03 October, 2024 08:33 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળતાં અને એમાં અમેરિકાની દરમ્યાનગીરી વધતાં ડૉલર ઇન્ડેક્સ એકાએક ઊછળીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચતાં યુદ્ધની સેફ હેવન ડિમાન્ડ શિફ્ટ થઈને ડૉલર તરફ વળતાં સોનું ઘટ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ-અટૅક કરતાં અને અમેરિકાએ ઈરાનના મિસાઇલ-અટૅકનો સામનો કરવા મિલિટરીને અલર્ટ કરતાં મહાયુદ્ધના ભણકારા વાગવાના ચાલુ થતાં ડૉલરમાં સેફ હેવન લેવાલી વધી હતી જેને કારણે ડૉલર ઇન્ડેક્સ મંગળવારે ઓવરનાઇટ ઊછળીને બે સપ્તાહની ઊંચાઈએ ૧૦૧.૨૭ પૉઇન્ટે પહોંચ્યા બાદ બુધવારે ૧૦૧.૨૧થી ૧૦૧.૨૫ પૉઇન્ટની રેન્જમાં હતો. એક સપ્તાહ અગાઉ ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૪ મહિનાના તળિયે ૧૦૦.૨૭ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં યથાવત્ ૪૭.૨ પૉઇન્ટ રહ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૪૭.૫ પૉઇન્ટની રહી હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત છઠ્ઠે મહિને ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ડિમાન્ડ અને પ્રોડક્શન સતત ઘટી રહ્યાં છે. પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર પણ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં સતત ત્રીજે મહિને ઘટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ ૪૭.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૪૭.૯ પૉઇન્ટ હતો. આમ બન્ને રિપોર્ટમાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નબળો આવ્યો હતો. અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ ઑગસ્ટમાં ૩.૨૯ લાખ વધીને ૮૦.૪૦ લાખે પહોંચ્યા હતા જે જુલાઈમાં ૭૭.૧૧ લાખ હતા અને માર્કેટની ધારણા ૭૬.૫૫ લાખની હતી. અમેરિકન કન્સ્ટ્રક્શન્સ અને ગવર્નમેન્ટ સેક્ટરમાં જૉબઓપનિંગ સૌથી વધુ વધ્યાં હતાં. અમેરિકન લૉજિસ્ટિક સેક્ટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં સતત દસમા મહિને વધીને બે વર્ષની ઊંચાઈએ ૫૮.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૬.૪ પૉઇન્ટ હતો.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટીને ૪૦ મહિનાની નીચી સપાટીએ ૧.૮ ટકા રહ્યું હતું જે ઑગસ્ટમાં ૨.૨ ટકા હતું અને માર્કેટની ધારણા ૧.૯ ટકાની હતી. યુરો એરિયાનું ઇન્ફ્લેશન લાંબા સમય પછી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં નીચે ગયું છે. યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં વધીને ૪૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈ-ઑગસ્ટમાં ૪૫.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૪.૮ પૉઇન્ટની હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઈરાને ઇઝરાયલને વળતા પ્રહારરૂપે મિસાઇલ-અટૅક કરતાં જિયોપૉલિટિકલ ટેન્શન એકાએક વધ્યું હતું જેને કારણે વિશ્વના ઇન્વેસ્ટરો સેફ હેવન ઍસેટની ખરીદી માટે દોડ્યા હતા. યુદ્ધમાં અમેરિકાએ સીધી દરમ્યાનગીરી કરતાં ડૉલર ઊછળ્યો હતો અને સેફ હેવન ડિમાન્ડ એ તરફ વળી હતી, પણ સોનાને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી મળતો રહેશે. ડૉલર અને સોનું-ચાંદી બન્ને સેફ હેવન ઍસેટ હોવાથી ડિમાન્ડ શિફ્ટ થતી રહેશે જેને કારણે બન્ને ઍસેટને મજબૂતી મળશે.
.