14 April, 2025 07:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
લોકલ જ્વેલર્સ અને રીટેલમાં ઘરાકી નીકળતાં ગઈ કાલે દિલ્હીમાં સોનાનો ભાવ ઑલટાઇમ હાઈ ૯૬,૪૫૦ રૂપિયા પર પહોંચી ગયો હતો. ઑલ ઇન્ડિયા સરાફા અસોસિએશનના જણાવ્યા મુજબ ૧૦ ગ્રામ સોનાના ભાવ ગઈ કાલે ૬૨૫૦ રૂપિયા વધ્યા હતા.
જાણકારોનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર વધી રહી હોવાથી સોનામાં ડિમાન્ડ નીકળી છે અને આ કારણસર એનો ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ચાર દિવસના ઘટાડા બાદ બુધવારે ૯૯.૫ ટચ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૮૯,૭૫૦ રૂપિયા બંધ રહ્યો હતો જે ગઈ કાલે ૯૬,૦૦૦ રૂપિયાની પાર થઈ ગયો હતો. ગુરુવારે મહાવીર જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ ગઈ કાલે સારીએવી રિકવરી જોવા મળી હતી. એક કિલો ચાંદીનો ભાવ ૨૩૦૦ રૂપિયા વધીને ૯૫,૫૦૦ રૂપિયા થઈ ગયો હતો. વિશ્વમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે સોના-ચાંદીને બધા સેફ ઇન્વેસ્ટમેન્ટ માની રહ્યા હોવાથી એના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.