21 February, 2025 06:57 AM IST | Mumbai | Mayur Mehta
સોના-ચાંદીની ફાઈલતસવીર
ટ્રમ્પ દ્વારા એક પછી એક આઇટમો પર ટૅરિફવધારો વધારવાની શ્રેણીબદ્ધ જાહેરાતોથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ સતત વધી રહી હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૦૨૫માં નવમી વખત નવી ટોચે પહોંચ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૪૬.૭૫ ડૉલરની નવી ટોચે પહોંચ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૪૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૫૪૩ રૂપિયા વધી હતી. ૨૦૨૫ના પ્રથમ ૫૦ દિવસમાં સોનાનો ભાવ ૭૬,૧૬૨ રૂપિયાથી વધીને ૮૬,૭૩૩ રૂપિયા એટલે કે ૧૦,૫૭૧ રૂપિયા વધતાં ૧૩.૮૭ ટકાનું તગડું રિટર્ન મળ્યું હતું. એ જ રીતે ચાંદીના ભાવ ૮૬,૦૧૭ રૂપિયાથી વધીને ૯૭,૫૬૬ રૂપિયા થતાં ૧૧,૫૪૯ રૂપિયાનો વધારો થયો હતો. આમ ચાંદીમાં ૫૦ દિવસમાં ૧૩.૪૨ ટકાનું તગડું રિટર્ન મળ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ડોનલ્ડ ટ્રમ્પે ઍલ્યુમિનિયમ અને સ્ટીલ બાદ હવે સેમિકન્ડક્ટર અને ફાર્માસ્યુટિકલ આઇટમોની આયાત પર પચીસ ટકા ટૅરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગયા શુક્રવારે અમેરિકામાં આયાત થતા તમામ ઑટોમોબાઇલ્સ પર બીજી એપ્રિલથી ટૅરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે કૅબિનેટના ડિટેઇલ રિપોર્ટ બાદ ઑટોમોબાઇલ્સ પરની ટૅરિફ લાગુ કરવાનું જણાવ્યું હતું. ટ્રમ્પની ટૅરિફવધારાની નવી જાહેરાતને કારણે ઇન્ફ્લેશન વધવાની શક્યતા વધતાં ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અટક્યો હતો. વળી રશિયા અને યુક્રેન યુદ્ધસમાપ્તિની મંત્રણામાં યુરોપિયન દેશોના વડાઓ અને યુક્રેનની સામેલગીરી હજી થઈ ન હોવાથી મંત્રણાની સફળતા માટે અનિશ્ચિતતા વધી હોવાથી ડૉલરનો સપોર્ટ મળ્યો હતો.
અમેરિકાના હાઉસિંગ સેક્ટરનો ગ્રોથ બતાવતો ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૪૭ પૉઇન્ટની હતી. હાઉસિંગ સેલ્સની કરન્ટ કન્ડિશનનો ઇન્ડેક્સ ચાર પૉઇન્ટ ઘટીને ૪૬ પૉઇન્ટે અને આગામી છ મહિનાના સેલ્સ પ્રોસ્પેક્ટનો ઇન્ડેક્સ ૧૩ પૉઇન્ટ ઘટીને ૪૬ પૉઇન્ટે પહોંચ્યો હતો.
ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્ક દ્વારા પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે પણ ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ જાહેર કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. ન્યુ ઝીલૅન્ડે ઑગસ્ટ પછી આ ચોથો રેટ-કટ જાહેર કર્યો હતો.
ચીનના ટૉપ લેવલનાં ૭૦ શહેરોમાં હોમપ્રાઇસ જાન્યુઆરીમાં પાંચ ટકા ઘટ્યા હતા જે ડિસેમ્બરમાં પણ ૫.૩ ટકા ઘટ્યા હતા. ૭૦ શહેરોના હોમપ્રાઇસ જાન્યુઆરીમાં સતત ૧૯મા મહિને ઘટ્યા હતા છતાં સરકારના પ્રૉપટી સેક્ટરના ઉભારવાના પ્રયત્નોને કારણે જાન્યુઆરીનો ઘટાડો છેલ્લા સાત મહિનાનો સૌથી ઓછો ઘટાડો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પ અને પુતિન સપ્તાહના અંતે સાઉદી કૅપિટલ રિયાધમાં રશિયા અને યુક્રેન યુદ્ધસમાપ્તિ માટે મળવાના છે ત્યારે અમેરિકન પૉલિટિકલ ઍનલિસ્ટોનું માનવું છે કે આ મીટિંગ પાછળ રશિયા-યુક્રેન યુદ્ધસમાપ્તિની મંત્રણા માત્ર એક બહાનું છે, મીટિંગની મકસદ કંઈક બીજી છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સાલેમના સંબંધો ટ્રમ્પની પહેલી ટર્મમાં અમેરિકા સાથે બહુ જ ઘનિષ્ઠ હતા અને ૨૦૧૭માં ટ્રમ્પે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી ત્યારે બન્ને દેશો વચ્ચે અનેક પ્રકારના બિઝનેસ ઍગ્રિમેન્ટ થયા હતા, પણ ૨૦૧૮માં વૉશિંગ્ટન પોસ્ટના કૉલમિસ્ટનું ઇસ્તનબુલમાં મર્ડર થયા બાદ બન્ને દેશોના સંબંધો બગડ્યા હતા. આ સંબંધો બન્ને નેતાઓ ફરી તાજા કરવા ઇચ્છતા હોવાથી મીટિંગની પસંદગી રિયાધની કરી છે. ઉપરાંત ટ્રમ્પ મિડલ ઈસ્ટમાં ઇસ્લામિક આંતકવાદીઓનો ખાતમો બોલાવવા ઇઝરાયલ અને સાઉદી અરેબિયાને નજીક લાવવા ઇચ્છે છે. ઉપરાંત સાઉદી અરેબિયા અને ઈરાનની દુશ્મનીને ટ્રમ્પ વધુ ભડકાવવા માગે છે જેનાથી ઈરાન પર વધુ પ્રેશર બનાવી શકાય. રશિયા-યુક્રેન યુદ્ધસમાપ્તિ બાબતે રશિયા-અમેરિકાની સીધી વાતચીતનો યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ વિરોધ કર્યો છે અને યુરોપિયન યુનિયનની પણ મંત્રણામાં સામેલગીરી ન હોવાથી નારાજગી છે. આ તમામ ઘટનાક્રમનો સાર એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવું હજી ઘણું દૂર હોવાથી સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ હજી મળતો રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૬,૭૩૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૬,૩૮૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૫૬૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)