અમેરિકન ડૉલરની મજબૂતીથી સોનામાં પાંચ દિવસની એકધારી તેજીને બ્રેક

25 October, 2024 07:27 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોના-ચાંદી સતત ૬ દિવસ વધ્યા બાદ પ્રત્યાઘાતી ઘટ્યાં : અમેરિકાએ રશિયન પૅલેડિયમ અને ટિટેનિયમ પર પ્રતિબંધ મૂકતાં પૅલેડિયમ ઊછળ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનામાં પાંચ દિવસથી એકધારી ચાલી આવતી તેજીને બ્રેક લાગી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૭૧૪.૫૦ ડૉલરે પહોંચ્યા બાદ ફરી તેજીની આગેકૂચ ચાલુ થતાં ગુરુવારે સાંજ સુધીમાં સોનું વધીને ૨૭૪૦ ડૉલર થયું હતું.

અમેરિકા અને G-7 ગ્રુપના દેશોએ રશિયન પૅલેડિયમ અને ટિટેનિયમ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરતાં પૅલેડિયમના ભાવ ૮ ટકા ઊછળીને ૧૦ મહિનાની ઊંચાઈએ ૧૧૪૩ ડૉલર થયા હતા. સમગ્ર વિશ્વમાં રશિયા ૪૦ ટકા પૅલેડિયમની સપ્લાય કરે છે.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં પણ સોના-ચાંદીનો ભાવ સતત ૬ દિવસ વધ્યા બાદ ગઈ કાલે ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૪૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૩૬૯ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૧૦૪.૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પની જીતની શક્યતા દિવસે-દિવસે વધી રહી હોવાથી જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો ફેડને રેટ-કટ લાવવાનું કઠિન બનશે એથી ડૉલર ઇન્ડેક્સ વધી રહ્યો છે. વળી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે તાજેતરમાં ત્રીજી વખત રેટ-કટ કર્યો હોવાથી યુરોની નબળાઈનો પણ સપોર્ટ મળી રહ્યો છે.

જપાનમાં આગામી સપ્તાહે યોજાનારા જનરલ ઇલેક્શનમાં સત્તાપલટાની આગાહીને પગલે રાજકીય અનિશ્ચિતતા ઊભી થતાં યેનનું મૂલ્ય ડૉલર સામે ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. વળી જપાનના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત ઘટતાં એની પણ અસર જોવા મળી હતી. કરન્સી બાસ્કેટમાં જૅપનીઝ યેનનું વેઇટેજ ૧૩.૬ ટકા હોવાથી યેનની નબળાઈનો ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને મોટો સપોર્ટ મળ્યો હતો.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનાં ચૅરપર્સન લગાર્ડેએ ઇકૉનૉમિક કન્ડિશન વધુ નબળી પડવાનો સંકેત આપતાં ડિસેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટના રેટ-કટની શક્યતા વધી હતી, જેને પગલે યુરોનું મૂલ્ય ડૉલર સામે ઘટીને સાડાત્રણ મહિનાની નીચી સપાટીએ ૧.૦૭૭ ડૉલરે પહોંચ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલે બૅન્કે છેલ્લી ત્રણ મીટિંગમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ કર્યો  હતો. 
અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ સપ્ટેમ્બરમાં એક ટકો ઘટીને ૩૮.૪ લાખે પહોંચ્યું હતું જે સતત બીજે મહિને ઘટ્યું હતું અને ૧૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઑગસ્ટમાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૩૮.૮ લાખ રહ્યું હતું અને માર્કેટની ધારણા ૩૯ લાખની હતી.

બૅન્ક ઑફ કૅનેડાએ ૫૦ બેસ‌િસ પૉઇન્ટનો રેટ-કટ લાવીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટને ૩.૭૫ ટકાએ પહોંચાડ્યો હતો. બૅન્ક ઑફ કૅનેડાએ અગાઉની ત્રણ મીટિંગમાં દરેકમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ કર્યો હતો.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

વર્લ્ડમાં રેટ-કટનો દોર ઝડપથી આગળ વધી રહ્યો છે. કોરોનાને કારણે ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ પહોંચતાં તમામ દેશોને રાતોરાત રેટ ઇન્ક્રીઝ કરવાની ફરજ પડી હતી, પણ હવે ઇકૉનૉમિક કન્ડિશન નબળી પડતી હોવાથી એગ્રેસિવ રેટ-કટ લાવવાની ફરજ પડી છે. યુરોપ, કૅનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડની સરખામણીમાં ફેડના રેટ-કટની ગતિ ધીમી છે અને હવે જો ટ્રમ્પ પ્રેસિડન્ટ બનશે તો ફેડને રેટ-કટ લાવવાનું વધુ કઠિન બનશે.જોકે અમેરિકા સિવાયના દેશોમાં રેટ-કટને કારણે સોનાની ડિમાન્ડમાં મોટો વધારો થશે જેને કારણે સોનાની તેજીને સપોર્ટ મળતો રહેશે, પણ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ સોનાની તેજી-મંદીમાં જિયોપૉલિટકલ ટેન્શન અને ટ્રેડ ડિસ્પ્યુટની અસર મોટી જોવા મળશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૮,૬૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૮,૩૭૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૮,૮૬૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price