ચાંદી કડડડભૂસ : મુંબઈમાં ચાંદી માત્ર છ દિવસમાં ૧૦,૫૪૦ રૂપિયા તૂટી

26 July, 2024 06:52 AM IST  |  Mumbai | Mayur Mehta

સોનું મુંબઈમાં પાંચ દિવસમાં ૫૭૫૨ રૂપિયા સસ્તું થયું : અમેરિકન પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધતાં રેટ-કટના ચાન્સ ઘટવાથી સોના-ચાંદી ગબડ્યાં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધીને ૨૭ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સપ્ટેમ્બરમાં રેટ-કટના ચાન્સ થોડા નબળા પડતાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૩૬૪ ડૉલર અને ચાંદી ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ ૨૭.૪૭ ડૉલરે પહોંચી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદી સતત ઘટી રહ્યાં છે. સોનાનો ભાવ ગઈ કાલે પ્રતિ ૧૦ ગ્રામ ૯૨૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૩૮૮ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી કડડડભૂસ થઈ હતી. છેલ્લા છ દિવસમાં ચાંદીમાં ૧૦,૫૪૦ રૂપિયા તૂટ્યા હતા. સોનાનો ભાવ પણ છેલ્લા પાંચ દિવસમાં ૫૭૫૨ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ છેલ્લા છ દિવસમાં પ્રતિ કિલો ૯૨,૦૧૪ રૂપિયાથી ઘટીને ૮૧,૪૭૪ રૂપિયા થયો છે. સોનાનો ભાવ માત્ર પાંચ દિવસમાં પ્રતિ ૧૦ ગ્રામ ૭૩,૯૭૯ રૂપિયાથી ઘટીને ૬૮,૨૨૭ રૂપિયા થયો છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જુલાઈમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૧.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧.૭ પૉઇન્ટની હતી. જોકે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ વધીને ૨૮ મહિનાની ઊંચી સપાટીએ ૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૫.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પંચાવન પૉઇન્ટની હતી.

અમેરિકાની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ૭૭.૬ ટકા અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું વેઇટેજ ૧૭.૮૮ ટકા જ હોવાથી સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ પણ જુલાઈમાં વધીને ૨૭ મહિનાની ઊંચાઈએ પંચાવન પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૪.૮ પૉઇન્ટ હતો.

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતાં અને જપાનની સેન્ટ્રલ બૅન્ક દ્વારા આગામી સપ્તાહે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો થવાના ચાન્સ વધતાં યેનનું મૂલ્ય એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ પર દબાણ વધ્યું હતું જેને કારણે ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે ઘટ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ગુરુવારે ૦.૧૪ ટકા ઘટીને ૧૦૪.૨૫ પૉઇન્ટે પહોંચ્યો હતો.

અમેરિકાના સિંગલ ફૅમિલી હોમસેલ્સ જૂનમાં ૦.૬ ટકા ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૬.૧૭ લાખ રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૬.૨૧ લાખની હતી. હાલ ૪.૭૬ લાખ નવાં સિંગલ ફૅમિલી હોમ વેચવા માટે લિસ્ટ થયાં છે જે ૯.૩ મહિનાની જરૂરત જેટલાં છે.

ચીનની સેન્ટ્રલ બૅન્કે આશ્ચર્યજનક રીતે મિડિયમ ટર્મ લૅન્ડિંગ ફૅસિલિટીના રેટ ૨૦ બેસિસ પૉઇન્ટ ઘટાડીને ૨.૩ ટકા કર્યા હતા જે ૪૧ મહિનાના સૌથી નીચા રેટ છે. તાજેતરમાં જ સેન્ટ્રલ બૅન્કે શૉર્ટ ટર્મ લૅન્ડિંગ રેટ ઘટાડ્યા બાદ બૅક-ટુ-બૅક આ બીજો ઘટાડો કર્યો છે. ચીનની નબળી પડતી ઇકૉનૉમીને બૂસ્ટ કરવા સેન્ટ્રલ બૅન્ક દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. મિડિયમ ટર્મ લૅન્ડિંગ રેટ ઘટતાં માર્કેટમાં ૨૦૦ અબજ યુઆન ઠલવાશે, જ્યારે અગાઉ કરાયેલા ઘટાડાને કારણે માર્કેટમાં ૨૩૫.૧ અબજ યુઆન ઠલવાયા હતા.

ચાંદીના ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટીને ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ચીન સહિત મોટા ભાગના ડેવલપ દેશોના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો જોવા મળતાં તેમ જ ચીનની ઇકૉનૉમિક કન્ડિશન સતત બગડતી હોવાથી ચાંદીના ભાવ ગુરુવારે ત્રણ ટકા વધુ ઘટીને ૨૮ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા.

શૉર્ટ ટર્મલૉન્ગ ટર્મ

જપાનનું ઇન્ટરેસ્ટ-રેટ ડિસિઝન સોના-ચાંદીની માર્કેટ માટે બહુ જ મહત્ત્વનું બની રહેશે. જપાનનું ઇન્ફ્લેશન ત્રણ મહિનાની ઊંચાઈએ હોવાથી ડિફ્લેશનનો ભય ઘટતાં તેમ જ કરન્સી ડેપ્રીસિએશનને કારણે ઇકૉનૉમિક ગ્રોથ સતત નબળો પડતો હોવાથી હવે જપાનની ગવર્નમેન્ટ ઑથોરિટી અને સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ-રેટ વધારવા મક્કમ બન્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં સામેલ છ કરન્સીમાં યેનનું વેઇટેજ ૧૩.૬ ટકા હોવાથી યેનની મજબૂતી વધતાં ડૉલર પર દબાણ વધવાનું છે. જપાનના ઇન્ટરેસ્ટ-રેટ વધે અને અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ ઘટે તો એની બેવડી અસર ડૉલર પર પડશે જેને કારણે ડૉલર તૂટતાં સોના-ચાંદીની તેજીને બૂસ્ટ મળશે.

 

business news gold silver price commodity market columnists