Mayur Mehta

યુરોપ-બ્રિટનની સેન્ટ્રલ બૅન્કો દ્વારા રેટ-કટના ચાન્સ વધતાં સોનાની ડિમાન્ડ વધવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પનું પલડું ભારે થતાં અનિશ્ચિતતા વધી હતી જેને કારણે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં ફરી એક વખત સોનું નવી ઑલટાઇમ હાઈ સપાટી ૨૬૮૮.૮૨ ડૉલરે પહોંચ્યું હતું. વળી યુરોપ અને બ્રિટનમાં ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટ કરતાં નીચે જતાં રેટ-કટની ચાન્સ વધતાં સોનાની ડિમાન્ડ વધશે એવી ધારણાથી પણ સોનાની ડિમાન્ડ વધી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૫૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૮ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનું અને ચાંદી સતત બીજે દિવસે વધ્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને પોણાત્રણ મહિનાની ઊંચાઈએ ૧૦૩.૬૦ પૉઇન્ટે પહોંચ્યો હતો.  અમેરિકામાં ત્રણ સપ્તાહ બાદ યોજાનારા પ્રેસિડે​ન્શિયલ ઇલેક્શનમાં કેટલાક સર્વેમાં ટ્રમ્પનું પલડું ભારે થતાં ડૉલરમાં ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો ટેરિફ, ઇમિગ્રેશન અને કૉર્પોરેટ ટૅક્સના ફેરફારથી ઇન્ફ્લેશન વધશે જેને કારણે ફેડના રેટ-કટને પણ બ્રેક લાગશે અને ડૉલરની મજબૂતી વધશે.

અમેરિકાના એક્સપોર્ટ પ્રાઇસ સપ્ટેમ્બરમાં ૦.૭ ટકા ઘટ્યા હતા જે ઑગસ્ટમાં ૦.૯ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૪ ટકા ઘટાડાની હતી, જ્યારે ઇમ્પોર્ટ પ્રાઇસ ૦.૪ ટકા ઘટ્યા હતા જે છેલ્લા નવ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. ઇમ્પોર્ટ પ્રાઇસ ઑગસ્ટમાં ૦.૨ ટકા ઘટ્યા હતા. અમેરિકાના ૩૦ વર્ષીય મૉર્ગેજ રેટ ૧૧ ઑક્ટોબરે પૂરા થયેલા સપ્તાહના અંતે સોળ બેસિસ પૉઇન્ટ વધીને બે મહિનાની ઊંચાઈએ ૬.૫૨ ટકાએ પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે ૬.૩૬ ટકા હતા. મૉર્ગેજ રેટ સતત ત્રીજે સપ્તાહે વધ્યા હતા. જમ્બો મૉર્ગેજ રેટ પણ બાર બેસિસ પૉઇન્ટ વધ્યા હતા. મૉર્ગેજ રેટ છેલ્લાં ત્રણ સપ્તાહથી વધી રહ્યા હોવાથી મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ૧૭ ટકા ઘટ્યો હતો જે અગાઉના સપ્તાહે પણ ૫.૧ ટકા ઘટ્યો હતો.

ચાઇનીઝ ઇકૉનૉમિક ક​ન્ડિશનને નબળા તબક્કામાંથી બહાર કાઢવા ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા અનેક પ્રકારનાં પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ઉમેરો કરીને મંદીગ્રસ્ત રિયલ્ટી સેક્ટરને બૂસ્ટ કરવા ચાર ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆનનો સપોર્ટ આપવાનો નિર્ણય ગુરુવારે લેવાયો હતો, જેમાં મૉર્ગેજ રેટ અને ડાઉન પેમેન્ટ રેશિયોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ચાઇનીઝ ઇકૉનૉમીમાં રિયલ એસ્ટેટ સેક્ટર સૌથી વધુ પ્રદાન આપતું હોવાથી ગવર્નમેન્ટ દ્વારા આ સેક્ટરને બૂસ્ટ કરવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને હવે માત્ર ત્રણ સપ્તાહ બાકી છે ત્યારે નાટ્યાત્મક રીતે કેટલાક સર્વેમાં ટ્રમ્પનું પલડું ભારે થઈ રહ્યું છે. અમેરિકન પબ્લિકમાં જેનું વજન પડે છે એવા ફોક્સ ન્યુઝના સર્વેમાં ટ્રમ્પની જીતના ચાન્સ વધુ બતાવાયા છે. જોકે મોટા ભાગના સર્વેમાં હાલ ટ્રમ્પ અને હૅરિસ નેક-ટુ-નેક ચાલી રહ્યા છે. બે સપ્તાહ અગાઉ ઑલમોસ્ટ બધા જ સર્વેમાં હૅરિસનું પલડું ભારે હતું, પણ છેલ્લાં બે સપ્તાહથી કેટલાક સર્વેમાં હૅરિસના પ્રેસિડન્ટ બનવાના ચાન્સ ઝડપથી ઘટી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન પબ્લિકને જે વાયદાઓ કર્યા છે એ પ્રમાણે જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બને તો ડૉલરની મજબૂતી અનેકગણી વધી શકે છે તેમ જ હાલ ચાલી રહેલો યુદ્ધનો માહોલ પણ શાંત પડી શકે છે. આ બન્ને બાબતો સોના-ચાંદીની તેજીની વિરુદ્ધ છે, પણ ટ્રમ્પની અગાઉની ટર્મમાં તેની કૉન્ટ્રોવર્શિયલ પૉલિસીથી સોના-ચાંદીની તેજીને ચાર વર્ષ સુધી સતત સપોર્ટ મળ્યો હતો. આથી ટ્રમ્પની જીત અનેક રીતે સોના-ચાંદીની માર્કેટ માટે મહત્ત્વની રહેશે, જ્યારે હૅરિસની જીતથી સોના-ચાંદીની માર્કેટમાં કોઈ મોટો ફરક પડે એવું હાલ લાગતું નથી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૮૧૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૫૦૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૧,૬૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price commodity market