ફેડનું આઉટકમ અને ટ્રમ્પના ટૅરિફ પ્લાનની રાહે સોના-ચાંદી રેન્જ બાઉન્ડ

30 January, 2025 07:26 AM IST  |  Mumbai | Mayur Mehta

ટ્રમ્પના ટૅરિફવધારાથી ઇન્ફ્લેશન વધવાના રિપોર્ટથી સોનાની તેજીનું ભાવિ બુલંદ

સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ફેડની બે દિવસીય મીટિંગ પૂરી થયા બાદનું આઉટકમ અને ટ્રમ્પના ટૅરિફવધારાની વધુ જાહેરાતોની રાહે સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં રેન્જ બાઉન્ડ રહ્યાં હતાં. ટ્રમ્પની ટૅરિફવધારાની જાહેરાતથી અમેરિકાનું ઇન્ફ્લેશન મોટા પ્રમાણમાં વધશે એવા વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટથી સોનાની તેજીનું ભાવિ વધુ બુલંદ બન્યું છે.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૬૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૩૦ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ફેડની મીટિંગનું ડિસિઝન ભારતીય સમય પ્રમાણે ગુરુવારે વહેલી સવારે ત્રણ વાગ્યે આવવાનું હોવાથી ડિસિઝન પહેલાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૭.૭૫થી ૧૦૭.૯૬ પૉઇન્ટની રેન્જમાં ઑલમોસ્ટ સ્ટેડી રહ્યો હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૪.૫૨૪ ટકાએ સ્ટેડી રહ્યાં હતાં.

અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૧૦૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૦૯.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૬.૩ પૉઇન્ટની હતી. અમેરિકાની હાલની બિઝનેસ અને લેબર માર્કેટની ક​ન્ડિશનને બતાવતો સિચુએશન ઇન્ડેક્સ પણ જાન્યુઆરીમાં ઘટીને ૧૩૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૪૪ પૉઇન્ટ હતો. લેબર માર્કેટની ક​ન્ડિશન સપ્ટેમ્બર પછી પ્રથમ વખત ઘટી હતી. આગામી દિવસોની બિઝનેસ ક​ન્ડિશનને બતાવતો એક્સપેક્ટેશન ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને ૮૩.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૮૬.૫ પૉઇન્ટ હતો.

અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ઑર્ડર ડિસેમ્બરમાં ૨.૨ ટકા ઘટ્યા હતા જે નવેમ્બરમાં પણ બે ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ શહેરોનો હોમપ્રાઇસ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૪.૩ ટકા વધ્યો હતો જે ઑક્ટોબરમાં ૪.૨ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા પ્રમાણે જ વધ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલી ટૅરિફની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે અમેરિકાના અગ્રણી અખબાર વૉશિંગ્ટન પોસ્ટે ટૅરિફની અસર બાબતે વિસ્તૃત આર્ટિકલ લખ્યો છે. ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા અને ચીનથી આયાત થતી ચીજો પર ૧૦ ટકા વધારાની ટૅરિફ ૧ ફેબ્રુઆરીથી લાગુ કરવાનો એ​ક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યો છે. અમેરિકામાં આયાત થતી કુલ ચીજોમાંથી ૪૩ ટકા એટલે કે ૩.૧ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરની ચીજો આ ત્રણ દેશોમાંથી આયાત થઈ રહી છે. ટ્રમ્પની ટૅરિફને કારણે અમેરિકન પબ્લિકને અનેક ચીજોની ખરીદી માટે વધારે કિંમત ચૂકવવી પડશે. આથી ટૅરિફવધારાને કારણે અમેરિકન મોંઘવારી આસમાને પહોંચવાની વૉશિંગ્ટન પોસ્ટે આગાહી કરી છે. હાલ અમેરિકામાં સૌથી વધુ કન્ઝ્યુમર ગુડ્સ, કૉટન શર્ટ સહિતનાં તમામ રેડીમેડ વસ્ત્રો, શૂઝ, ચિલ્ડર્ન ટૉય્ઝ, સેલફોનની આયાત ચીનથી થઈ રહી છે જેના પર ટૅરિફ લાગતાં અનેક ચીજો મોંઘી થશે. અમેરિકના કન્ઝ્યુમર ટેક્નૉલૉજી અસોસિએશનના અંદાજ અનુસાર હવે ટૅરિફવધારાથી તમામ પ્રકારના સ્માર્ટફોન ઍવરેજ ૨૧૩ ડૉલર મોંઘા થશે. તમામ કંપનીઓની આયાત-કૉસ્ટના વધારાનો બોજ સ્વભાવિક રીતે કન્ઝ્યુમર પર જ પડવાનો છે. મેક્સિકોથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાગુ કરતાં તમામ ફૂડ આઇટમો મોંઘી થવાની છે. હાલ અમેરિકા મોટા ભાગનાં શાકભાજીઓ, ફ્રૂટ અને ફ્રોઝન જૂસ મેક્સિકોથી આયાત કરે છે. અમેરિકન પબ્લિક જેટલો અવાકાડો ખાય છે એ તમામ મેક્સિકોથી આયાત થાય છે. અમેરિકનો દ્વારા થતા બિઅરના વપરાશનો મોટા ભાગના જથ્થો મેક્સિકોથી આયાત થાય છે. અમેરિકામાં વપરાતી કાર અને એના પાર્ટ્સમાંથી ૫૦ ટકાની આયાત કૅનેડા અને મેક્સિકોથી થાય છે. ઇન્ડ​સ્ટ્રિયલ મટીરિયલ્સની મોટા ભાગની આયાત કૅનેડાથી થાય છે. અમેરિકામાં ગયા વર્ષે ૧૭૩ અબજ ડૉલરનાં વેહિકલ, પાર્ટ્સ અને એ​​ન્જિનની આયાત મેક્સિકોથી થઈ હતી. ગયા વર્ષે અમેરિકાએ ૯૩ અબજ ડૉલરનું ક્રૂડ તેલ કૅનેડાથી આયાત કર્યું હતું, હવે એના પર પચીસ ટકા ટૅરિફ લાગતાં ફ્યુઅલના ભાવ પણ વધશે. અમેરિકાની ટૉપ લેવલની કંપની કે.પી.એમ.જી.ના ચીફ ઇકૉનૉમિસ્ટે જણાવ્યું હતું કે અમેરિકામાં બહુ જ ઓછી ચીજો એવી બની રહી છે કે જે ૧૦૦ ટકા મેઇડ ઇન અમેરિકા છે. ટ્રમ્પના ટૅરિફવધારાની અસરે અમેરિકામાં મોંઘવારી માઝા મૂકશે એવો આ આર્ટિકલનો સાર જોતાં ઇન્ફ્લેશન આસમાને પહોંચશે જે સોના-ચાંદીના ભાવને પણ નવી ઊંચાઈએ પહોંચાડશે, કારણ કે ઇન્ફ્લેશનના વધારા સામેનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ સોના-ચાંદી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૦,૯૭૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૦,૬૫૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૬૮૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market donald trump mumbai indian economy business news